અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!
દિવ્યા મોદી

ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે….. – મુકેશ જોષી

કોઈ સવારે, ફૂલો સાથે વાત કરીને
ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે
તમે દ્વાર ખોલીને ઊભા હોવ છતાંય
સાંકળ જેવું ધીમે ધીમે તમને એ ખખડાવે
તો, તમે મૂકી દો છાતી ઉપર હાથ,
કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?

ખુલ્લી આંખે સપનું આવે, ગુલાબની પાંદડીએ એનું
નામ લખીને કંઈક જનમથી ઝૂર્યા હો ને
ખરું પૂછો તો ગઈ રાતનાં સપનાંઓનાં પતંગિયાંની
પાંખ ઉપરથી હેઠા પણ ના ઊતર્યા હો ને
તમે હજુ તો પૂછો ‘કોણ તમે’ના કોઈ ઉત્તરમાં
એ ચારેબાજુ હવા સુગંધી આવે

અજવાળું ઊગવાની ખાસ્સી વેળ હોય ને એય
તમારી સામે સૂરજમુખી જેવું ખીલવા લાગે
તમે તમારા મન માંહે સંતાડી રાખ્યો હો એ સૂરજ
ફટાક કરતો એની પાસે ભાગે
તમને એ આંજી દે આછા ઉજાસથી કે
અંધારું કે અજવાળું ના કશું જ તમને ભાવે

તમે હજુ તો મનમાં આંબો વાવો, પહેલાં ડાળ તૂટે ને
કોઈ તમારી કૂંપળ જેવી વાત ફળે ના
તમે પછીથી શોધ આદરો રસ્તાઓમાં ચહેરાઓમાં
છતાંય તમને કોઈ નક્કર ભાળ મળે ના
કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
એક છોકરી તમને જો યાદ આવે!

– મુકેશ જોષી

 

પ્રેમના મહાપર્વએ નાજુક નમણું-શું પ્રેમગીત….ગીતનો ઉપાડ આખા ગીતને અલગ જ ઉંચાઈ આપી દે છે. છેલ્લો અંતરો પણ મનભાવન છે…

1 Comment »

  1. pragnajuvyas said,

    February 15, 2023 @ 2:31 AM

    કવિશ્રી મુકેશ જોષી ના પ્રેમના મહાપર્વએ મધુર નાજુક નમણું-શું પ્રેમગીત બદલ ધન્યવાદ
    ડો વિવેકજીનો મધુરો આસ્વાદ
    કવિશ્રી મુકેશ જોષી તો આવા પ્રેમગીત માટે જાણીતા છે
    મનમા ગુંજે …
    કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
    એક છોકરી તમને જો યાદ આવે!
    વાહ
    પડઘાય તેમના ગીતો..
    છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
    મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
    .
    પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
    હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.
    .
    લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
    પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
    મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો
    .
    હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
    તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
    ફાટેલાં પાનાંનાં જેવાં
    ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….
    .
    તને વરસાદી વાદળનું ચૂમવું ગમે કે તરસી આ આંખોનું ઝૂરવું ?
    હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ તો, કોનામાં દિલ તારે મૂકવું ?
    તને આભમાં રમતું એ વાદળ ગમે કે દરિયાનો કાંઠો ને હું ?
    .
    તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
    આખીય જિંદગી બળ્યા છો ?
    .
    ખોટું ન લાગે તો વાત એક કહું
    હું થોડા દિવસ હવે તારામાં રહું?

    ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
    અને ગામ મને પરણાવી રાજી
    .
    પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
    પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
    ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment