જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
રમેશ પારેખ

મારી બૈ – ગની દહીંવાલા

સાંજને રોકી રાખજે મારી બૈ,
.           સીમ, તને રે વીનવું સૂરજદેવના સોગન દૈ…
.                                                             ..સાંજને.

ખેતરાં ખૂંદી આવશે ઓલ્યો મનડે ઊગ્યો મોલ,
દેરડીવાળે ડુંગરે મુને મળવા દીધો કોલ,
.           એક આણીપા એક ઓલીપા આંખિડયું મંડૈ…
.                                                             ..સાંજને.

એકલી તોયે કોકની હારે રમતી મુને જોઉં,
આવડી મોટી તોય હું જાણે ભાન વનાની હોઉં,
.           નથણી મારી નજરું કેરી ખેલમાં તે ખોવૈ…
.                                                             …સાંજને.

આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી,
ભાવ ભરેલા દૂધથી આંચળ વાછરું ગયું પી,
.           કુમળો એવો તડકો જાણે ગાવડી ચાવી ગૈ…..
.                                                             ..સાંજને.

– ગની દહીંવાલા

મનનો માણીગર દેરીવાળા ડુંગર પર સાંજે મળવા આવવાનો કોલ દઈ ગયો હોય, પણ હજી આવ્યો ન હોય અને સાંજ ઢળવી શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રોષિતભર્તૃકાના હૈયામાંથી જે આર્જવયુક્ત ઉદગાર નીકળે એનું આ ગીત છે. નાયિકા સીમને સૂરજદેવના સોગંદ દઈને વિનંતી કરે છે કે સાંજને રોકી રાખજે. વેણીભાઈ પુરોહિતનું ‘હજી આ કોકરવર્ણો તડકો છે, સાંજ તો પડવા દો’ ગીત પણ આ તબક્કે યાદ આવી જાય છે… રોકવાની વાત પરથી હરીન્દ્ર દવેનું ‘સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત’ પણ સ્મરણમાં આવ્યા વિના રહેતું નથી.

આંખો સતત આ તરફ, એ તરફ એમ ચકળવકળ થઈ દિશાઓ તાકી રહી છે. નાયિકા એકલી જ છે પણ પોતાને પોતાન અપ્રિયતમ સાથે કેલિ કરતી જુએ છે. ભાન ખોઈ બેઠી હોય એવા એના આ વર્તનનું વળી એને ભાન તો છે જ, પણ કાબૂ નથી. એની નજરોની નથણી જાણે આ ખેલમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. આ તરફ એ આવી ત્યારે તો આખો દિવસ હજી બાકી હતો, પણ રાહ જોવામાં ને જોવામાં સાંજ ક્યારે ઢળવા આવી એનીય એને પતીજ રહી નથી. વાછરું આંચળમાં હોય એ બધું દૂધ ધાવી ગયું હોય અને ગાય કૂમળું ઘાસ ચાવી જાય એમ સમય સરતો ગયો અને કૂમળો (સાંજનો) તડકો પણ ઓસરવા લાગ્યો છે.. બૈ, દૈ, મંડૈના સ્થાને કવિ બઈ, દઈ, મંડઈ પણ લખી શક્યા હોત પણ તળપદી ભાષાના ઉચ્ચારોને લિપિમાં યથોચિત દેહ આપીને કવિએ ગીતને વધુ મનોહર બનાવ્યું છે એ કવિકર્મ પણ ચૂકવા જેવું નથી.

8 Comments »

  1. pragnaju said,

    September 28, 2023 @ 7:19 AM

    હ્રુ.ગની દહીંવાલાના ખૂબ મધુરા ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  2. જિજ્ઞા વોહરા said,

    September 28, 2023 @ 11:20 AM

    વાહ… ગાવડી તડકો ચાવી ગઇ 👏

  3. Bharati gada said,

    September 28, 2023 @ 11:31 AM

    વાહ ખૂબ સુંદર મજાનું ગીત 👌💐

  4. Mehul A. Bhatt said,

    September 28, 2023 @ 11:57 AM

    ખૂબ સુંદર આસ્વાદ… 👌👌👌

  5. Yogesh pandya said,

    September 28, 2023 @ 12:26 PM

    એક ગઝલકારનું સરસ ગીત.
    નવા નવાં કલ્પનો થી મઢીત અને ભાવથી છલકતું આસ્વાદપૂર્ણ ગીત.ધન્યવાદ

  6. DILIPKUMAR CHAVDA said,

    September 28, 2023 @ 12:35 PM

    વાહ જોરદાર ગીત ને આસ્વાદ

  7. Neela sanghavi said,

    September 28, 2023 @ 5:15 PM

    કેટલી સરસ રચના.જાણે ખળખળ વહેતી જાય.

  8. Poonam said,

    October 12, 2023 @ 12:18 PM

    Saras rachna !

    Aaswad saral ne sundar 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment