વિચાર છે કે થઈ જાઉં નિર્વિચાર જરા,
વિચાર પર છે પરંતુ ક્યાં અખ્તિયાર જરા?
વિવેક મનહર ટેલર

લેંચુજીનું ગીત – ઇન્દુ પુવાર

અમે લયનું લૂટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો

સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો

અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો

– ઇન્દુ પુવાર

વ્યંગ કવિતા આપણી ભાષામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલ પ્રકાર છે. ઇન્દુ પુવારની ‘લેંચુકથા’ આ અવકાશ સુપેરે ભરી આપે છે. કવિએ એકાધિક લેંચૂકાવ્યો લખ્યાં છે, પણ કોશિશ કરવા છતાં કવિનો કોઈ સંગ્રહ કે લેંચૂકાવ્યો હાથવગાં થયાં નથી. સમગ્ર કાવ્યગુચ્છ હાથ આવે તો કવિ શું કહેવા ચહે છે એ કદાચ વધુ સારી રીતે સમજી શકાય. કોઈ વાચકમિત્ર કે કવિમિત્ર આ બાબતમાં મદદગાર થશે તો એનો આગોતરો આભાર…

છંદોલય જે તે કાવ્યસ્વરૂપમાં કવિતા સિદ્ધ કરવા માટેનું સાધનમાત્ર છે, પણ કવિતાના કસબથી પરિચિત થઈ જનાર કારીગર પોતાને કવિ ગણવા માંડે, અને સાધનને જ સાધ્ય ગણી લે એના પર કવિ મજેદાર કટાક્ષ કરે છે. લેંચુ કોણ તે તો આપણે જાતે જ સમજી લેવાનું. લયનું ગામ લૂંટાવીને કવિ સહુને વાણીનો વેપાર કરવાનું આહ્વાન આપે છે. જુગજૂના જોગીઓનો જ્યાં વ્યાપ છે એ સાચા સાહિત્યના તળાવ સૂનાં પડ્યાં છે. પણ આ જોગીઓય કંઈ સાવ સીધા નથી, હં કે! કો’ક લહેરીલાલા કે લાલી(!)એ ત્યાં આવીને ‘હું’કારો (હોંકારો નહીં હં કે) કર્યો નથી કે જોગી લપાક લઈને ભોગી બન્યા નથી… સાચા કવિને લાડી કે વાડીથી નહીં, કેવળ કવિતાથી જ નિસ્બત હોય. દલપતરામે ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કહ્યું હતું એનો અછડતો સંદર્ભ લઈ કવિ વાંકાચૂકા અક્ષરો અને એના એ જ (મૃત્યુ પામેલ) અર્થોની વાત કરીને નામ લીધા વિના આપણા અઢાર અવગુણો તરફ કટાક્ષ કરે છે. આ કાયા, આ માયા, આ નામ બધું અંતે તો સ્મશાનની રાખ ભેગું જ થવાનું છે એ તરફ ટકોર કરીને કવિ સરવાળે તો આપણને સાચી કવિતા તરફ વળવાનું આહ્વાન જ આપે છે.

6 Comments »

  1. Pragnaju said,

    October 5, 2023 @ 2:51 AM

    રાજપૂત સાહિત્યકારો બહુ ઓછા છે ગુજરાતીમાં.
    ગર્વની વાત છે. કવિ, નાટ્યકાર, નવલકથાકાર શ્રી ઈન્દ્રસિંહ પુવારને ગુજરાત સરકાર નો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે
    ખૂબ સુંદર વ્યંગ ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    યાદ આવે
    આપણે સીંચીએ, તેટલે અંશે એ કવિતા સાચી બની એમ કહેવાનો આજે શિષ્ટાચાર છે. સહૃદયતાનું પ્રમાણ જેમ અલ્પ, તેમ તે કવિતાને વધુ નકલી કહેવાનો રિવાજ છે.પણ આપણી ઘણીખરી કવિતા મૂળે તો નકલી જ છે. છતાં એમાંની સર્વોત્તમ નકલ એ કે જે તત્ક્ષણ પૂરતી દિલસચ્ચાઈએ વિભૂષિત : બાકીની બધી બનાવટપણાથી દુષિત
    ‘ઊછી ઉધારા અરક લઈ માંહીં ભેળે તેલ ધૂપેલ
    એ રે સૂરૈયાની કૂડી ચાલાકી, નારીરંજણ ખેલ !’
    ઉત્તમ કવિતાકારો કુશળ કસબીઓ હશે ખરા કવિએ ન યે હોય. એવું કથન તુચ્છકાર નથી સૂચવતું. કુશળ કસબીપણું પણ કંઈ રસ્તામાં પડ્યું છે ! योग: कर्मसु कौशलम्। : એ તો યોગ છે. એ છે પ્રયોગકારોનો યોગ. ઘણાખરા પ્રયોગો જ કરનારા છીએ. નાના પ્રકારના કલ્પના-પ્રયોગો કરી, નાના પ્રકારના લાગણી-પ્રયોગો કરી, નાના પ્રકારના ભાષાછંદોના પ્રયોગો કરી કરી આપણે પરાનુભવોનું એવું ઉચ્ચારણ શોધીએ છીએ, કે જે પરજનોને પોતાના હૈયે વારંવાર રમતું લાગ્યા કરતું હોય છતાં રમ્ય સ્વરૂપે પ્રકટ કરતાં ન આવડતું હોય : ‘what oft was thought but never so well expressed.’ આંગલ કવિ પોપની, કવિતા વિષેની આ પિછાન મને સ્વીકાર્ય છે. આપણો સ્વધર્મ, અનેક હૈયામાં રમી રહે તેવાં વાણી-સ્વરૂપો ઘડવાનો છે. જન જનને ઊર્મિ-બારે એના આતમતત્ત્વને ભાવતાં ટોપરાં તેજાનાનાં વ્હાણો નાંગરતા તમે સાહસશૂરની ખુમારી ભર્યા સોદાગરો છો
    કવિતાકારો ! તમે પરમ જ્યોતિના પારદર્શીઓ નથી.
    પરાનુભવોને ઝીલવા, એ પણ ઉગ્ર સાધના માગી લે છે.
    આતમની એરણ પરે એ પરાનુભવનો હથોડો પડે છે, તે ક્ષણે શબદ-તણખા…

  2. ચંદ્રશેખર પંડ્યા said,

    October 5, 2023 @ 1:12 PM

    કાવ્યમાં તો મજજો …
    આપની મીંમાસામાં બમણો!

  3. બારીન said,

    October 5, 2023 @ 2:19 PM

    મન પણ એમ લાગ્યું કે કાવ્ય તો સરસ છે જ પણ છણાવટ વધારે ઉત્તમ . પ્રણામ

  4. Aasifkhan Pathan said,

    October 5, 2023 @ 2:30 PM

    સરસ ગીતનો સ-રસ આસ્વાદ વાહ

  5. Bharati gada said,

    October 5, 2023 @ 4:20 PM

    ખૂબ સુંદર કાવ્યનો ખૂબ સુંદર અર્થ સભર આસ્વાદ 👌💐

  6. Poonam said,

    October 27, 2023 @ 12:02 PM

    …લયનું લૂંટાવ્યું ગામ ! 👌🏻
    – ઇન્દુ પુવાર –

    Aaswad swadisth sir ji 👍🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment