અજવાળું – ચંદ્રવદન ચી. મહેતા
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
તરતું, સરતું, ઝરતું, નીકળ્યું, ભવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યું ઘરમાં ક્યાંક ભરાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
પંચામૃતની મટકી ઘૂંટી, મટકીમાં બંધાણું જી
જાતું પાછું જ્યાંથી આવ્યું, ભેદ ન એનો જાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
અજવાળું એ આપ અનોખું, નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં ઊકલે એ ઉખિયાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી
– ચંદ્રવદન ચી. મહેતા
મધ્યયુગીન ભજનપરંપરા અને આધુનિક ગીતના સંધિસ્થળે ઊભેલી રચના. આત્માના ચેતનપુંજની આ વાત છે. જ્યોતિ જ્યાંથી આવી છે, ત્યાં જ ભળી જવાની છે. પણ આ આવન-જાવનની વચ્ચે એ થોડો સમય પંચમહાભૂતની બનેલી કાયામાં બંધાય છે. આત્મા પરમ-આત્મામાં ભળે એ જ આ ઉખાણાંનો ઉકેલ છે. કવિના ‘કેમ કરી સંભાળું’નો જવાબ પણ આ જ છે.
નેહા પુરોહિત said,
December 1, 2023 @ 11:03 AM
વાહ.. સરળ શબ્દોમાં કેવી ગહન વાત કરી!!
Jayant Dangodara said,
December 1, 2023 @ 11:13 AM
અજવાળે અજવાળું ભળતાં…. કેટલું સહજતાથી સમજાવી દીધું! વાહ…
DILIPKUMAR CHAVDA said,
December 1, 2023 @ 1:26 PM
વાહ સરસ સરળ સહજ રચના
Jayesh Sanghani said,
December 1, 2023 @ 4:01 PM
આભાર, આ સુંદર રચનાનું રસપાન કરાવવા બદલ
Bhuma Vashi said,
December 2, 2023 @ 6:12 AM
The profound truth explained in simple words.
Someone who must have had experience of TRUTH
can possibly have such
Downloads of poetry.
Thank you for sharing. Regards.
વિવેક said,
December 2, 2023 @ 11:50 AM
સહુ મિત્રોનો આભાર
કિશોર બારોટ said,
December 2, 2023 @ 7:48 PM
બહુ સુંદર 👌
Prutha said,
December 4, 2023 @ 8:49 PM
સુંદર!