હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.
– ગની દહીંવાલા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 21, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
બારીમાંથી ગગન પાડતું સાદ!
. સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
. સાદ ના પાડો.
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ:
. સાદ ના પાડો.
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
. સાદ ના પાડો.
. અમે દીવાલો, નથી અમારે પાંખ:
. સાદ ના પાડો.
– ચંદ્રકાન્ત શેઠ
સંવેદના ગુમાવી બેઠેલા માણસોનું રાષ્ટ્રીય ગીત બની શકે એવી અદભુત રચના. મનુષ્યનું બહારની દુનિયા સાથે પુનઃસંધાન કરી આપવાની વ્યવસ્થાનું બીજું નામ જ બારી. બારણાં કેવળ આવજા માટે વપરાય, પણ બારીનો હાથ ઝાલીને આપણે અસીમ આકાશની સફરે ઊપડી શકીએ છીએ. કંઈ એમનેમ મીરાંબાઈએ ગાયું હશે કે, ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી? દીવાલો જેવી આપણી જડ સંવેદનાની વચ્ચે ક્યાંક લાગણીની એકાદી બારી ભૂલથી રહી ગઈ હોય એને પ્રકૃતિ સાદ દઈ રહી છે, પણ આપણી પાંખો તો દીવાલોમાં જ ચણાઈ ચૂકી છે, એટલે આપણે એમ જ કહેવું પડે ને કે અમને સાદ ના પાડો! સૂનકારના સાગરમાં ડૂબી ચૂક્યાં હોય એવાં વ્હાણ છીએ આપણે. આપણાં કાન પણ પથ્થરનાં. પડછાયાના અંધારની બનેલી આપણી આંખોને તેજની જાણ કઈ રીતે હોય? ઘુવડના માળામાં આવીને સૂરજ સાદ પાડે તો કોણ સાંભળે?! પથ્થર થઈ ગયેલી ચેતનાને સંકોરતું-ઝંઝોડતું આ ગીત એના પ્રવાહી લય અને ચુસ્ત બાંધાને લઈને વધુ સંતર્પક બન્યું છે.
Permalink
March 10, 2024 at 11:49 AM by વિવેક · Filed under ગીત, નંદિતા મુનિ
મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું
– નંદિતા મુનિ
ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.
Permalink
March 1, 2024 at 8:32 AM by વિવેક · Filed under ગીત, પાર્થ મહાબાહુ, ભરત જોશી
તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…
કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…
ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે
સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…
કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું
મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.
Permalink
February 14, 2024 at 11:43 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.
માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;
પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.
કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;
આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.
– વિનોદ જોશી
વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…
રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.
Permalink
January 27, 2024 at 10:56 AM by વિવેક · Filed under ગીત, પારુલ ખખ્ખર
“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,
જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય
મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે
જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય
ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.
જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય
નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે
જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય
હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે
જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય
થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે
જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય
-પારુલ ખખ્ખર
*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત
લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલ માણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.
Permalink
January 26, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!
હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!
હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!
એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!
– વેણીભાઈ પુરોહિત
ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.
Permalink
January 20, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાવજી પટેલ
(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
– રાવજી પટેલ
આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.
‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.
Permalink
January 6, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પાર્થ મહાબાહુ, ભરત જોશી
મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…
નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે
હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…
વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે
પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…
કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.
Permalink
January 5, 2024 at 10:17 AM by વિવેક · Filed under ગીત, વર્ષા પ્રજાપતિ 'ઝરમર'

રાખો મારાં વેણ હરિવર! રાખો મારાં વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારાં નેણ
હરિવર! રાખો મારાં વેણ
ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ
કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ
‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…
અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.
Permalink
January 4, 2024 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)
રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.
કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.
વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…
ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.
Permalink
December 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિશા નાણાવટી 'નિશિ'
પળને મેલી, પહોરે મેલ્યા, મેલી સઘળી વેઠ,
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…
આંખ્યું ભીની ટાંગી તડકે,
હૈયું નાખ્યું ભડભડ ભડકે;
હોઠ ભીડીને પાડી ચીસો,
સુક્કું રણ છાતીમાં ધડકે,
વ્હાલપની નદીયું ડૂબાડી ખારે સમદર ઠેઠ!
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…
દસે દિશાને ભૂંસી નાખી,
મોસમ સઘળી ફૂંકી નાંખી;
રાખ તળે અંગાર સમી સૌ
તરસી સદીઓ થૂંકી નાખી,
ડૂસકાં ડૂમા કચડ્યાં પગને તળિયે સારી પેઠ.
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…
– નિશા નાણાવટી ‘નિશિ’
કવિતા એટલે હિમશિલાની ટોચ- દેખાડે એના કરતાં નવ ગણું સપાટી નીચે હોય. બે પ્રિયપાત્રો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. સંબંધવિચ્છેદ થઈ ચૂક્યો છે. શી સમસ્યા છે અને વાત વિચ્છેદ સુધી કેમ પહોંચી એ બાબતમાં કવયિત્રી મૌન છે. પણ એટલું સમજાય છે કે અનેકાનેક કોશિશો બાદ નાયિકાએ હવે સંજોગો સામે ન માત્ર સમાધાન સાધી લીધું છે, પણ કૃતનિશ્ચયીપણું પણ જાહેર કર્યું છે. અઠવાડિયાના સાતે દહાડા ને દિવસના આઠે પહોર અને પળેપળની પ્રતીક્ષાને કાયમી તિલાંજલિ દઈ એણે ઓશીકા હેઠે મેલી દીધી છે. ધ્યાન રહે, ફેંકી નથી દીધી, પણ પોતાના માથાની સાવ નજીક ઓશીકા હેઠે મૂકી રાખી છે. આખરે તો સ્ત્રી છે. એનો મક્કમમાં મક્કમ નકાર કે અહમ પણ પ્રેમ સાંપડતો હોય તો એ જતો કરી શકે છે. પુરુષ આવું ભાગ્યે જ કરી શકે.
આંસુઓ તડકે સૂકવવા નાંખ્યાં છે, હૈયું ફૂંકી નાંખ્યું છે, કોઈ સાંભળી ન શકે એવી ચીસો પાડી છે અને છાતીમાં વેરાન વ્યાપી ચૂક્યું છે. વહાલની મીઠી નદીઓને ખારા આંસુઓના સાગરમાં એવી ડૂબાડી દીધી છે કે હવે ન તો એ નદીઓ ફરી કદી જડશે, કે ન તો એ મીઠાશ પુનઃ સાંપડશે. દિશાઓ કે ઋતુચક્ર –બધાં પોતાના સંદર્ભ ગુમાવી ચૂક્યાં છે. ઉપર ભલે રાખ પથરાયેલી લાગે, પણ તળે તો હજી અંગારા જેવી સદીઓની પ્યાસ અને પીડા ભડભડી રહ્યાં છે. નાયિકાએ જો કે અણગમતી વસ્તુની પેઠે એને થૂંકી દીધી છે. પગ તળે તમામ ડૂસકાં-ડૂમા સારી પેઠે કચડી નાંખ્યા છે. ખબરદાર જો, હવે આંખ ભીની થઈ છે તો!
Permalink
December 22, 2023 at 11:16 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.
આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.
નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.
ધીમે ધીમે રે નખ ઓગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
– વિનોદ જોશી
વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.
સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.
Permalink
December 14, 2023 at 11:06 AM by વિવેક · Filed under ગીત, પ્રેરણાપુંજ, રાજેન્દ્ર શાહ
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
– રાજેન્દ્ર શાહ
કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!
Permalink
December 12, 2023 at 11:13 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રેરણાપુંજ, મહાદેવભાઈ દેસાઈ, રવીન્દ્રનાથ ઠાકુર
તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …
જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …
જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !
- – રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )
પ્રેરણાદાયી કાવ્યોની વાત હોય અને આ કાવ્ય ન હોય એમ બને ???
ચીલો ચાતરનારાઓનું તો આ જીવનકાવ્ય કહી શકાય ! કંઈ કેટલીય વખત આ કાવ્યએ હિંમત આપી છે….
Permalink
December 11, 2023 at 9:13 AM by વિવેક · Filed under ગીત, પ્રેરણાપુંજ, મકરન્દ દવે
કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ?
સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!
– મકરંદ દવે
મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.
આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.
Permalink
December 9, 2023 at 12:38 PM by તીર્થેશ · Filed under ગીત, ન્હાનાલાલ દ. કવિ, પ્રેરણાપુંજ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ
દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ
મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ
નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ
વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ
– ન્હાનાલાલ
આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –
ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –
ત્યારે આ કાવ્યનું આ ચરણ હંમેશા હૈયે ગુંજ્યું છે –
નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ
Permalink
December 7, 2023 at 9:30 PM by ઊર્મિ · Filed under ગીત, પ્રેરણાપુંજ, માધવ રામાનુજ
અંદર તો એવું અજવાળું, અજવાળું
સળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું
– માધવ રામાનુજ
ખરી પ્રેરણા અને જીવંદિશા પ્રાપ્ત કરવા બહાર ક્યાંય ફાંફા મારવાની કોઈ જરૂર નથી. આપણો ગુરુ, આપણી પ્રેરણા, આપણું અજવાળું આપણી અંદર જ વિદ્યમાન છે. અજવાળાનો ઈતિહાસ નક્કી અંધારું જ હોવું જોઈએ. અંધારા વિના અજવાળાની ઓળખ હોઈ શકે?! પછી એ અંધારું-અજવાળું બહારનું હો કે અંદરનું. ઘોર નિરાશા-હતાશા કે દારુણ દુઃખનું અંધારું ભલે બહારના કારણથી આવ્યું હોય પણ એ પ્રગટે છે અંદરથી જ. અને એને દૂર કરનારું પ્રેરણાપુંજરૂપી અજવાળું પણ બહાર ક્યાંય નથી હોતું, આપણી ભીતર જ હોય છે. આપણી ભીતરનો ફાયર ઓફ ડિઝાયર જો પ્રબળ હોય તો એ બીજાના અંધારાને દૂર કરનાર સ્પાર્ક પણ બની શકે છે.
હસ્તાક્ષર આલ્બમમાં શુભા જોષીનાં અવાજમાં શ્યામલ-સૌમિલનાં સંગીતમાં આ અજવાળું જાણે આપણા કાનને સ્પર્શતું હોય એવું લાગે છે. ભીતરનાં આ અજવાળાની અનુભૂતિ માણો, ટહુકો.કૉમ પર.
Permalink
December 1, 2023 at 10:43 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રવદન મહેતા
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
તરતું, સરતું, ઝરતું, નીકળ્યું, ભવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યું ઘરમાં ક્યાંક ભરાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
પંચામૃતની મટકી ઘૂંટી, મટકીમાં બંધાણું જી
જાતું પાછું જ્યાંથી આવ્યું, ભેદ ન એનો જાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
અજવાળું એ આપ અનોખું, નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં ઊકલે એ ઉખિયાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
– ચંદ્રવદન ચી. મહેતા
મધ્યયુગીન ભજનપરંપરા અને આધુનિક ગીતના સંધિસ્થળે ઊભેલી રચના. આત્માના ચેતનપુંજની આ વાત છે. જ્યોતિ જ્યાંથી આવી છે, ત્યાં જ ભળી જવાની છે. પણ આ આવન-જાવનની વચ્ચે એ થોડો સમય પંચમહાભૂતની બનેલી કાયામાં બંધાય છે. આત્મા પરમ-આત્મામાં ભળે એ જ આ ઉખાણાંનો ઉકેલ છે. કવિના ‘કેમ કરી સંભાળું’નો જવાબ પણ આ જ છે.
Permalink
November 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દેવજી રા. મોઢા
આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય:
વનરાવનને મારગ મને….
મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય:
વનરાવનને મારગ મને…..
બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય?
વનરાવનને મારગ મને…..
અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય!
વનરાવનને મારગ મને……
નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય….
– દેવજી રા. મોઢા
ગુજરાતી ગીતોનો બહુ મોટો હિસ્સો કૃષ્ણપ્રેમની આરતનો છે. સોળ શણગાર સજીને વનરાવનને મારગ નીકળેલી ગોપીને મનમાં ‘માધવ મળી જાય તો કેવું સારું’ના કોડ જાગ્યા છે. જીવ પ્રતીક્ષારત્ હોવાથી રોજિંદી વાટ પણ હવે લાંબી લાગે છે અને પગ ચાલતાં હોવા છતાં થંભી ગયા હોવાનું પ્રતીત થાય છે. સૃષ્ટિ પણ ચામરઢોળ કરતી હોય એમ લાડ લડાવે છે. સૂકાં પાન ખખડે એમાંય વાંસળીવાદનનો ભાસ થાય છે. ચિત્તના ચાતકને કેવળ માધવનો મેઘ જ તુષ્ટ કરી શકે એમ છે. અને માધવ જો મળી જાય તો એને લઈને આજે તો એવા આકાશમાં ઊડી જવું છે, જ્યાં વિરહનો વાયરો કદી વાય જ નહીં! પંક્તિએ-પંક્તિએ વર્ણસગાઈ, ચુસ્ત પ્રાસાવલિ, પ્રવાહી લય અને સુઘડ રજૂઆતના કારણે ગીત તરત જ હૈયે ઘર કરી જાય છે.
Permalink
November 25, 2023 at 10:54 AM by વિવેક · Filed under ગીત, નયન દેસાઈ
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે? ના… રે… ના
બારીમાં કૂંડું ને કૂંડામાં લીલુંછમ ચોમાસું ઊતરે તો
ચકલીની માફક નવાય છે? ના… રે. ના
ચકલી તો વૃક્ષોની ડાળીની પટરાણી ધરતી ને સમદર ને
વાયુ ને આકાશ ઓઢીને ઝૂલે છે,
સામેના ઘરમાંથી મઘમઘતા કોઈ ગીતનું મધમીઠું
પરબીડિયું કન્યાના અધરોની વચ્ચેથી ખૂલે છે.
પૂર્વાપર સંબંધો ચકલી ને કન્યાના બંધાયા કઈ રીતે?
એવું કંઈ કોઈને પૂછાય છે? ના.. રે.. ના
ચકલીમાં વત્તા એક ચકલી ને ઓછામાં સૂનો અરીસો છે,
બે ચાર ભીંતો છે, બે ચાર ખીંટી છે
ચકલી તો ભોળી છે, ચકલી તો પીંછાનો ઢગલો છે, ચકલી
શું જાણે કે સામે અગાસીમાં આવે એ સ્વીટી છે ?
સોનાની પાંખોથી, રૂપાની ચાંચોથી, હીરાની પાંખોથી,
ચકલીને ભાગી શકાય છે? ના… રે … ના
ખાલીખમ્મ કમરામાં ચકલીનું ઊડવું ને પાંખોનું ફરફરવું
ચીં ચીં થી અળગા થવાય છે ? ના… રે… ના
– નયન દેસાઈ
કવિતા આમ તો અમૂર્ત અગોચર પદાર્થ. પણ ક્યારેક જો કવિતાને પ્રયોગદેહ લેવાનું મન થાય તો એનું નામ નયન દેસાઈ જ હોઈ શકે. નયનભાઈએ કવિતારાણીને જેટલાં લાડ લડાવ્યાં છે એટલાં બહુ ઓછા કવિ લડાવી શક્યા છે. આ ચકલીગીત જુઓ. જે જમાનામાં મોબાઇલ નહોતા અને ચકલીઓનું આખા શહેરમાં એકહથ્થુ શાસન હતું એવા કોઈક સમયે લખાયેલી આ રચના છે. એ સમયે ચકલી લોકજીવનનો જ એક ભાગ હતો. એની ચીંચીંથી અળગા થવાનું કે રહેવાનું સંભવ જ નહોતું. એક તરફ સમગ્ર સૃષ્ટિની પટરાણી ચકલી છે અને બીજી તરફ સામેના ઘરમાં કથકના હૈયાની પટરાણી નામે સ્વીટી છે. આ બે ધ્રુવ વચ્ચે હીંચકાગતિ કરતું તોફાની ગીત અર્થની પળોજણમાં પડ્યા વિનાય મધમીઠું ન લાગે તો કહેજો.
Permalink
November 23, 2023 at 11:29 AM by વિવેક · Filed under ગીત, જયંત ડાંગોદરા
નીંદર વેડીને લીધા લખલૂટ ઉજાગરા ને ઝળઝળિયાં વેડીને રાત,
છાતીમાં વાંભ વાંભ ઉઝરડા ઊછળે પણ કરવી તો કોને જઈ વાત ?
સીંચણિયું બાંધીને આંસુ ઉલેચવાની રોજ કરું અણગમતી દાડી,
ઉપરથી એટલુંય ઓછું કંઈ હોય એમ લીલીછમ રાખવાની વાડી,
વેઠી વેઠાય નહીં એવી તે વેઠ જોવા ઊમટી છે સમણાંની નાત.
છાતીમાં વાંભ વાંભ…
તોળાતી છત પર જો તાકી રહું તો લાગે ખાલીખમ આંખોનો ભાર,
મીંચી દઉં પળભર તો ખર ખર ખર ખરતો આ પાંપણમાં બાઝેલો ખાર,
અંધારું ઓઢાડી પોઢાડી દઉં હવે ઢોલિયામાં ઊકળતી જાત.
છાતીમાં વાંભ વાંભ…..
– જયંત ડાંગોદરા
પ્રિયજન છાતીમાં વાંભ વાંભ ઉછાળા મારે એવા કારા ઘાવ આપીને ગયો છે એને લઈને નાયિકાના ભાગે લખલૂટ ઉજાગરા વેઠવાનું આવ્યું છે. નાયિકાની રાતના કાળા આકાશમાં અગણિત તારાઓના ઝળહળાટનું સ્થાન ઝળઝળિયાંઓએ લીધું છે. સીંચણિયું તો બાંધ્યું છે પણ જીવતરના કૂવામાંથી મિલનના અમરતના સ્થાને ઝેર જેવાં આંસુ ઉલેચવાની ફરજ પડી છે. રોજેરોજની આવી નોકરી ગમે તો કેમ, પણ માથે પડી છે તે કરવી પડે છે. ને આટલું ઓછું હોય એમ ઘરસંસાર પણ વ્યવસ્થિત રાખવાનો. ભીતરના ભાવસંચરણનો કોઈને અણસારેય ન આવવો જોઈએ. પ્રીતમની અનુપસ્થિતિમાં છત સામે તાકી રહે તો ખાલી આંખોનો બોજ અનુભવાય છે અને આંખો મીંચે તો ખર ખર ખર ખારાં આંસુ વહેવા માંડે છે. પળ-ભર-ખર-ખર-ખર-ખર(તો)-ખાર : આ વર્ણસગાઈ એવી સરસ રીતે પ્રયોજાઈ છે કે આંસુ રીતસર ટપ ટપ ટપકતાં હોવાનું અનુભવાયા વિના રહેતું નથી.
Permalink
November 22, 2023 at 10:33 AM by વિવેક · Filed under કેશવ હ. શેઠ, ગીત
નિર્જન વનવગડે અલી વાદળી!
. જળ શાં ઢોળવાં અમથાં?
. રણે રગદોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
. હૃદય શીદ ખોલવા અમથાં?
ચાતક જળ વણ ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર;
ગર્જન કિંતુ જૂઠડાં; જગ એવુંય નઠોરઃ
છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવા અમથાં?
. જવાહીર ઝબોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
. હૃદય શીદ ખોલવા અમથાં?
સુગન્ધમિઠ્ઠા લીંબડા, રસમાં કડવા ઝેર;
મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ?
ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
. ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શા ખોલવા અમથાં?
. જીવન શીદ રોળવા અમથાં?
મોહ ભીના સંસારમાં, જૂઠા મૃગજળ ઘાટ;
મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટઃ
વિજય કો વાડીને એકાન્ત ફૂલો! શાં ફોરવાં અમથાં?
. દરદ દિલ વ્હોરવા અમથાં?
કહો ક્યાં મળશે વ્હાલો કાન્ત? સ્વજનના સ્નેહનીય કથા?
. અવરની મારે છે શી વ્યથા?
– કેશવ હ. શેઠ
હૃદય વગરના માણસ આગળ પોતાનું હૃદય ખોલવાનો કોઈ અર્થ નથી એ વાત કવિએ પારંપારિક ઢબમાં સદૃષ્ટાંત સમજાવી છે. નિર્જન વનવગડામાં કે રણમાં જઈને વાદળી વરસે તો એ વેડફાટથી વિશેષ કશું નથી. જળ વિના ટળવળતા ચાતકને ઘનઘોર મેઘ આશા તો બહુ બંધાવે છે, પણ મેઘાની આ ગાજવીજ નઘરોળ જુઠ્ઠાણાં સિવાય કંઈ નથી. દુનિયાની આ નઠોરતા કવિ આપણી સમક્ષ છતી કરે છે. અલગ-અલગ દાખલા દઈને કવિ પોતાની વાતને પુષ્ટિ આપીને ગીતનો સુમધુર પોત આપ્યું છે.
પ્રસ્તુત રચના મિશ્રલયના ગીતનું સરસ ઉદાહરણ છે. ગીતનું મુખડું અને પ્રથમ બંધ જુઓ. ગીતના ઉપાડનો લય ‘અમથાં’થી અંત થતી ટૂંકી કડીઓના લયથી અલગ છે એ વાત તરત જ સમજાય છે. લાંબી પંક્તિઓમાં પણ લયના આ રીતે જ બે વિભાગ પડી જાય છે. ‘એવાં હૈયાસૂનાં સમીપ’નો લય ગીતના ઉપાડની સાથે વહે છે, જ્યારે ‘વીતક શાં બોલવાં અમથાં?’નો લયહિલ્લોળ ટૂંકી કડીઓના લય સાથે તાલ પૂરાવે છે. તદુપરાંત ગીતમાં ત્રણેય બંધમાં કવિએ દોહરા છંદ પ્રયોજ્યો છે. રચનામધ્યે આવતા દોહા કે અન્ય માત્રિક છંદમાં લખાયેલ બે પંક્તિના આવા બંધને સાખી પણ કહેવાય છે. એનો ઢાળ રચનાના મૂળ ઢાળથી અલગ અને બહુધા વિલંબિત લયવાળો હોય છે. મધ્યયુગીન ભજન પરંપરામાં જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિની આવી સાખી સામાન્ય રીતે ભજનના પ્રારંભે આવતી, જે રચનાની પૂર્વભૂમિકા બાંધવામાં સહાયક બનતી. પ્રાચીન સંસ્કૃત કે ગુજરાતી પદ્યકૃતિઓમાં પણ સર્જક પોતાના વિચાર કે મતને અનુમોદન આપવા માટે વચ્ચે વચ્ચે સાક્ષી-શ્લોક ઉમેરતાં. સમય જતાં ‘સાક્ષી’માંથી ‘સાખી’ એમ અપભ્રંશ થયો. ન્હાનાલાલ જેવા કવિઓએ સાખી માટે અક્ષરમેળ છંદ પણ ઉપયોગમાં લીધા છે.
Permalink
November 18, 2023 at 11:26 AM by વિવેક · Filed under ગીત, યોગેશ જોષી
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે.
હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં ને દરિયો આખોય ભયભીત છે!
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ! કોની તે હાર, કોની જીત છે!
ખડકની સાથ રોજ માથાં પછાડવાં, આ હોવાની ઘટના કરપીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
છાલ્લકો જોરથી વાગે છે જેની તે બળબળતું જળ છે કે આગ છે?
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે, મનગમતો લય છે કે નાગ છે?
મધદરયે પણ હું તો ભડકે બળું ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
– યોગેશ જોષી
આમ જાણે કે પ્રકૃતિનું ગીત અને આમ જુઓ તો તૂટ્યા સંબંધનું… મોજું કિનારે આવીને તૂટે અને ફીણ ફીણ થઈ વેરાઈ જાય. લાં…બી મુસાફરી બાદ છેક કિનારે આવીને સંબંધનેય મોઢે ફીણ આવી જાય એવું બને. આમ તો હોડી એ દરિયાને ડારવાનું ને પાર ઉતારવા માટેનું સાધન પણ હોડીમાં પાણી ભરાય ત્યારે જેને તરવા નીકળ્યા હોઈએ એ જ દરિયામાં ડૂબવાની નોબત આવે. અહીં વાત અલગ છે, જો કે. અને કવિતાની મજા પણ અહીં જ છે. હોડીમાં સહેજસાજ પાણી ભરાતાં દરિયો આખો ભયભીત થઈ ગયો છે. સંબંધના ડૂબવાની શક્યતા દેખાય તો સમંદર જેવડા વિશાળ જીવતરનેય ભય તો લાગે જ ને! દુનિયા તો આ હાર-જીતનો તમાશો જોવાની જ છે. પણ જેને જીવન મળ્યું છે એણે તો મુસીબતો સાથે માથાં ઝીંકવા જ પડશે રોજેરોજ, ભલે કરપીણ કેમ ન લાગે. સતત જેની છાલકો વાગતી રહે છે એ બળબળતું જળ હોય કે આગ- બંને દઝાડવા જ સર્જાયાં છે. પણ આવા જીવતરમાંય ગીત-કવિતાનો મનગમતો લય એક આશ્વાસન છે, ડૂબતાંને મન તરણાંનો સહારો છે. જો કે ક્યારેક એ સમજાતું નથી કે કવિતા જીવાડે છે કે નાગની જેમ મરણતોલ ડંસ દે છે. જે હોય તે, ભડકે બળતું અસ્તિત્ત્વ જેના સહારે જીવનસાગર તરી જવાની નેમ રાખી બેઠું હોય એ હોડી પણ મીણની બનેલી છે… આગ એને શું પીગાળી નહીં દે? ડૂબ્યા વિના શું કોઈ આરોઓવારો છે ખરો? દર્દનાક જિંદગીની દારૂણ વાસ્તવિક્તા કથક પોતાની સખી સાથે સહિયારે છે એ વાત ગીતને હૃદ્ય અને જીવનને સહ્ય બનાવે છે.
Permalink
November 17, 2023 at 10:43 AM by વિવેક · Filed under ગીત, રઘુવીર ચોધરી
નીલ ગગન પર્વત નીંદરમાં
. ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
૨મે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
. સજે પુષ્પ કાનનમાં. 0ખળખળ વહેતાં.
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં.
વરસ્યા બારે મેઘ ઝળૂબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
. લાસ્ય ચગે ત્રિભુવનમાં. 0ખળખળ વહેતાં.
– રઘુવીર ચૌધરી
રચનાની નીચે સર્જકનું નામ લખવાનું રહી ગયું હોય તોય તરત જ ખ્યાલ આવી જાય કે આ રચના કોઈ સિદ્ધહસ્ત કવિની કલમનું સર્જન જ હોવી ઘટે. વળી, ગીતનો લય પણ એવો તો મજબૂત અને પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીતનું પઠન કરવું સંભવ જ બનતું નથી. સૃષ્ટિના સર્વપ્રથમ નૃત્યનો સંદર્ભ સાચવીને રચના કરાઈ છે. આખી સૃષ્ટિ નિદ્રાગ્રસ્ત છે, કેવળ પવન વાઈ રહ્યો છે અને પવનમાં હાલતાં વૃક્ષોની મર્મરને લઈને તેઓ ખળખળ વહેતાં હોવાનો ભાસ થાય છે.
યુગયુગોથી શંકર તપમગ્ન છે. સૃષ્ટિનો કોઈ પ્રકારનો સંચાર એમને સ્પર્શી શકતો નથી. આમ તો કાન સાંભળવાનું કામ કરે, પણ કવિએ તો કર્ણમૂલ બંધ છે એમ કહેવાથી આગળ વધીને એને અવાચક પણ કહ્યાં છે. એમના કાન એ હદે બંધ છે કે એમની ચેતનાને લગરિક પણ ખલેલ પહોંચે એવી એકેય વાતને એ વાચા આપતા નથી. પણ આજે યુગોથી બંધ દ્વાર ખુલી રહ્યાં છે. જાહ્નવી મુક્તિનો આનંદ માણી રહી છે. કારણ? તો કે પાર્વતી શણગાર સજી રહ્યાં છે. અને આ શણગાર પણ જોવા જેવો છે. કપાળે તો સાક્ષાત્ સૂર્યનું તેજસ્વી તિલક કરે છે પણ સજે છે પુષ્પો વડે. ઓજસ્વિતા અને નાજુકાઈ, શાશ્વત અને નશ્વર –ઉભયનો સમન્વય એમના સૌંદર્યને વધુ ઓપ બક્ષે છે એમ નથી લાગતું?
એકએક શિલાઓના એકએક છિદ્ર સુવાસિત થયાં જણાય છે, ધરાના કણેકણ શ્વાસ લઈ રહ્યાં છે, અર્થાત્ સૃષ્ટિ સમસ્ત જીવંત થઈ ઊઠી છે. બારે મેઘ વરસી રહ્યાં છે અને રણમાં દેવતરુ ઊગી રહ્યાં છે. કવિએ અહીં તાંડવ અને લાસ્યની વાત કરી છે. લાસ્ય નૃત્ય એટલે પ્રેમક્રીડાઓ નિર્દેશતું લાવણ્યમય નૃત્ય, શિવે જે કર્યું એ તાંડવ પણ શિવને પામવા પાર્વતીએ જે નૃત્ય કર્યું એ લાસ્ય તરીકે ઓળખાયું. અને આજે આ ઘડીએ પાર્વતીનું લાસ્યનૃત્ય ત્રિભુવન આખામાં શિવના તાંડવથીય ઘણું વધારે મનોહર ભાસે છે.
Permalink
November 12, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રાર્થના, ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા! તું તારાo
રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા… તું તારાo
કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેલ છુપાયાં;
નાની-શી સળી અડી ન અડી, પરગટશે રંગમાયા… તું તારાo
આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં.. તું તારાo
– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
લયસ્તરો તરફથી સર્વ કવિમિત્રો તેમજ વાચકમિત્રોને દિપોત્સવી પર્વનાં ખૂબ ખૂબ વધામણાં…
આપણી ભાષાની અજરામર રચના. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જેણે આ રચના ગાઈ-સાંભળી નહીં હોય. વિશ્વકવિતાની હરોળમાં અગ્રિમ સ્થાન પામી શકે એવી આ ગીતરચના સરળ પદાવલિ અને સહજ પ્રતીકોના વિનિયોગને લઈને જનમાનસમાં પ્રાર્થનાનું સ્થાન લઈ પ્રકાશી રહી છે.
Permalink
November 11, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ભરત ખેની
ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં,
. ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
ખોવાણી રાત આખી એના અણસારમાં તો
. પાંપણ પ૨ ઊગ્યા ઉજાગરા
ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે
. રહ્યા ન શ્વાસો કહ્યાગરા.
અષાઢી નેવાંની જેમ જ એ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા
. ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
સાતમથી સાત ધાન છાબડીમાં વાવ્યાં
. અને હૈયામાં ઊગ્યા જુવારા
આંગળીઓ પાંચ મારી કંકુમાં ઓળઘોળ
. અદકા આ ઓરતા કુંવારા.
ગુંજે શરણાઈ મારા મનડા મોઝાર અને જાંગીડા ઢોલ કાંઈ વાગ્યા
. ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
– ભરત ખેની
મનનો માણીગર મેળવવા માટે કુંવારી કોડીલી કન્યાઓ અલૂણાનું વ્રત કરી ગોરમાને પૂજે છે. આંખોથી ટપકતાં ખારાં આંસુ હોઠે અડતાં અલૂણાનું વ્રત ભાંગવાની વાત સ્પર્શી જાય છે.
https://youtu.be/WipPr9XfkGM?si=3d98uu28fmrU1emy
Permalink
November 10, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
માનવીનાં રે જીવન!
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
. એક સનાતન શ્રાવણ.
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
. ચીતરાયું ચિતરામણ.
એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
. ઓશિયાળી અથડામણ.
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે તોય
. કારમાં કેવાં કામણ?
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
. એક સનાતન શ્રાવણ.
. માનવીનાં રે જીવન!
– મનસુખલાલ ઝવેરી
મનુષ્યજીવનની તડકી-છાંયડી નિર્દેશતું ગીત. વાતમાં નાવીન્ય નથી, પણ રજૂઆતની સાદગી સ્પર્શી જાય એવી છે. નવ મહિનાનો અંધકાર સેવ્યા પછી જન્મ થય અને અંતે ફરી મૃત્યુના અંધારા ગર્ભમાં સૌએ સરી જવાનું રહે છે. વચ્ચેના સમયગાળાને આપણે જિંદગી કહીએ છીએ, પણ એય આંખે પાટા બાંધીને ઓશિયાળા થઈને અથડાતાં-કૂટાતાં જ જીવીએ છીએ ને! અંધારું કદી ઓછું થતું જ નથી. કવિએ મુખડા સાથે ત્રણેય પૂરક પંક્તિઓના પ્રાસ મેલવ્યા છે, પ્રથમ અંતરામાં પણ પ્રાસની જાળવણી કરી છે, પણ બીજા-ત્રીજા અંતરામાં પ્રાસને અવગણ્યા છે એ વાત જરા ખટકે છે. એ સિવાય આસ્વાદ્ય રચના.
Permalink
November 9, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ત્રિવેદી
રહી છે વાત અધૂરી –
શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી –
. રહી છે વાત અધૂરી –
એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
અકળ મૌનની આવજાવમાં સળવળ કરે સબૂરી!
. રહી છે વાત અધૂરી –
જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત;
આમ ઝુરાપો અડધે મારગ, આમ જાતરા પૂરી!
. રહી છે વાત અધૂરી –
– હર્ષદ ત્રિવેદી
કવિશ્રી હર્ષદ ત્રિવેદીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બહુમતીથી વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…
જીવતર અધૂરું જ મધુરું લાગે. ખરી મજા જ અધૂરપની છે. વાત તો કરવી છે પણ પૂરી કરી શકાતી ન હોવાની અવઢવનું આ ગીત છે. પોતે જે કહેવું છે એ કહેવા માટે યોગ્ય શબ્દો ન જડે ત્યારે શબ્દ અને અર્થની વચ્ચે બહુ અંતર પડી ગયું હોવાની વેદના અનુભવાય. એક પળમાં શબ્દનો વરસાદ વરસે છે એમ લાગે તો બીજી જ પળે તડકો નીકળી આવે એમ મૌન પથરાઈ વળે. અભિવ્યક્તિની મોસમનું આ રૂપ બંને માટે અજાણ્યું છે. મૌન કળી ન શકાય અને સબૂરી પણ ખૂટી રહી હોય, સળવળ કરતી હોય ત્યારે કેવો વલોપાત હૈયું અનુભવે! જળમાં મારગ, મારગમાં જળ – જે શબ્દ જ્યાં બોલાવા જોઈએ એ બોલી નથી શકાતા અને જે નથી કહેવા જેવું એ કહેવાઈ જાય ત્યારે માટી જેવી આ જાત ઓગળવા માંડે… હોવાપણું લુપ્ત થતું લાગે એ પળે ઝીણું ઝીણું માંડ કાંતી શકાય છે. થોડું કહી શકાયું છે, થોડું નથી કહી શકાતું, વાત અધૂરી જ રહી છે, પરિણામે એક તરફ તો ઝૂરાપો એમનો એમ અનુભવાય છે, બીજી તરફ જાતરા પૂરી થયાનો પરિતોષ પણ થઈ રહ્યો છે. કહ્યું ને, અધૂરપમાં જ મધુરપ છે… ખરું ને?
Permalink
November 4, 2023 at 8:44 AM by વિવેક · Filed under ગીત, રમણીક અરાલવાળા
ઓઢી અષાઢનાં આભલાં
જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
મધરાતને કાળ,
દેવી! આવોને મારી દેરીએ.
કાળી નિશા કેવળ કમકમે
નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
પાંપણ ઊઘડે બિડાય,
દેવી! આવોને મારી દેરીએ.
પ્રેમે પખાળું પાવન પાવલાં
રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો
મેલ્યાં મંથન થાળ.
દેવી! આવોને મારી દેરીએ.
વાધી-વાધીને વેદન વલવલે
ઊંડે કંઠમાં આગ,
રમતાં આવો હો ઋતંભરા!
મોરી રટણાને રાગ,
દેવી! આવોને મારી દેરીએ.
કલ્પનાનો છૂટો કનકવો
ઢૂંઢે વ્યોમની કોર,
આવો અંબા! એને બાંધવા
દિવ્ય દૃષ્ટિના દોર.
દેવી! આવોને મારી દેરીએ.
ધૂણી ધખે મારા ધૈર્યની
જલતું જીવન કાષ્ઠ,
આભની પારનાં આભલાં
જોવા આપો પ્રકાશ
દેવી! આવોને મારી દેરીએ.
પોકારતા કોટિ કેશથી,
બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની,
ઝૂરતા ઝરણાને માગ.
દેવી! આવોને મારી દેરીએ.
– રમણીક અરાલવાળા
(૬-૯-૧૯૧૦ થી ૨૪-૪-૧૯૮૧)
‘અખંડઆનંદ’માં સંપાદકે આ રચના સાથે મૂકેલ નોંધ: “કવિશ્રી રમણીક બળદેવદાસ અરાલવાળાનો જન્મ ખેડા જિલ્લાના ગામ ખેડાલમાં. પ્રાથમિક શિક્ષણ વતન અરાલ પાસેના ગામ ઝીપડીમાં. આર્થિક કારણોસર અભ્યાસ છુટક-મુટક રહ્યો. મૅટ્રિક થયા ૧૯૪૪માં. દરમિયાનમાં ‘કુમાર’ની બુધસભામાં કાવ્યસર્જનની દિશા મળી. ૧૯૩૮માં ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં તેમનું કાવ્ય પસંદ થયું ને કવિ પોતાનું કાવ્ય વિદ્યાર્થી તરીકે ભણ્યા ! ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત સાથે સ્નાતક થયા. કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ (૧૯૪૧)ને ઉમાશંકરની પ્રસ્તાવના ને ટિપ્પણ સાંપડ્યાં. કવિશ્રી જયંત પાઠકના મતે ‘ભાષાનું લાલિત્ય, શૈલીની પ્રૌઢી, કવચિત ભવ્યતાનો સ્પર્શ કરાવતી ભાવની ગંભીરતા કવિની કવિતાનાં આકર્ષક લક્ષણો છે.’ અત્રે લીધેલ રચનામાં આ બધાં લક્ષણો ઉપરાંત ભક્ત હૃદયનો આર્જવનો ભાવ કૃતિને હૃદયસ્પર્શી બનાવે છે. આપણી ભાષાના આ એક મહત્ત્વના કવિ.”
Permalink
November 3, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’, મીનપિયાસી
હું પગલું માંડું એક,
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.
હું પગલું માંડું એક.
પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,
પથ્થ૨ ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક.
હું પગલું માંડું એક.
કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું, છોને કંટક-કંક૨ વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
હું પગલું માંડું એક.
– દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’
A journey of thousand miles begins with a single step. આ જ વાતની માંડણી કવિએ કેવી સરસ રીતે કરી છે! શ્રદ્ધા વિના મંઝિલે પહોંચવું કપરું. કવિને જે મંઝિલ અભિપ્રેત છે એ જીવનના લક્ષ્ય છે કે પછી ઈશ્વરપ્રાપ્તિ એ વાત અધ્યાહાર છે, પણ અર્થના છેડા છૂટા છોડી દેવાય એ જ તો કવિતાની ખરી મજા છે. ભાવકે ગમતું તારવી લેવાનું. ગતિ ભલે ધીમી હોય પણ નિર્ધાર મક્કમ હોવો ઘટે. પ્રલોભનોના કળણથી બચીને, મુસીબતોના કાંટા-કાંકરા સહીને પણ વિવેક સાબૂત રાખીને આગળ વધવાનું છે. ગતિ અને પ્ર-ગતિ એવાં હોવાં જોઈએ કે मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर लोग साथ आते गए और कारवाँ बनता गया (મજરુહ સુલતાનપુરી) જીવનપ્રવાસની વાસ્તવિકતા બને.
Permalink
November 2, 2023 at 10:27 AM by વિવેક · Filed under ગીત, ભૂપેશ અધ્વર્યુ
વાયરો તો વ્હૈ જાય રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય,
. આપણી ગોઠડ આપણી ગોઠે તોય રે કાં રૈ જાય, રે વ્હાલમ,
. તોય રે કાં રહૈ જાય?
નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવિંગ છોડે ફૂલ
. વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
. તોય રે ના લેવાય.
પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
. હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
. પાન ગુલાબી થાય.
પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય?
. પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય ?
વાયરા ભેળું વ્હાલ આવે, ને વાયરા ભેળું જાય,
. હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ.
. પાલવડે છલકાય.
લઈ લે – પાણી-મૂલનો સોદો – સાવ રે સોંઘું જાય
. કાનની તારી ઝૂકતી કડી સાંભળે રે નૈં કંઈયે જરી એમ
. પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.
વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ,
. વાયરો છો લૈ જાય, રે આપણ બેયને છો વ્હૈ જાય, રે વ્હાલમ,
. તોય નહીં રહૈ જાય.
– ભૂપેશ અધ્વર્યુ
(જન્મ: ૦૫ મે ૧૯૫૦, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; નિધન: ૨૧ મે ૧૯૮૨, ગણદેવી, જિ. વલસાડ) ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં ૧૯૭૬માં નોકરી છોડી સ્વતંત્ર સાહિત્ય-લેખન ને ફિલ્મ-દિગ્દર્શનની દિશામાં અભ્યાસ આરંભ્યો. છેલ્લે છેલ્લે તો કલા ને સાહિત્યની સાર્થકતા વિશે પણ શંકા જાગેલી. (લે.: રમણ સોની, સ્રોત: ગુજરાતી વિશ્વકોશ.)
માત્ર બત્રીસ વર્ષની નાની વયે આ આશાસ્પદ સાહિત્યકારનું ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અકાળે અવસાન ન થયું હોત તો આપણું સાહિત્ય વધુ સમૃદ્ધ થઈ શક્યું હોત. એમના વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા આમ લખે છે: ‘અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાઓનું ક્લેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે.’ એમનાં ગીતોને શ્રી રમણ સોની ‘વિશિષ્ટ લિરિકલ ઝોક દેખાડતાં અરૂઢ ને નાદસૌંદર્યયુક્ત ગીતો’ તરીકે બિરદાવ્યાં છે.
ઉપરોક્ત રચનાનું ક્લેવર પણ સામાન્ય ગીતોથી સહેજે અલગ તરી આવે છે. વહેતો વાયરો કથક અને એની પ્રેયસી વચ્ચેની અંતરંગ વાતોંનું વહન કેમ નથી કરતો એ વિસ્મય સાથે ગીતનો ઉઘાડ થાય છે. નાગરવેલ ઉપર પાન ફૂટે ને લવિંગના છોડે ફૂલ ફૂટે એમ નાયિકાને યૌવન ખીલ્યું છે. પણ પ્રેમમાં મેળવવાની જનમોજનમ પ્રતીક્ષા કરવાની હોય, નહીં કે હાથ લંબાવીને ગમતું તોડી લેવાનું હોય. આંખોમાં કુમાશ ફૂટે છે અને કંચવામાં સ્તન વિકાસ પામ્યાં છે. ઉભય વચ્ચેની ગોઠડીને ઝીલતાં હોઠ પણ ગુલાબી થઈ ગયા છે. ગીતના પ્રારંભે વાયરો આપણી વાતને કેમ મહત્ત્વ નથી દેતો એ સવાલ હતો, હવે આ પાણીપાતળો પવન બે હૈયાંની વાતને જગજાહેર કરી રહ્યો છે એ સવાલ છે. જમાનાના બજારમાં પ્રેમની કંઈ ખાસ કિંમત નથી. પાણીના દામનો આ સોદો કરી લેવા કથક નાયિકાને આહ્વાન આપે છે. કાનની કડી સુદ્ધાં સાંભળી ન શકે એ તાકીદથી પતાવટ થાય તો ઉત્તમ… પ્રેમમાં ઉર્ધ્વગમનના તબક્કે હવે નાયક આવી ઊભો છે. વાયરો પોતાની વાતો જ નહીં, પોતાને બંનેને પણ સાથે લઈ જાય તોય હવે ફરક પડતો નથી. પ્રેમનો અંતિમ તબક્કો આંતર્વિકાસનો એ તબક્કો છે, જ્યાં જમાનો કે જમાનાની વાતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ખરું ને?
Permalink
October 27, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એક ધીખતી બપોર લઈ
કોઈ એક કાગડાનું રણ માથે થાવું પસાર
ઉપરોક્ત કાગડાના તરસ્યા મસ્તકમાંથી
સઘળા વિચાર ખરી ચૂક્યા છે
કૂંજાની, પાણીની, કાંકરાની, કાગડાની
વારતા ને સાર ખરી ચૂક્યાં છે
એટલે કે કાગડામાં
બાકી કશું જ નહીં ખરવાનું રણની મોઝાર
પડછાયો હતો તેય રેતીમાં પડી ગયો
વધ્યો હવે ફક્ત શુદ્ધ કાગડો
કાગડાપણું તો એમ ઓગળ્યું બપોરમાં કે
પાણીમાં મીઠાનો ગાંગડો
કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર.
– રમેશ પારેખ
ગુજરાતી કવિતાને ર.પા.એ જેટલાં અછો અછો વાનાં કર્યાં છે એટલાં બહુ ઓછા કવિઓએ કર્યાં હશે. વાત ખાલી એટલી જ છે કે એક કાગળો બળતી બપોરે રણ પરથી પસાર થઈ રહ્યો છે. પણ ખરી મજા ‘ઉપરોક્ત’, અને ‘એટલે કે’ની છે. ગીતની બોલાશ બહારની વ્યવહારની ચલણી ભાષા કવિએ ગીતમાં આબાદ ગૂંથી બતાવી છે. વળી, કાગડાને તરસ્યો કહેવાના સ્થાને કવિએ એના મસ્તકને તરસ્યું કહ્યું છે. ઈસપની તરસ્યા ચતુર કાગડાની કથાને પણ કવિએ ગીતમાં ચતુરાઈપૂર્વક સાંકળી લીધી છે. તરસ હદપાર થાય ત્યારે વિચારશક્તિની પણ સીમા આવી જાય છે. પાણીની શોધ સિવાય કશું એ ક્ષણે જીવનમાં બચતું નથી. મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળીને લુપ્ત થઈ જાય એ રીતે છેવટે કાગડાનું અસ્તિત્ત્વ મટી જવાની વાતમાં શુદ્ધ કાવ્યરસ અનુભવાય છે. આખી વાતને સર્જનપ્રક્રિયા સાથે પણ સાંકળી શકાય. જ્યાં સુધી આપણું મન ઈસપની વાર્તા જેવા જૂના સંસ્કારોથી મુક્ત થઈ શકતું નથી, જ્યાં સુધી આપણી સિસૃક્ષા પરાકાષ્ઠાએ પહોંચતી નથી, જ્યાં સુધી આપણે સ્વયંની ઇમેજ-છાયાથી મુક્ત થઈ શકતા નથી, જ્યાં સુધી આપણે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળે એ હદે અનુભૂતિમાં ઓગળી શકતા નથી, ત્યાં સુધી શુદ્ધ કવિતા બનતી નથી. કેવી સ-રસ વાત!
Permalink
October 26, 2023 at 11:29 AM by વિવેક · Filed under ગીત, પ્રજારામ રાવળ
ડાળે રે ડાળે ફૂલડાં ફોરિયાં હો જી.
. આવી આવી હો વસંત,
. હેતે ક્ષિતિજો હસંત,
. વગડો રંગે કો રસંત !
ખેતરુંને શેઢે મલક્યા થોરિયા હો જી. 0ડાળે રે.
. કિચૂડ કોસનું સંગીત,
. ભરપૂર પાણી કેરી પ્રીત,
. દવનાં દાઝ્યાં થાતાં શીત!
તાજાં રે પાણીડે છલક્યા ધોરિયા હો જી. 0ડાળે રે.
. આંબા ઝૂલે કૂણાં પાને,
. કોયલ સાંભળે કૈં શાને?
. કડવી લીમડીઓના કાને
વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. 0ડાળે રે.
– પ્રજારામ રાવળ
વસંતને આવવાને હજી તો ઘણી વાર છે, પણ એક મજાની રચના હાથ લાગી તો થયું મનની મોજ સહુ સાથે વહેંચવી જોઈએ. વસંત આવતાં જ ડાળેડાળ ફૂલોથી છલકાઈ ઊઠે છે. ક્ષિતિજો હાસ્ય વેરે છે અને ઉજ્જડ વગડો નવા રંગો ધારે છે. થોર સુદ્ધાં મલકતાં નજરે ચડે છે. ફૂલો ઝાડને તો કોસનું સંગીત સૃષ્ટિને ભરી દે છે. ગરમીથી દાઝેલા હૃદય પાણી પીને શીતળતા અનુભવે છે. તાજા પાણીથી નીકો (ધોરિયા) છલકાઈ રહી છે. કોયલની મનમાનીને કારણે કડવી લીમડીઓના કાને પણ મીઠો રસ રેલાય છે. સાવ સરળ ભાષામાં કેવું મજાનું પ્રકૃતિચિત્ર કવિએ દોરી આપ્યું છે!
Permalink
October 18, 2023 at 11:30 AM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે
સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?
રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?
પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?
– નયન દેસાઈ
સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….
Permalink
October 16, 2023 at 7:26 PM by તીર્થેશ · Filed under ગીત, નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
એની એવી છે ટેવ સીધું કૈના વિચારે
અને બદલે છે હરએકનાં નામઃ
પાંદડાને લીલુંછમ જંગલ કહે
અને પંખીને ટહુકાનું ગામઃ
ફૂલોને જુએ તો ઝાકળ થૈ જાય
અને આંખો ભીંજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
તોડીફોડીને કાચ આયનો બનાવે છે
અને ચીતરે છે ચહેરાના ભાવ,
સૂરજના ડૂબવાનો અર્થ કરે એવો
આ તો બારીમાં સાંજનો પડાવ
પાંપણમાં પૂરેલી રાત વેચી વેચી
તડકાઓ વાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
કાંઠો જુએ તો કહે : એકલતા ગાય છે
વહેવાના સંદર્ભો સાવ જુદા બોલે છે
ખારવાનાં ડૂબેલાં ગીત કરી એકઠાં
પેટીની જેમ પછી પરપોટા ખોલે છે
દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
– નયન દેસાઈ
નયનભાઈ સિવાય આવી કવિતા કોણ કરી શકે…!! એક હળવી શૈલીમાં લખાયેલી પરંતુ તેમાં આવી સરસ અર્થગંભીર પંક્તિ કેવી સહજતાથી ભળી જાય છે !!! —
“દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ”
નયનભાઈની આ જ ખૂબી હતી. થોડું એવું લાગ્યા કરે કે ગુજરાતી કાવ્યજગત નયનભાઈને ઉચિત સન્માન ન આપી શક્યું…. નયનભાઇને પણ એ વાત થોડી ખટકતી-એકવાર ભગવતીકુમાર શર્મા આગળ હૈયાવરાળ ઠાલવી પણ હતી. પણ મસ્તમૌલા જીવને એવો ખટરાગ સદે નહીં… પાછા પોતાના અસલ મિજાજમાં આવી ગયા હશે…. અંગત રીતે મારા ગમતા કવિ ! તેઓને વાંચવા કરતાં સાંભળવાનો લ્હાવો વિશેષ ! એક વખત કવિસંમેલનમાં જરા ઢીલો દૌર ચાલતો હતો અને ભાવકો થોડા કંટાળ્યા હતાં – નયનભાઈ માઈક પર આવ્યા….. કોઈ પ્રસ્તાવના વગર સીધું જ બોલ્યા – ” મને કોલેજમાં એક છોકરી બહુ ગમતી, એ આખી દુનિયાની સૌથી સારી છોકરી હતી. એનો એક બાપ હતો, તે આખી દુનિયાનો સૌથી ખરાબ બાપ હતો…..” – આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું….અને પછી નયનભાઇ રંગમાં અને ઓડિયન્સ પણ રંગમાં….
ખોટ સાલશે…..
Permalink
October 13, 2023 at 11:30 AM by વિવેક · Filed under ગીત, નિનુ મઝુમદાર
મેશ ન આંજુ, રામ!
લેશ જગ્યા નહિ, હાય સખીરી! નયન ભરાયો શ્યામ!
એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ – મેશ
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ – મેશ
– નિનુ મઝુમદાર
નાનું ગીત, મોટી વાત. કાવ્યનાયિકા આંખમાં મેશ આંજવા તૈયાર નથી. કારણ? નેણમાં તો શ્યામ સિવાય કશાની જગ્યા જ ક્યાં છે? આંખમાં તો કાજળ આંજવાની જગ્યા નથી જ, પણ આંખ નીચે કાજળની રેખા કરવા પણ નાયિકા તૈયાર નથી. એને ડર છે કે રખે ને આંખેથી આંસુ વહે અને એની સાથે ઘનશ્યામ પણ વહી નીકળે! વ્રજવાસિનીઓ ઠેકડી ઉડાવે તો ભલે ઉડાવતી. કૃષ્ણનું નામ, વર્ણ અને કામ –બધું જ કાળું છે. એ ભરેલ મટકીઓ ફોડી નાંખે છે, વણહકના દાણ ઉઘરાવે છે, દહીંદૂધ ચોરી ખાય છે, કપડાં લઈને ભાગી જાય છે. આટલું કંઈ ઓછું છે? વધારામાં કાજળની કાળપ લાગશે તો તો નટખટ ક્યાં જઈને અટકશે? નેતિનેતિ જ ને! મુખડાથી લઈને બંને અંતરા સુધી – આખા ગીતમાં કવિએ એકસમાન ચુસ્ત પ્રાસ જાળવ્યા હોવાથી ગીત વધુ ગાનક્ષમ બને છે. મુખડાની બંને પંક્તિમાં પ્રારંભે મેશ-લેશનો પ્રાસ પણ રચનાને વધુ હૃદ્ય બનાવે છે.
Permalink
October 12, 2023 at 9:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્ર ૫રમાર
મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે હું ના માયો રે લોલ
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.
આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ !
ચાંદલામાં મુખડું જોયું રે લોલ..
બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ !
રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.
મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે કૈં ના માયો રે લોલ,
‘આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.’
– ‘ચંદ્ર’ ૫રમાર (રામચંદ્ર પથુભાઈ પરમાર)
ગીત તો કલાલણ, દારૂ વેચનાર સ્ત્રીને સંબોધીને લખાયું છે પણ સમજાય એવી વાત છે કે અહીં આંખોથી શરાબ પાનારની વાત થઈ રહી છે, કારણ આ શરાબ મધુરો છે, કડવો નહીં. મધરો મધરોની દ્વિરુક્તિ શરાબની મીઠાશને અધોરેખિત પણ કરે છે. પ્રણયરસ પીનારને આકાશ પણ નાનું પડેપડે છે. નરસિંહે પણ કહ્યું હતું ને, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ પ્રિયજનના એક નેણઉલાળે નાયકને પોતે ક્યાંનો ક્યાં ફંગોળાઈ ગયા હોવાનું પ્રતીત થાય છે. નાયક આંખે આભ આંજે છે, પાતાળ પગ તળે દાબે છે; સૂરજમાં મોઢું ધુએ છે અને ચાંદામાં જુએ છે. એના બત્રીસે કોઠે દીવા ઝળકી રહ્યા છે અને એનો પ્રકાશ નાયિકાના રૂંવેરૂંવે લળકી રહ્યો છે. પ્રેમનો રંગ રગેરગથી છલકાઈ રહ્યો છે અને નેહનો મેહ વરસતો અનુભવાય છે. છેલ્લા બંધની બે પંક્તિ એ ગીતની પ્રથમ બે પંક્તિની પુનરોક્તિ જ છે પણ કવિએ ‘હું’કાર કાઢીને ‘કૈં’ શબ્દ મૂક્યો છે એ સૂચક છે. અહીં આવીને પ્રેમીનો સ્વ ડૂબી-ઓગળી ગયો છે. એકોક્તિમાં ચાલતા આખા ગીતની છેલ્લી બે પંક્તિ કલાલણના પ્રત્યુત્તરથી સંવાદગીતમાં પરિણમે છે. પ્રેમીને પ્રેમના નશામાં તરબતર કરી દેનાર પ્રેયસીનો ગર્વ છલકાતો સંભળાય છે. એ કહે છે, ભલે તને આખું આકાશ કેમ ઓછું ન પડતું હોય, મેં તો તને મારી બાંધણીની ગાંઠે બાંધી રાખ્યો છે. યે બ્બાત! ઉત્તર ગુજરાતની તળપદી બોલીને લઈને ગીત ઓર મધુરું મધુરું બન્યું છે.
Permalink
October 5, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દુ પુવાર, ગીત
અમે લયનું લૂટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો
સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
– ઇન્દુ પુવાર
વ્યંગ કવિતા આપણી ભાષામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલ પ્રકાર છે. ઇન્દુ પુવારની ‘લેંચુકથા’ આ અવકાશ સુપેરે ભરી આપે છે. કવિએ એકાધિક લેંચૂકાવ્યો લખ્યાં છે, પણ કોશિશ કરવા છતાં કવિનો કોઈ સંગ્રહ કે લેંચૂકાવ્યો હાથવગાં થયાં નથી. સમગ્ર કાવ્યગુચ્છ હાથ આવે તો કવિ શું કહેવા ચહે છે એ કદાચ વધુ સારી રીતે સમજી શકાય. કોઈ વાચકમિત્ર કે કવિમિત્ર આ બાબતમાં મદદગાર થશે તો એનો આગોતરો આભાર…
છંદોલય જે તે કાવ્યસ્વરૂપમાં કવિતા સિદ્ધ કરવા માટેનું સાધનમાત્ર છે, પણ કવિતાના કસબથી પરિચિત થઈ જનાર કારીગર પોતાને કવિ ગણવા માંડે, અને સાધનને જ સાધ્ય ગણી લે એના પર કવિ મજેદાર કટાક્ષ કરે છે. લેંચુ કોણ તે તો આપણે જાતે જ સમજી લેવાનું. લયનું ગામ લૂંટાવીને કવિ સહુને વાણીનો વેપાર કરવાનું આહ્વાન આપે છે. જુગજૂના જોગીઓનો જ્યાં વ્યાપ છે એ સાચા સાહિત્યના તળાવ સૂનાં પડ્યાં છે. પણ આ જોગીઓય કંઈ સાવ સીધા નથી, હં કે! કો’ક લહેરીલાલા કે લાલી(!)એ ત્યાં આવીને ‘હું’કારો (હોંકારો નહીં હં કે) કર્યો નથી કે જોગી લપાક લઈને ભોગી બન્યા નથી… સાચા કવિને લાડી કે વાડીથી નહીં, કેવળ કવિતાથી જ નિસ્બત હોય. દલપતરામે ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કહ્યું હતું એનો અછડતો સંદર્ભ લઈ કવિ વાંકાચૂકા અક્ષરો અને એના એ જ (મૃત્યુ પામેલ) અર્થોની વાત કરીને નામ લીધા વિના આપણા અઢાર અવગુણો તરફ કટાક્ષ કરે છે. આ કાયા, આ માયા, આ નામ બધું અંતે તો સ્મશાનની રાખ ભેગું જ થવાનું છે એ તરફ ટકોર કરીને કવિ સરવાળે તો આપણને સાચી કવિતા તરફ વળવાનું આહ્વાન જ આપે છે.
