આજ તો એવું થાય – દેવજી રા. મોઢા
આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય:
વનરાવનને મારગ મને….
મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય:
વનરાવનને મારગ મને…..
બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય?
વનરાવનને મારગ મને…..
અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય!
વનરાવનને મારગ મને……
નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય….
– દેવજી રા. મોઢા
ગુજરાતી ગીતોનો બહુ મોટો હિસ્સો કૃષ્ણપ્રેમની આરતનો છે. સોળ શણગાર સજીને વનરાવનને મારગ નીકળેલી ગોપીને મનમાં ‘માધવ મળી જાય તો કેવું સારું’ના કોડ જાગ્યા છે. જીવ પ્રતીક્ષારત્ હોવાથી રોજિંદી વાટ પણ હવે લાંબી લાગે છે અને પગ ચાલતાં હોવા છતાં થંભી ગયા હોવાનું પ્રતીત થાય છે. સૃષ્ટિ પણ ચામરઢોળ કરતી હોય એમ લાડ લડાવે છે. સૂકાં પાન ખખડે એમાંય વાંસળીવાદનનો ભાસ થાય છે. ચિત્તના ચાતકને કેવળ માધવનો મેઘ જ તુષ્ટ કરી શકે એમ છે. અને માધવ જો મળી જાય તો એને લઈને આજે તો એવા આકાશમાં ઊડી જવું છે, જ્યાં વિરહનો વાયરો કદી વાય જ નહીં! પંક્તિએ-પંક્તિએ વર્ણસગાઈ, ચુસ્ત પ્રાસાવલિ, પ્રવાહી લય અને સુઘડ રજૂઆતના કારણે ગીત તરત જ હૈયે ઘર કરી જાય છે.