અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

આજ તો એવું થાય – દેવજી રા. મોઢા

આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!

સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય:
વનરાવનને મારગ મને….

મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય:
વનરાવનને મારગ મને…..

બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય?
વનરાવનને મારગ મને…..

અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય!
વનરાવનને મારગ મને……

નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય:
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય….

– દેવજી રા. મોઢા

ગુજરાતી ગીતોનો બહુ મોટો હિસ્સો કૃષ્ણપ્રેમની આરતનો છે. સોળ શણગાર સજીને વનરાવનને મારગ નીકળેલી ગોપીને મનમાં ‘માધવ મળી જાય તો કેવું સારું’ના કોડ જાગ્યા છે. જીવ પ્રતીક્ષારત્ હોવાથી રોજિંદી વાટ પણ હવે લાંબી લાગે છે અને પગ ચાલતાં હોવા છતાં થંભી ગયા હોવાનું પ્રતીત થાય છે. સૃષ્ટિ પણ ચામરઢોળ કરતી હોય એમ લાડ લડાવે છે. સૂકાં પાન ખખડે એમાંય વાંસળીવાદનનો ભાસ થાય છે. ચિત્તના ચાતકને કેવળ માધવનો મેઘ જ તુષ્ટ કરી શકે એમ છે. અને માધવ જો મળી જાય તો એને લઈને આજે તો એવા આકાશમાં ઊડી જવું છે, જ્યાં વિરહનો વાયરો કદી વાય જ નહીં! પંક્તિએ-પંક્તિએ વર્ણસગાઈ, ચુસ્ત પ્રાસાવલિ, પ્રવાહી લય અને સુઘડ રજૂઆતના કારણે ગીત તરત જ હૈયે ઘર કરી જાય છે.

7 Comments »

  1. Jayant Dangodara said,

    November 30, 2023 @ 12:07 PM

    કૃષ્ણપ્રીતિનું મનોહર ગીત

  2. બાબુ સંગાડા said,

    November 30, 2023 @ 1:58 PM

    ખૂબ સુંદર ગીત અને આપનો કરેલ આસ્વાદ ખૂબ સુંદર ગીતના પેટાળ સુધી પહોંચી કરેલ તે દેખીતી આંખે જોવા મળે છે

  3. પૂજ્ય બાપુ said,

    November 30, 2023 @ 7:36 PM

    વાહ ખૂબ મજાનું ગીત

  4. Parbatkumar nayi said,

    November 30, 2023 @ 7:54 PM

    વાહ
    મજાનું કૃષ્ણ ગીત
    બેઉ બાજુથી ઝાડ ઝૂકીને કરતાં

  5. Dr.Bhuma Vashi said,

    December 2, 2023 @ 6:17 AM

    ખૂબ સુંદર મનોભાવોને અભિવ્યક્ત કરતું અતિ મનમોહક ગીત..
    સુંદર આસ્વાદ. ખૂબ ગમ્યું.

  6. વિવેક said,

    December 2, 2023 @ 11:31 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  7. Poonam said,

    December 15, 2023 @ 12:41 PM

    નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
    ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
    – દેવજી રા. મોઢા – Bahoot khoob !

    Sundar Aaswad sir ji.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment