આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે – યોગેશ જોષી
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે.
હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં ને દરિયો આખોય ભયભીત છે!
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ! કોની તે હાર, કોની જીત છે!
ખડકની સાથ રોજ માથાં પછાડવાં, આ હોવાની ઘટના કરપીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
છાલ્લકો જોરથી વાગે છે જેની તે બળબળતું જળ છે કે આગ છે?
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે, મનગમતો લય છે કે નાગ છે?
મધદરયે પણ હું તો ભડકે બળું ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
– યોગેશ જોષી
આમ જાણે કે પ્રકૃતિનું ગીત અને આમ જુઓ તો તૂટ્યા સંબંધનું… મોજું કિનારે આવીને તૂટે અને ફીણ ફીણ થઈ વેરાઈ જાય. લાં…બી મુસાફરી બાદ છેક કિનારે આવીને સંબંધનેય મોઢે ફીણ આવી જાય એવું બને. આમ તો હોડી એ દરિયાને ડારવાનું ને પાર ઉતારવા માટેનું સાધન પણ હોડીમાં પાણી ભરાય ત્યારે જેને તરવા નીકળ્યા હોઈએ એ જ દરિયામાં ડૂબવાની નોબત આવે. અહીં વાત અલગ છે, જો કે. અને કવિતાની મજા પણ અહીં જ છે. હોડીમાં સહેજસાજ પાણી ભરાતાં દરિયો આખો ભયભીત થઈ ગયો છે. સંબંધના ડૂબવાની શક્યતા દેખાય તો સમંદર જેવડા વિશાળ જીવતરનેય ભય તો લાગે જ ને! દુનિયા તો આ હાર-જીતનો તમાશો જોવાની જ છે. પણ જેને જીવન મળ્યું છે એણે તો મુસીબતો સાથે માથાં ઝીંકવા જ પડશે રોજેરોજ, ભલે કરપીણ કેમ ન લાગે. સતત જેની છાલકો વાગતી રહે છે એ બળબળતું જળ હોય કે આગ- બંને દઝાડવા જ સર્જાયાં છે. પણ આવા જીવતરમાંય ગીત-કવિતાનો મનગમતો લય એક આશ્વાસન છે, ડૂબતાંને મન તરણાંનો સહારો છે. જો કે ક્યારેક એ સમજાતું નથી કે કવિતા જીવાડે છે કે નાગની જેમ મરણતોલ ડંસ દે છે. જે હોય તે, ભડકે બળતું અસ્તિત્ત્વ જેના સહારે જીવનસાગર તરી જવાની નેમ રાખી બેઠું હોય એ હોડી પણ મીણની બનેલી છે… આગ એને શું પીગાળી નહીં દે? ડૂબ્યા વિના શું કોઈ આરોઓવારો છે ખરો? દર્દનાક જિંદગીની દારૂણ વાસ્તવિક્તા કથક પોતાની સખી સાથે સહિયારે છે એ વાત ગીતને હૃદ્ય અને જીવનને સહ્ય બનાવે છે.
યોગેશ ગઢવી said,
November 18, 2023 @ 1:33 PM
ખૂબ જ સુંદર ગીત સાથે સુંદર આસ્વાદ પણ…🌹
બાબુ સંગાડા said,
November 18, 2023 @ 1:39 PM
યોગેશ જોષીની ગીત રચના આ તો વમળ તૂટવાનું સખી ફીણ છે.
નો સરસ આસ્વાદ કર્યો છે.સરસ રસાવાદ કરાવતા આપે
જિંદગીના મૂલ્યને ફીણ જેવું ગણી અસ્તિત્વ કયાંરે મટી જાયીસ્ટના
એ કોઈને ખબર નથી.જીવતર મળ્યું છે તો માણસે આનંદ સાથે
મૂલ્યવર્ધક જીવી લેવું નહીંતો આયખું ફીણ છુટું પડે તેમ કયારે
અસ્તિત્વ ખોઈ નાખશે એ વાત ટાકી કવિતાને સમજવાને સમજાવાનો પ્રયત્ન ખૂબ સહરાનિય છે.
Pravin Shah said,
November 18, 2023 @ 6:22 PM
ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ !
Ramesh maru said,
November 18, 2023 @ 8:37 PM
જેટલું સુંદર ગીત…એટલો જ સુંદર આસ્વાદ…
યોગેશ જોષી said,
November 18, 2023 @ 9:09 PM
સુંદર આસ્વાદ, વિવેકભાઈ;
તમારા કવિતાપ્રેમને વંદન. તમારી કાવ્યનિષ્ઠાને સલામ.
લયસ્તરોને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ.
Pragnaju said,
November 19, 2023 @ 7:50 PM
યોગેશ જોષીનું ખૂબ સરસ કાવ્ય અને વિવેકભાઈનો સરસ આસ્વાદ
કેટલું સુંદર તૂટ્યા સંબંધનું કાવ્ય…
વાંચતા, સમજતા કવિને વળગી રહેલા પણ વાચકને વિસરાઈ ગયેલા સંબંધો ખસૂસ યાદ આવે આવે ને આવે જ.
Lata Hirani said,
November 21, 2023 @ 6:01 PM
સરસ ગીત અને આસ્વાદ.