Permalink
October 4, 2023 at 7:55 PM by તીર્થેશ · Filed under ગીત, વૉલ્ટ વ્હિટમેન, હરીન્દ્ર દવે
આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને, રહે કાળ પોતે વહેતો.
હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.
આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.
ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.
આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને,
એ તરસે છે, તલખે છે એવું મન આપું.
આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે,
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું,
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે,
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.
– હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )
બે પંક્તિઓ પર ધ્યાન ખેંચીશ –
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.
અને –
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.
– બસ, આ જ જાણે કે કાવ્યનો સાર છે.
વોલ્ટ વ્હીટમેનના કાવ્ય કરતાં ઘણું જુદું છે પણ થોડી આભા છે ખરી…
Permalink
September 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પન્ના નાયક
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની, સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
– પન્ના નાયક
આજીવન સાથ નિભાવનાર પ્રિયજનની વિદાયનું ઋજુ સ્ત્રીસહજ સંવેદનનું ગીત. સંસાર તો બંનેનો જ હોય, પણ ભારતીય સ્ત્રી કોઈ વસ્તુ પર ‘મારું’નો સિક્કો મારતાં શીખી જ નથી.. લગ્ન પહેલાં બાપનું ઘર, લગ્ન પછી પતિનું ઘર. એટલે જ ગીતની શરૂઆત ‘આપણા’ નહીં, પણ ‘તારા’ બગીચાથી થાય છે. પતિના બગીચેથી વિદાય લેતાં પહેલાં એ ક્ષણભર રહીને વિખેરાઈ જનાર ટહુકો નહીં, ટહુકાનું પંખી જ દેતી જાય છે. લેવાની તો અહીં કોઈ વાત જ નથી. જતાં જતાં પોતાની યાદોના ટહુકાઓનું પંખી એ મૂકતી જાય છે. નાયિકાનો સંસાર લીલો અને સુગંધભર્યો રહ્યો છે. જન્મજન્માંતરનો ભેદ જાણે કે આ એક જ જન્મમાં ઉકેલાઈ ગયા હોય એવું જીવતર પામીને વાયરાની હળવાશ જેવી હળવી થઈને એ આજે જઈ રહી છે. દિવસ-રાત શું, પળેપળ ફૂલ અને ભ્રમર જેવા સ્નેહપાશની ગાથા જેવાં જ વીત્યાં છે. આવામાં કેટલું ભૂલવું અને કેટલું યાદ કરવું? જતાં પહેલાં જાઉં છું કહેવાની સોનેરી તક મળી એટલામાં જીવતરના સાર્થક્યની વાત કહીને નાયિકા વિદાય લે છે… આટલા સરળ શબ્દોમાં જીવનની સંકુલતા અને સંતોષ તો એક સ્ત્રીની કલમ જ વ્યક્ત કરી શકે!
Permalink
September 28, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગની દહીંવાળા, ગીત
સાંજને રોકી રાખજે મારી બૈ,
. સીમ, તને રે વીનવું સૂરજદેવના સોગન દૈ…
. ..સાંજને.
ખેતરાં ખૂંદી આવશે ઓલ્યો મનડે ઊગ્યો મોલ,
દેરડીવાળે ડુંગરે મુને મળવા દીધો કોલ,
. એક આણીપા એક ઓલીપા આંખિડયું મંડૈ…
. ..સાંજને.
એકલી તોયે કોકની હારે રમતી મુને જોઉં,
આવડી મોટી તોય હું જાણે ભાન વનાની હોઉં,
. નથણી મારી નજરું કેરી ખેલમાં તે ખોવૈ…
. …સાંજને.
આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી,
ભાવ ભરેલા દૂધથી આંચળ વાછરું ગયું પી,
. કુમળો એવો તડકો જાણે ગાવડી ચાવી ગૈ…..
. ..સાંજને.
– ગની દહીંવાલા
મનનો માણીગર દેરીવાળા ડુંગર પર સાંજે મળવા આવવાનો કોલ દઈ ગયો હોય, પણ હજી આવ્યો ન હોય અને સાંજ ઢળવી શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રોષિતભર્તૃકાના હૈયામાંથી જે આર્જવયુક્ત ઉદગાર નીકળે એનું આ ગીત છે. નાયિકા સીમને સૂરજદેવના સોગંદ દઈને વિનંતી કરે છે કે સાંજને રોકી રાખજે. વેણીભાઈ પુરોહિતનું ‘હજી આ કોકરવર્ણો તડકો છે, સાંજ તો પડવા દો’ ગીત પણ આ તબક્કે યાદ આવી જાય છે… રોકવાની વાત પરથી હરીન્દ્ર દવેનું ‘સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત’ પણ સ્મરણમાં આવ્યા વિના રહેતું નથી.
આંખો સતત આ તરફ, એ તરફ એમ ચકળવકળ થઈ દિશાઓ તાકી રહી છે. નાયિકા એકલી જ છે પણ પોતાને પોતાન અપ્રિયતમ સાથે કેલિ કરતી જુએ છે. ભાન ખોઈ બેઠી હોય એવા એના આ વર્તનનું વળી એને ભાન તો છે જ, પણ કાબૂ નથી. એની નજરોની નથણી જાણે આ ખેલમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. આ તરફ એ આવી ત્યારે તો આખો દિવસ હજી બાકી હતો, પણ રાહ જોવામાં ને જોવામાં સાંજ ક્યારે ઢળવા આવી એનીય એને પતીજ રહી નથી. વાછરું આંચળમાં હોય એ બધું દૂધ ધાવી ગયું હોય અને ગાય કૂમળું ઘાસ ચાવી જાય એમ સમય સરતો ગયો અને કૂમળો (સાંજનો) તડકો પણ ઓસરવા લાગ્યો છે.. બૈ, દૈ, મંડૈના સ્થાને કવિ બઈ, દઈ, મંડઈ પણ લખી શક્યા હોત પણ તળપદી ભાષાના ઉચ્ચારોને લિપિમાં યથોચિત દેહ આપીને કવિએ ગીતને વધુ મનોહર બનાવ્યું છે એ કવિકર્મ પણ ચૂકવા જેવું નથી.
Permalink
September 26, 2023 at 6:25 PM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.
મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.
બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.
સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,
બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?
– મુકેશ જોષી
તાજેતરમાં જ અઝીઝ નાઝાંની ટાઈમલેસ કવ્વાલી “ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા” સાંભળી….એમાં જે લેવલની નગ્ન વાસ્તવિકતાનો ચીતાર છે એવી જ નકરી વાસ્તવિકતા આ ગઝલમાં મુકેશભાઈએ તાદ્રશ્ય કરી છે….
Permalink
September 23, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પૂજાલાલ
ગાજે ઘેરા ગંભી૨ રવે ગાજે, સાગરરાજ ગાજે ગાજે!
રાજે રસનો રત્નાકર રાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
પ્રૌઢ પડઘા દિગંત પાર પડતા,
ગેબી ગહવરમાં ઘોષ એ ગડગડતા,
આજે તાંડવ તણા સૂરસાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
તુંગ તોતિંગ તરંગો તડતા,
રુદ્ર-તાલો દુરંત દૂર દડતા,
બાજે ડમરું ડરાવતાં બાજે, સાગ૨રાજ ગાજે ગાજે!
એના પાણીમાં પરવળ પાંગરતાં,
મોંઘામૂલાં મોતીડાં મળતાં,
રમ્ય રત્નો ૨મે શેષ-તાજે, સાગ૨રાજ ગાજે ગાજે! |
ભવ્ય ભાવોની ભરતી ભરાતી
નાથ-બાથે આ ધરતી ધરાતી;
ગયો બંધાઈ એ પ્રેમ-પાજે, સાગરરાજ રાજે રાજે!
– પૂજાલાલ
કાન્તે ‘સાગર અને શશી’માં ઝૂલણાં છંદમાં ગાલગાના આવર્તનોની મદદથી સમુદ્રના મોજાંની આવજાનો ધ્વનિ કેવો આબાદ રીતે ચાક્ષુષ કરી બતાડ્યો’તો! પ્રસ્તુત ગીતમાં કવિએ ષટ્કલના બે આવર્તનોની આગળ પાછળ રાજે-ગાજેની પુનરોક્તિ અને પંક્ત્યાંતે દ્વિરુક્તિ કરીને રત્નાકરની રવાનીને એવી જ રીતે તાદૃશ કરી દેખાડી છે. ર-જ- અને ગની વર્ણસગાઈ દરિયાના મોજાંની આ ઉછળકૂદને વધારે જીવંત બનાવે છે. આવી જ વર્ણસગાઈ કવિએ ગીતની દરેક પંક્તિમાં આબાદ પ્રયોજી હોવાથી ફરી એકવાર કાન્તે સાગર અને શશીમાં કરેલ વર્ણગૂંફન યાદ આવે.
Permalink
September 22, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગીત, લોકગીત
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં
મેં તો આભનાં કર્યાં કમાડ
મોરી સૈયરું! અબોલા ભવ રિયા
મેં તો અગર ચંદણના ચૂલા કર્યા
મેં તો ટોપરડે ભરિયાં ઓબાળ. મોરી..
મેં તો દૂધનાં આંધણ મેલિયાં
મેં તો ચોખલા ઓર્યા શેર. મોરી..
એક અધ્ધર સમળી સમસમે,
બેની, મારો સંદેશો લઈ જા. મોરી..
મારા દાદાની ડેલીએ જઈ કેજે,
તમારી દીકરીને પડિયાં છે દુ:ખ. મોરી..
દીકરી! દુ:ખ તે હોય તે વેઠીએ
દીકરી, સુખ તો વેઠે છે સૌ. મોરી..
દાદા! ખેતર હોય તો ખેડીએ,
ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય? મોરી..
દાદા!કૂવો રે હોય તો તાગીએ,
ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય? મોરી..
દાદા!ઢાંઢો રે હોય તો વેચીએ,
ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય? મોરી..
દાદા! કાગળ હોય તો વાંચીએ,
ઓલ્યાં કરમ વાંચ્યાં કેમ જાય? મોરી..
કવિ શ્રી ઉદયન ઠક્કરની કલમે આ લોકગીતનો રસાસ્વાદ માણીએ: (થોડું ટૂંકાવીને)
સ્ત્રીને સાસરવાસમાં સહેવી પડતી વિપદા વિશે ઘણાં લોકગીતો ગવાયાં છે. આ ગીતની નાયિકા નવે ઘરે ઠરીઠામ થવાની કઠણાઈને રૂપકથી આબાદ ઝીલે છે, ‘ડુંગર કોરીને ઘર કર્યાં.’ સમથળ ભૂમિ ન બચી હોય, ડુંગર ખોદીને કુટિર બનાવવી પડી હોય, એ સંકટ તો જેણે વેઠ્યું હોય તે જ જાણે.વળી કમાડ આભનાં છે, અર્થાત્ છે જ નહિ. આપણે કહીએ છીએને, ‘ઉપર ગગન અને નીચે ધરતી.’ આગળના બે શબ્દો સૂચક છે,’મેં તો.’ આ પરિસ્થિતિ માત્ર નાયિકાની છે, પરિવારનાં બીજાં સૌ તો સુરક્ષિત છે.
