આખું આકાશ તારી આંખમાં – ઉષા ઉપાધ્યાય
મારી નજરુંના નાજુક આ પંખીના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
. પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
. ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
. મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
. મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં…
– ઉષા ઉપાધ્યાય
પ્રેમ નામની અનુભૂતિનો ખરો ચમત્કાર જ એ કે એ હોય ત્યારે માણસને એમ જ લાગે કે પોતે પોતાનામાં નહીં, પણ સામામાં જીવે છે. પોતાની આખી દુનિયાનું સરનામું સામી વ્યક્તિના અસ્તિત્વમાં લખાયેલ હોવાની લાગણીનું જ બીજું નામ તે પ્રેમ. આપણી કાવ્યનાયિકાની દુનિયા પણ એનો પ્રિયતમ જ છે. પ્રિયતમની આંખ એ જ એની નજરના નાજુક પંખીનું આખેઆખું આકાશ. એક તરફ નજર માટે ‘નાજુક’ વિશેષણ વાપરીને કવયિત્રીએ પ્રણયની કુમાશ આબાદ મૂર્ત કરી બતાવી છે, તો બીજી તરફ આકાશને ‘આખ્ખું’ કહીને પ્રિયજન સિવાયની કોઈ પણ જગ્યાએ પોતાના ઉડ્ડયનનો અવકાશ શૂન્ય કરી દઈને સમર્પણની ચરમસીમા પણ આંકી બતાવી છે. ગીતની બંને પૂરકપંક્તિઓમાં કવયિત્રીએ પ્રાસની પળોજણ પડતી મૂકી હોવા છતાં ગીત આખું આસ્વાદ્ય બન્યું છે.
Vinod Manek, Chatak said,
August 11, 2023 @ 12:55 PM
સરસ ગીત અભિવ્યક્તિ..
મારા નવલિકા સંગ્રહનું નામ પણ… તારી આંખોમાં મારું આકાશ…. છે
Vinod Manek, Chatak said,
August 11, 2023 @ 1:00 PM
સરસ ગીત અભિવ્યક્તિ..
મારાં નવલિકા સંગ્રહનું નામ પણ… તારી આંખોમાં મારું આકાશ… છે…
Ramesh Maru said,
August 11, 2023 @ 1:05 PM
સ્વને લઈ સમગ્રમાં ભળવા સુધીની અનુભૂતિ કરાવતું ગીત…
DILIPKUMAR CHAVDA said,
August 11, 2023 @ 2:01 PM
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
. એનું આખ્ખું આકાશ તારી આંખમાં
વાહ સરસ ગીત…
pragnajuvyas said,
August 12, 2023 @ 1:03 AM
સુ શ્રી ઉષા ઉપાધ્યાયનુ સુંદર ગીત
દૉ વિવેકનો સ રસ આસ્વાદ
Poonam said,
September 1, 2023 @ 10:37 AM
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ… Aahaa !
– ઉષા ઉપાધ્યાય –
Aaswad 👌🏻