યોગેશ જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 18, 2023 at 11:26 AM by વિવેક · Filed under ગીત, યોગેશ જોષી
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે.
હોડીમાં સ્હેજ સ્હેજ પાણી ભરાયાં ને દરિયો આખોય ભયભીત છે!
ઝૂકી ઝૂકીને આભ જોયા કરે કે ભૈ! કોની તે હાર, કોની જીત છે!
ખડકની સાથ રોજ માથાં પછાડવાં, આ હોવાની ઘટના કરપીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
છાલ્લકો જોરથી વાગે છે જેની તે બળબળતું જળ છે કે આગ છે?
ગીતોની વચ્ચે જે રેશમની જેમ ફરે, મનગમતો લય છે કે નાગ છે?
મધદરયે પણ હું તો ભડકે બળું ને મારી હોડી પણ જાણે કે મીણ છે!
આ તો મોજું તૂટ્યાનું સખી, ફીણ છે!
– યોગેશ જોષી
આમ જાણે કે પ્રકૃતિનું ગીત અને આમ જુઓ તો તૂટ્યા સંબંધનું… મોજું કિનારે આવીને તૂટે અને ફીણ ફીણ થઈ વેરાઈ જાય. લાં…બી મુસાફરી બાદ છેક કિનારે આવીને સંબંધનેય મોઢે ફીણ આવી જાય એવું બને. આમ તો હોડી એ દરિયાને ડારવાનું ને પાર ઉતારવા માટેનું સાધન પણ હોડીમાં પાણી ભરાય ત્યારે જેને તરવા નીકળ્યા હોઈએ એ જ દરિયામાં ડૂબવાની નોબત આવે. અહીં વાત અલગ છે, જો કે. અને કવિતાની મજા પણ અહીં જ છે. હોડીમાં સહેજસાજ પાણી ભરાતાં દરિયો આખો ભયભીત થઈ ગયો છે. સંબંધના ડૂબવાની શક્યતા દેખાય તો સમંદર જેવડા વિશાળ જીવતરનેય ભય તો લાગે જ ને! દુનિયા તો આ હાર-જીતનો તમાશો જોવાની જ છે. પણ જેને જીવન મળ્યું છે એણે તો મુસીબતો સાથે માથાં ઝીંકવા જ પડશે રોજેરોજ, ભલે કરપીણ કેમ ન લાગે. સતત જેની છાલકો વાગતી રહે છે એ બળબળતું જળ હોય કે આગ- બંને દઝાડવા જ સર્જાયાં છે. પણ આવા જીવતરમાંય ગીત-કવિતાનો મનગમતો લય એક આશ્વાસન છે, ડૂબતાંને મન તરણાંનો સહારો છે. જો કે ક્યારેક એ સમજાતું નથી કે કવિતા જીવાડે છે કે નાગની જેમ મરણતોલ ડંસ દે છે. જે હોય તે, ભડકે બળતું અસ્તિત્ત્વ જેના સહારે જીવનસાગર તરી જવાની નેમ રાખી બેઠું હોય એ હોડી પણ મીણની બનેલી છે… આગ એને શું પીગાળી નહીં દે? ડૂબ્યા વિના શું કોઈ આરોઓવારો છે ખરો? દર્દનાક જિંદગીની દારૂણ વાસ્તવિક્તા કથક પોતાની સખી સાથે સહિયારે છે એ વાત ગીતને હૃદ્ય અને જીવનને સહ્ય બનાવે છે.
Permalink
September 25, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોગેશ જોષી
એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.
શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?
– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)
કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…
Permalink
February 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોગેશ જોષી
સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…
સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…
બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…
– યોગેશ જોષી
અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.
આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !
Permalink
December 13, 2012 at 12:57 AM by વિવેક · Filed under અછાંદસ, યોગેશ જોષી
મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…
મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…
– યોગેશ જોષી
સાચી યાત્રા એ લોક-પરલોકભ્રમણ નથી, સાચી યાત્રા છે પ્રેમ. સ્પર્શ. સહેવાસ.
Permalink
February 7, 2012 at 9:56 PM by ધવલ · Filed under ગઝલ, યોગેશ જોષી
કે કિનારે કોણ બેસે, ડૂબકી મારી હતી
પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી
આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી
તાળવામાં ઝળહળે છે સૂર્ય શીતળ કેટલા
જીભ મારી કૈં યુગોથી તેજની તરસી હતી
આભ આખું આમ ઉકેલી દીધું અંધારનું
વીજના ઝબકારની એ તેજક્ષણ અટકી હતી
અગ્નિ સાતે એકદમ ભપકી ઊઠ્યા’તા છાતીમાં
જળ તણી આ જાળમાં મેં કૈં લહર પકડી હતી
કોક પંખી થઈ અચાનક હું ઊડ્યો ઊંચે કશે
રોમરોમે એકસાથે પાંખ કૈં ફફડી હતી
– યોગેશ જોષી
ચેતનાની ક્ષણનું છ અલગ અલગ રીતે વર્ણન.
મને તો છેલ્લેથી બીજા શેરનું વર્ણન સૌથી વધારે ગમ્યું. તમને કયું વર્ણન વધારે ગમ્યું ?
Permalink
May 7, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગીત, યોગેશ જોષી
આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !
હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…
આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…
લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…
– યોગેશ જોષી
ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !
Permalink
January 10, 2006 at 5:37 PM by ધવલ · Filed under મુક્તક, યોગેશ જોષી
તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.
– યોગેશ જોષી
Permalink