લેંચુજીનું ગીત – ઇન્દુ પુવાર
અમે લયનું લૂટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો
સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
– ઇન્દુ પુવાર
વ્યંગ કવિતા આપણી ભાષામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલ પ્રકાર છે. ઇન્દુ પુવારની ‘લેંચુકથા’ આ અવકાશ સુપેરે ભરી આપે છે. કવિએ એકાધિક લેંચૂકાવ્યો લખ્યાં છે, પણ કોશિશ કરવા છતાં કવિનો કોઈ સંગ્રહ કે લેંચૂકાવ્યો હાથવગાં થયાં નથી. સમગ્ર કાવ્યગુચ્છ હાથ આવે તો કવિ શું કહેવા ચહે છે એ કદાચ વધુ સારી રીતે સમજી શકાય. કોઈ વાચકમિત્ર કે કવિમિત્ર આ બાબતમાં મદદગાર થશે તો એનો આગોતરો આભાર…
છંદોલય જે તે કાવ્યસ્વરૂપમાં કવિતા સિદ્ધ કરવા માટેનું સાધનમાત્ર છે, પણ કવિતાના કસબથી પરિચિત થઈ જનાર કારીગર પોતાને કવિ ગણવા માંડે, અને સાધનને જ સાધ્ય ગણી લે એના પર કવિ મજેદાર કટાક્ષ કરે છે. લેંચુ કોણ તે તો આપણે જાતે જ સમજી લેવાનું. લયનું ગામ લૂંટાવીને કવિ સહુને વાણીનો વેપાર કરવાનું આહ્વાન આપે છે. જુગજૂના જોગીઓનો જ્યાં વ્યાપ છે એ સાચા સાહિત્યના તળાવ સૂનાં પડ્યાં છે. પણ આ જોગીઓય કંઈ સાવ સીધા નથી, હં કે! કો’ક લહેરીલાલા કે લાલી(!)એ ત્યાં આવીને ‘હું’કારો (હોંકારો નહીં હં કે) કર્યો નથી કે જોગી લપાક લઈને ભોગી બન્યા નથી… સાચા કવિને લાડી કે વાડીથી નહીં, કેવળ કવિતાથી જ નિસ્બત હોય. દલપતરામે ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કહ્યું હતું એનો અછડતો સંદર્ભ લઈ કવિ વાંકાચૂકા અક્ષરો અને એના એ જ (મૃત્યુ પામેલ) અર્થોની વાત કરીને નામ લીધા વિના આપણા અઢાર અવગુણો તરફ કટાક્ષ કરે છે. આ કાયા, આ માયા, આ નામ બધું અંતે તો સ્મશાનની રાખ ભેગું જ થવાનું છે એ તરફ ટકોર કરીને કવિ સરવાળે તો આપણને સાચી કવિતા તરફ વળવાનું આહ્વાન જ આપે છે.