ફરિયાદ કરવી કોને, તો કે સહિયરોને. પાણી સીંચતાં, ભારો બાંધતાં કે ગરબો ગાતાં સખીઓ સામે હૈયું ઠાલવી શકાય. કુટુંબજીવન તો ઠીક, દાંપત્યજીવન પણ વણસ્યું છે, ભવ આખાના અબોલા થઈ ગયા છે. પરણ્યાને રીઝવવા નાયિકા અછોવાનાં કરે છે. અગર-ચંદનના ચૂલે બળતણ (ઓબાળ) ભરે છે, દૂધ-ચોખા ઓરીને ખીર રાંધે છે. પથ્થર પર પાણી.
પોતાની પીડાનો સંદેશો પિયરિયાને મોકલવો કેમ? ગામ છોડીને તો નીકળાય નહિ. ફોન-તાર- ટપાલનો એ જમાનો નહિ. પત્ર લખી શકાય તેવું અક્ષરજ્ઞાન પણ નહિ. હા, જતા-આવતા પ્રવાસીને કાને વાત નાખી શકાય. નાયિકા સમળીને સંદેશો આપે છે. (‘અ લિટલ બર્ડી ટોલ્ડ મી.’) કાલિદાસના યક્ષે મેઘને સંદેશો આપ્યો હતો. સંદેશો કેવો કરપીણ હશે કે સાંભળીને સમળીય સમસમી ગઈ! સાસરિયા સાથે સ્નેહ ન રહ્યો હોવાથી, નાયિકાને સમળી ય પરિવારજન (‘બેની’) લાગે છે. સંદેશો દાદાને આપવાનો છે. લોકગીતમાં ‘દાદા’ એટલે પિતા.
હવે દાદા અને દીકરીના સામસામા સંદેશા સાંભળીએ. દાદા સહાય કરવા દોડી આવ્યા હશે? ના રે ના. જમાનો એવો હતો કે પાલખીમાં સાસરે ગયેલી સ્ત્રી ઠાઠડીમાં જ પાછી નીકળી શકે. (પિયરભેગી થાય તો ભાઈઓની મિલકતમાં ભાગ માગે, એવો અંદેશો હશે.) દાદા ઠાલાં આશ્વાસનો આપ્યે જાય છે: સુખ તો સૌ વેઠે, તું દુ:ખ વેઠીને બતાવ. (સુખ સાથે ‘વેઠવું’ ક્રિયાપદ નવતર અને સુખદ લાગે છે.) દીકરી ચચ્ચાર પ્રશ્નો પૂછે છે, જેનો દાદા ઉત્તર આપી શકતા નથી. ખેતર ખેડાય પણ ડુંગર કેમ ખેડાય? ખેડૂતની સ્ત્રીના જાતઅનુભવમાંથી આવેલું આ દ્રષ્ટાંત છે. કૂવાનું માપ લઈ શકાય, સમદરનું કેમ લેવાય? સહેવાય તેટલું સહી લીધું, હવે પાણી માથાની ઉપર આવી ગયું છે. કરમન કી ગતિ ન્યારી. ન જાણે ભાગ્યમાં શું લખાયું છે? લોકગીત લખનાર કોઈ એક સ્ત્રી નહિ પણ સ્ત્રી-સમુદાય હોય. એક ટીખળી સ્ત્રીએ કહ્યું: બળદ (ઢાંઢો) હોય તો વેચીએ, પરણ્યાને કેમ વેચાય? નિરુત્તર રહેતા પીડાના પ્રશ્નો સાથે ગીત વિરમે છે.
– ઉદયન ઠક્કર
Permalink
September 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પુરુરાજ જોશી
પછી પાછલી તે રાતની, નીંદરની પાનીમાં ઓચિંતી ભોંકાશે શૂળ
સમણાંની વેલ એવી છૂંદાશે, ખરી જશે ઓશિકે આંસુનાં ફૂલ!
ટેબલ અરીસો પેન પુસ્તક ને રેડિયો, બિછાનું ઉંબર ને બારણાં
આંખો ફરશે ને મારી મેડીના કણકણથી કલ૨વશે તારાં સંભારણાં,
પછી તારો અભાવ એવું મ્હોરશે કે સહરામાં મ્હોર્યું ના હોય કો બકુલ!
પછી પાછલી તે રાતની…
આયનામાં ભાળીશ તો દેખાશે મુખ તારું, છાયાને કેમ કરી બાંધવી?
મળવાના બિલ્લોરી કાચમાં પડેલ એક તીણી તે તડને શેં સાંધવી?
પછી સામસામા કાંઠા શા તરફડશું આપણે ને ટળવળશે તૂટેલો પુલ!
સમણાંની વેલ એવી છૂંદાશે…
વાયરાની સંગ તું તો વહી જાશે દૂર દૂર રહી જાશે આંહી તારી માયા
એક જ આકાશ નીચે હોવાનાં આપણે ને ભેળી નહીં થાય તોય છાયા
પછી તારાં તે ચરણોની મેંદીને ચૂમવા વલવલશે ફળિયાની ધૂળ !
પછી પાછલી તે રાતની…
– પુરુરાજ જોષી
કલાપીએ ‘કારણ પ્રીતિનું પ્રીતિ’ એમ કહ્યું પણ બે પ્રેમીઓના છૂટા પડવાનાં કારણોનું શું? ખેર, જે રીતે ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’ એ જ રીતે પ્રેમીઓના છૂટા પડવાના કારણ હોવા અને હોય તો જાહેર કરવા જરૂરી નથી. કવિ તો આમેય કારણો આપવા બંધાયેલ નથી. પાછલી રાતે અચાનક નીંદરની પાનીમાં શૂળ ભોંકાશે, ઊંઘ ઊડી જશે, પરિણામે સપનાંની વેલ છૂંદાઈ જતાં ઓશિકે આંસુના ફૂલ ખરશે એમ કહીને કવિ ગીત ઉપાડે છે. સાવ સરળ લાગતી વાત પણ પ્રતીકોના સમુચિત પ્રયોગને લઈને કેવી હૃદ્ય બની રહે છે! આઘાત તો છે પણ કવિએ શીર્ષકમાં કહ્યું એમ કૂણો છે. ઓચિંતી કોઈક વાત યાદ આવી જાય અને આંખમાં ઊંઘ અને સ્વપ્નોનું સ્થાન આંસુ લઈ લે પછી આંખ અંધારામાં ફાંફાં મારતી રહે છે… ઓરડાના કણેકણ સાથે પ્રિયજનનાં સંભારણાંઓ વણાયેલ છે. સંભારણાં તો મીઠાંય હોવાનાં. પરિણામે સહરાના રણમાં બકુલ મહોર્યું હોય એમ અભાવ મઘમઘી ઊઠે છે. આયનામાં જાત તો દેખાય પણ પોતે જેની છાયા છે એ છાયાને કઈ રીતે જોઈ શકાય? બિલોરી કાચ નાની વસ્તુને પણ મોટી કરી બતાવે. પણ અહીં તો મળવાના બિલોરી કાચમાં જ તીણી, ઝીણી નહીં, તડ પડી છે. બે જણ સામસામા કાંઠાની જેમ ભેગા થવા ટળવળતાં રહેશે પણ બંનેને સાંકળતો પુલ કોઈક કારણોવશ તૂટ્યો છે એનું શું? સામી વ્યક્તિ પહોંચબહાર ચાલી જાય ત્યારે એક જ આકાશ નીચે અલગઅલગ સ્થાને જીવતાં હોવાને લઈને એક ન થઈ શકાવાની વેદનાને રહી ગયેલ માયાના આશ્વાસનથી જ જીરવવાની છે. અલગતાની પીડાની પરાકાષ્ઠાને કવિએ એટલી તો નજાકતથી રજૂ કરી છે કે પતી ગયા પછી પણ ક્યાંય સુધી ગીત ઝીણી ફાંસની જેમ ધીમું-મધુરું સતત ભોંકાતું રહે છે…
Permalink
September 16, 2023 at 12:16 PM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
જલને જાણે ફૂલ ફૂટિયાં,
. જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
. એનો ઊઘડ્યો અઢળક વાન. –
જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો,
. જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
. આંખ માણતું સમણું. –
જલ તો મીઠા તડકે નાહ્યું,
. કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
. હસતું દડબડ દોડ્યું ! –
ટપ ટપ ટીપાં ટપકે,
. જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
. મોતી મનમાં સીધાં સરકે. –
ભીતર બેઠાં રાજહંસને પરશે જ્યાં એ મોતી,
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ રહેતાં ગોતી.
– ચંદ્રકાન્ત શેઠ
ખૂબ જ જાણીતી અને માણીતી રચના. વરસાદની ઋતુમાં આકાશથી વરસતું જળ સમગ્ર સૃષ્ટિના નવોન્મેષનું કારણ બને છે એમાં કોઈ નવી વાત નથી, પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ સૃષ્ટિના સ્થાને ખુદ જળનો જ નવોન્મેષ થતો જુએ છે. વરસાદમાં ફૂલ-પાન ફૂટવાથી ઝાડ-છોડનું જોબન ખીલે છે ને વાન ઊઘડે છે, પણ કવિ ફૂલ-પાનની સોબતમાં જળનો જ વાન ઊઘડતો જુએ છે. સાચું છે… કોઈને નવજીવન આપવામાં આપણે કારણભૂત બનીએ ત્યારે જેને નવજીવન મળે એ તો ખીલી જ ઊઠે પણ આપણને પણ કેવો પરિતોષ થતો હોય છે! બસ, આ જ પરિતોષ કવિ જળમાં જીવંત થતો જોઈ શકે છે. આ દૃષ્ટિ જ કવિને સામાન્યજનથી અલગ તારવી આપે છે ને! ગીતમાં આગળ કવિ જળના નાનાવિધ સ્વરૂપોને પોતાની આગવી અનૂઠી રીતે નવ્યઓપ આપે છે જે ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. જળબુંદને આપણે જ્યારે હથેળીમાં ઝીલીએ છીએ ત્યારે એનો સ્પર્શ હાથ અને હૈયા –બંનેમાં અનુભવાય છે. જળબુંદની ભીનાશ, કુમાશ અને તાજગી મનના માનસરોવરમાં તરતા રાજહંસને સ્પર્શે છે અને રાજહંસને, આત્માને જીવનના અર્થ સાંપડે છે… ન્હાનાલાલના ‘જયા-જયન્ત’માં જયાનું એ ગાન -‘અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો’- યાદ આવ્યા વિના રહેતું નથી. .
Permalink
September 15, 2023 at 11:09 AM by વિવેક · Filed under ગીત, નંદિતા મુનિ
ચારે કાંઠે સ૨વ૨ છલકે
નભ વ૨સાવે ફોરાં,
ગાતી નદીઓ, નાચે દરિયો,
સૌ બોલાવે ઓરા-
ને તોય જીવણજી કોરા.
વાદળ કહે, લે પહે૨ મને,
ને ઝાકળ કહે કે પી,
ઝરણું કહેતું ધરી આંગળી,
રમવા ચાલોજી
ઘર પણ બોલે, નેહે નેવાં
નીતરે જો ને મોરાં-
ને તોય જીવણજી કોરા.
વાત એમ છે, આંસુ દીઠું
એક દિવસ કો’ આંખે,
બસ, તે દિ’થી ભીંજાવાનું
આઘું આઘું રાખે-
પાણી મૂક્યું જીવણજીએ,
ધખધખ ભલે બપોરા-
આ જીવણજી રહે કોરા.
– નંદિતા મુનિ
બધું જ અભરે ભર્યું હોય તોય માલીપામાં ખાલીપાનો અનુભવ કરવો એ આપણી પ્રકૃતિ છે. અભાવનો ભાવ આપણો સહજભાવ છે. આકાશમાંથી બારે મેઘ વરસતા હોય, સરોવર ચારે કાંઠે છલકાતું હોય, નદીનાળાં ઉભરાતાં હોય, દરિયો હિલ્લોળા લેતો હોય અને સૌ વળી નેહભીનાં નિમંત્રણ પણ પાઠવતાં હોય તોય આપણે કોરાના કોરા જ રહીએ એ બનવાજોગ છે. ઘરનાં નેવાં સુદ્ધાં નેહથી નિતરતાં હોય પણ આતમરામ સમષ્ટિના રંગે ભીંજાવા તૈયાર જ ન હોય એવી મનોસ્થિતિનું આકલન કવયિત્રીએ એટલા સરળ શબ્દો અને સહજ બાનીમાં કર્યું છે કે ગીત ગણગણતાં આપણને પણ ક્યારેક-ક્યાંક-કોઈક કારણોસર સરાબોળ ભીંજાયા ન હોવાનો વસવસો અનુભવાયા વિના નહીં રહે. કાવ્યાંતે કવયિત્રી જો કે સ્વને સર્વથી અળગાં રાખવાનું કારણ આપે છે. કોઈકની આંખે એક દિવસ આંસુ જોવામાં આવ્યું હશે અને કદાચ એ આંસુનું કારણ પોતે હોય અથવા તો એ લહોવામાં સહાયભૂત નહીં થઈ શકાયું હોય એમ બન્યું હોવું જોઈએ… કારણ જે હોય, પણ એ દિવસથી સુખમાં નહાવાનું કથકે ત્યાગ્યું છે. જીવનમાં ગમે એટલો તાપ કેમ ન પડે, પણ આ જીવણજી તો હવે સદાકાળ કોરા જ રહેનાર છે…
Permalink
September 9, 2023 at 9:53 AM by વિવેક · Filed under ગીત, હર્ષદ ત્રિવેદી
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
. ઓણ મળશું..
અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં!
સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
. ઓણ મળશું…
એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યા!
ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
. ઓણ મળશું….
– હર્ષદ ત્રિવેદી
વાત મળવાની છે અને કથક મળવાને કૃતનિશ્ચયી પણ છે. આ વરસે નહીં તો આવતા વરસે નહિતર એના પછીના વરસે, પણ મળીશું એ નક્કી. આ સમયે અથવા પેલા સમયે, આ સ્થળે અથવા પેલા સ્થળે –ક્યાંય પણ અને ક્યારેય પણ; એમ સ્થળ-કાળની કોઈપણ સરહદમાં કથક બંધાતો નથી, એ બંધાય છે તો કેવળ મળવાની વાતે. નાયિકાની ઉતાવળ સામે કથકની ધીરજ મુકાબલે ચડી છે. સસલું હોય એ અધવચ્ચે ઊંઘમાં સરી જઈ શકે, કાચબો ધ્યેયપ્રાપ્તિ સુધી અટકતો નથી. કાયા પંચમહાભૂતમાં મળી જાય ત્યાં સુધીના મક્કમ નિર્ધાર સાથે કથક મળવાનું વચન પૂરું કરવાની કોશિશ પડતી મેલનાર નથી. મનગમતું સપનું મેળવવા કથકે આખી જિંદગી સાધના કરી છે, પણ સામા પક્ષે સ્વપ્ન કે સ્વપ્નસિદ્ધિ કરતાં ઊંઘના સુખની કિંમત વધુ હતી. કોઈપણ સંજોગોમાં સાયુજ્યનું સ્વપ્ન તો જોવું જ છે, ભલે એ ફળે નહીં ને આજીવન દાહ કેમ ન દેતું રહે. બે જણ કદાચ અમાસી રાતે અલગ થયાં હશે એટલે અંધારામાં ન દેખવું-ન દાઝવુંના ન્યાયે એકમેકનું દર્દ જોઈ ન શકાય એમ અલગ થયાં હશે એ વાત તરફ આંખ ભરીને કાજળ આંજવાનું પ્રતીક વાપરીને કવિ ઈશારો કરે છે. હવે અષાઢની બીજના આછા અજવાળામાં બંને આંખ અરીસાની જેમ માંજી લીધી છે, મતલબ આંખમાં આંસુય નથી અને દૃષ્ટિ પણ હવે સાફ છે. બે જણ મળી શકે અને ચહેરા પર મલકાટ આવી જાય તો ઉત્તમ, અન્યથા એકમેકને સુખી હોવાનો ડોળ કરીને છળતાં રહીશું… ટૂંકમાં, પુનર્મિલનની આશા અમર રાખીને જિંદગી જે આપે તે સ્વીકારીને જીવ્યે જવાનું છે,બસ.
Permalink
September 8, 2023 at 7:30 AM by વિવેક · Filed under ગીત, રાજેન્દ્ર શુક્લ
ઊંટ ભરીને આવ્યું રે
. અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
. અંધારું લ્યો…
કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
. અંધારું લ્યો…
અમે તો આંગણમાં ઓરાવ્યું રે
. અંધારું લ્યો,
. ઊંટ ભરીને.
એના અડ્યા આભને છોડ;
એવા અડ્યાં આભને કોડ –
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
. અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
. અંધારું લ્યો…
. ઊંટ ભરીને.
– રાજેન્દ્ર શુકલ
કેટલાક શબ્દ એની સાથે સુનિશ્ચિત વાતાવરણ લીધા વિના સન્મુખ થતા નથી. ‘ઊંટ’ આવો જ એક શબ્દ છે. ‘ઊંટ’ શબ્દ કાને પડતાવેંત નજર સામે અફાટ-અસીમ રણ આવ્યા વિના નહીં રહે. અહીં આપણી સમક્ષ ઊંટ અંધારું ભરીને આવ્યું છે. આપણે સહુ અજવાળાંનાં પૂજારી છીએ. પણ હકીકત એ છે કે અંધકાર શાશ્વત છે. પ્રકાશ તો કેવળ અનંત અંધારામાં પાડવામાં આવેલું નાનકડું બાકોરું માત્ર છે. નવ મહિના અંધકારના ગર્ભમાં રહ્યા બાદ જ જીવનની શરૂઆત થાય છે, એ જ રીતે અનુભૂતિના અંધારા ગર્ભમાં સેવાયા બાદ જ સર્જનનો ઝબકાર પ્રગટે છે. સાચો સર્જક જ અંધારાનો મહિમા કરી શકે. એટલે જ કવિ અજવાળાંનું નહીં, અંધારાનું ગીત લઈ આવ્યા છે.
પોઠ ભરીને અંધારું લઈને ઊંટ આવ્યું છે પણ કવિ એકલપંડે એનો લાભ લેવા માંગતા નથી. ‘ગમતાંના ગુલાલ’ના ન્યાયે કવિ તો અંધારું ‘લ્યો’ના પોકાર સાથે આપણને સહુને આ ખજાનાનો લાભ લેવા આમંત્રણ આપે છે. ગમતી વસ્તુ લેવા માટેના સહુના કારણ તો અલગ જ હોવાના. કોઈ અંધારું આંખમાં આંજવા માટે લેશે, મતલબ એને સ્વપ્નોની ઇચ્છા હશે. કોઈ ઝાંખ માંજવા લેશે. અજવાળું હોય તો ઝાંખું દેખાવાની કમજોરી છતી થશે, પણ આંખમાં અંધારું માંજી લ્યો, પછી ઝાંખપ વળી શેની? અંધારું ઊંચનીચના ભેદ રાખતું નથી. એ બધાને એકસમાન ભાવે રંગી દે છે. ભેદભાવ સર્જવાનું કામ કેવળ પ્રકાશનું. કવિ અંધારું ઘરમાં નહીં, ઉંબરે ઉતારાવે છે અને આંગણમાં ઓરાવે છે, જેથી તમામ ઇચ્છુક વ્યક્તિ નિઃસંકોચ એનો લાભ લઈ શકે.
ઓરાવેલું અંધારું છોડ થઈને ઊગે છે, પણ છોડ તે કેવો! ઠેઠ આભને અડે એવો! અંધારાનો છોડ તો આભને અડે જ છે, એના કોડ પણ આભને અડે એવા છે. ભલે પોઠ ભરીને આવ્યું હોય કે આભને આંબ્યું હોય, એની મજા તો હળુહળુ માણવામાં જ છે. મુઠ્ઠીભરી ભરીને એને સવાર પડે ત્યાં સુધી મમળાવતાં રહીએ, કારણ આ અંધારું ભાવે એવું છે.
Permalink
September 7, 2023 at 12:30 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગીત
ઊભી થા આળસુની પીર અલી ટેકરી!
. ચાલ, હવે ઝાલકોદા’ રમીએ;
પોરો ખાવાને ભલે બેઠો પવન
. ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
. નાખ પથ્થ૨ની સાંકળોને તોડી,
ઘાસલ મેદાનોમાં એવું કંઈ દોડ,
. અરે એવું કૈં દોડ,
. સરે લીલાછમ દરિયામાં હોડી!
ઝરણાંના ઘૂઘરાઓ પગમાં બાંધીને
. ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
. – ઊભી થા૦
તું કહે તો વાયુ થઈ ડાળી ૫૨ બેસું
. ને મર્મ૨નું જંતર હું છેડું :
ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો
. આખો આષાઢ તને રેડું,
સૂરજ ફેંકે છે કૂણાં કિરણોનાં તીર
. ચાલ, સામી છાતીથી એને ખમીએ!
. – ઊભી થા૦
– કરસનદાસ લુહાર
સંવેદન તો દરેક અનુભવે… પણ જનસંવેદનથી મનસંવેદન નોખું તરી આવે ત્યારે કદાચ કવિતા થાય. પ્રકૃતિ તો એના નાનાવિધ સ્વરૂપે આપણા સહુની સન્મુખ સતત આવતી જ રહે છે, પણ જેનું હૈયું સચરાચરના સ્પંદ અનુભવતું હોય એ જ એની સાથે ગુફ્તેગૂ માંડી શકે. અહીં લીલીછમ ટેકરી સાથે કવિ મજાની ગોઠડી માંડે છે. સર્જન થયું એ દિવસથી ટેકરીના નસીબમાં સ્થિરતા સિવાય બીજું કશું લખાયું જ નથી. પણ કવિ એને આળસુની પીર કહીને ઊભા થવાનું આહ્વાન કરે છે. ને આટલું ઓછું હોય એમ પકડદાવની રમત રમવા પણ નિમંત્રે છે. વહેવું જેની નિયતિ છે એવો પવન ભલે થાક ખાવા બેઠો હોય, પણ આપણે તો લહેરખીની જેમ ભમીશું એમ કહીને કવિ ટેકરીને લલચાવે પણ છે. સદીઓથી એક જ સ્થાને બેસી રહેવાનો થાક અને માથે પડેલા પથ્થરો જાણે બાંધી રાખતી સાંકળ ન હોય એમ એને તોડીને ઘાસના મેદાનોમાં ટેકરી દોડતી હોય ત્યારે લીલાછમ દરિયામાં તરતી હોડી જેવી જ ભાસશે ને! પણ ટેકરીને સજીવન થઈ રમતમાં જોડાવાની ઇચ્છા જો હજીય ન થતી હોય તો કવિ બાળકને ચોકલેટથી લલચાવીએ એમ પ્રલોભનો પણ આપે છે. ટેકરીના કહેવા પર કવિ વાયુ થઈ ડાળી પર બેસીને પર્ણોની મર્મરનું જંતર વગાડી એને રાજી કરવા પણ તૈયાર છે અને ટેકરીને વરસાદમાં નહાવાની ઇચ્છા હોય તો આખો અષાઢ એના પર રેડી આપવા પણ તત્પર છે. ટેકરી સાથેની રમત જોઈ ન શકતો સૂરજ તડકાના તીર ફેંકે છે. ચોમાસાની ઋતુમાં આ કિરણો કૂણાં જ હોય એ તો બરાબર પણ ટેકરીની સાથે ભાઈબંધી કરી હોવાથી કવિ ટેકરીની સાથે મળીને આ કિરણોનાં તીર સામી છાતીએ સાથે ઝીલવા માંગે છે એ વાત આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી.
Permalink
Page 2 of 25«123...»Last »