શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.
વિવેક મનહર ટેલર

મધ્યાહ્ને કોયલ – નંદિતા મુનિ

મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

– નંદિતા મુનિ

ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.

6 Comments »

  1. ડૉ માર્ગી દોશી said,

    March 10, 2024 @ 12:06 PM

    વાહ મજાનું ગીત 👌👌

  2. Ramesh Maru said,

    March 10, 2024 @ 12:06 PM

    વાહ…ખૂબ સુંદર ગીત … લય અને સંવેદન ગીતને વધુ સુંદર બનાવે છે… વિવેકસરનો આસ્વાદ પણ એટલો જ સુંદર…

  3. Kalpana SaviKant said,

    March 10, 2024 @ 12:54 PM

    ખરેખર અમૂલ…સુંદર ગીત..

  4. Poonam said,

    March 15, 2024 @ 9:07 AM

    એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
    મૂલ મારે કેમ કરી તોલવું…
    – નંદિતા મુનિ – Waah !

    Aaswad mast !

  5. Tanu patel said,

    March 18, 2024 @ 3:26 AM

    મજાનું ગુલમહોરી ગાણું..

  6. Tanu patel said,

    March 18, 2024 @ 3:28 AM

    સરસ મજાનું ગુલમ્હોરી ગાણું….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment