મ્હેણું – સંજુ વાળા
વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે: તું ખમતીધર, હું તારા પગની રેણું
ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!
અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું!
– સંજુ વાળા
લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સહૃદય સ્વાગત!
સંગ્રહમાંના ‘વ્હાલાપંચક’ ગુચ્છમાંથી એક ગીતરચના આપ સહુ માટે. મજબૂત લય અને સીધી હૈયામાંથી ઉતરી આવી હોય એવી સહજ બાનીને લઈને રચના વાંચતા, સૉરી, ગણગણતાવેંત દિલમાં ઊતરી જાય એવી બળકટ થઈ છે. (પ્રવાહી લયને લઈને વાંચવું તો શક્ય જ નથી!) પ્રિયાને ખમતીધર લેખાવી પોતે તો કેવળ ચરણરજ છે એમ જ્યારે વહાલો કહે છે, ત્યારે સમર્પિતાને આ સમર્પણને મહેણું કહી ઓળખાવે છે. જો કે એના આ છણકામાં મહેણાંનો કોઈ ભાવ નથી જ નથી. વાત તો કેવળ વહાલની જ છે અને એ તો ગીતના ઉપાડના પહેલા શબ્દથી જ કવિએ સ્પષ્ટ કરી દીધી છે. આખું ગીત સહજ-સાધ્ય છે. ગાતાં-ગાતાં માણીએ…
Jayshree Merchant said,
March 2, 2023 @ 12:07 PM
બહુ જ સુંદર લય અને ભાવ. આવા ગીતની ગંગા સીધા કવિહ્રદયમાંથી નીકળીને ભાવકના અંતરમનમાં ઊતરે, કોઈ પણ પ્રયાસ વિના. બહુ જ સુંદર લય અને ભાવ. આવા ગીતની ગંગા સીધા કવિહ્રદયમાંથી નીકળીને ભાવકના અંતરમનમાં ઊતરે, કોઈ પણ પ્રયાસ વિના.
Ramesh Maru said,
March 2, 2023 @ 12:14 PM
વાહ…સુંદર ગીત…
પ્રેમમાં સરખામણી ના હોય છતાં કવિશ્રી ‘પગની રેણું’ અને ‘ખમતીધર’ – આ શબ્દોને સાવ લગોલગ લાવીને એકમેકમાં ઓગાળવાનું કામ કરી શક્યા છે…મ્હેણું ન રહેતા જાણે કે પ્રેમની એક અલગ ઉપમા આપી રહ્યા હોય…ગીત ગમ્યું…આસ્વાદ પણ ખૂબ સરસ ડો.વિવેકસર…
pragnajuvyas said,
March 2, 2023 @ 8:43 PM
કવિશ્રી સંજુ વાળાના નવ્યસંગ્રહ ‘અદેહી વીજ’નું સ્વાગત!
ગીતના મ્હેણું! શબ્દ પર નજર પડતા વિચારતરંગે પડઘાયા-‘*આંધળાના આધળા જ*
એવું કહીને ખડખડાટ હસવા વાળી પણ એ જ ને?અપમાનિત થયો દુર્યોધન એના મહેણાંથી! એનું પરિણામ બહુ વિનાશકારી આવશે એવો સહેજ પણ અણસાર નહોતો એને તો પોતાની મસ્તીમાં મસ્ત રહેતા નરસિંહને ભાભીના મહેણાં અવારનવાર મળતાં. એક વાર મહેણું સહન ન થતા આરાધના કરતા રાસના દર્શન થયા અને નાગરી નાતનુ ભાંગ્યુ ભવનુ મહેણું !
તો સામાન્ય વ્યક્તીમા એક મહેણું વાગી ગયું.
સનનન કંઈક છૂટ્યું -ચાર દીવાલોમાં સાચવેલું અચાનક ડહોળાઈ ગયું
કેટલુંય તરડાઇ ગયું ને કેટલુંય નંદવાઈ ગયું ,ગુચળું વળી મહી સુતું હતું ,તે પણ સોરવાઈ ગયું
એક આવેગમાં ઉકલ્યું વણઉકલ્યું ખોરવાઈ ગયું.ત્યારે ગીત
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે માર્યું જબરું મ્હેણું! ગાતા આ મધુરા મ્હેણાથી મન પ્રસન્ન…
ડૉ.વિવેકનો સ રસ આસ્વાદ
ધન્યવાદ
સંજુ said,
March 4, 2023 @ 5:02 PM
આભાર મિત્ર વિવેક
મૂળ વાત તો એમ છે કે
શ્રી શ્રી વ્હાલા… એ એમને ( ગીતના નાયિકાને) ‘ખમતીધર’ કહ્યાં છે.
હવે શ્રી શ્રી.. એ આવું કહ્યું હોય ત્યારે ખબર તો પડી જ જાય કે
આ તો મનાવવા માટેની વાત છે.
પાછું એમ પણ કહ્યું : હું તો તારા પગની રેણું.. રજ છું.
આવી મોઢામોઢ શ્રી.. શ્રી વાત કરતા હોય ત્યારે નાયિકા તો ઊડે જ ને ?
બસ આ ઊડતી નાયિકા છે.
અને ‘અદેહી વીજ’માં એનાં પાંચ ગીત ‘વ્હાલાપંચક’ નામે પ્રગટ્યાં છે.
જોજો જેને રસ પડે એ.
ધન્યવાદ
સૌ મિત્રોનો પણ આભાર