કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના
– સંજુ વાળા

જાગવું – પારુલ ખખ્ખર

“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,

જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય

ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.

જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય

નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય

હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય

થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય

-પારુલ ખખ્ખર

*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત

લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલ માણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.

7 Comments »

  1. બાબુ સંગાડા said,

    January 27, 2024 @ 11:40 AM

    ખૂબ સુંદર રચના અને આસ્વાદ ગમ્યો

  2. રિયાઝ લાંગડા (મહુવા). said,

    January 27, 2024 @ 12:49 PM

    વાહહ….

  3. vinod manek chatak said,

    January 27, 2024 @ 1:33 PM

    ખૂબજ સરસ જગાડનાર રચના..

  4. પારુલ ભટ્ટ said,

    January 27, 2024 @ 2:03 PM

    વાહ અને વાહ…

  5. વનરાજસિંહ સોલંકી said,

    January 27, 2024 @ 5:06 PM

    વાહ,
    રવાનુંકારી શબ્દોનો સભાનપણે ઉપયોગ લયની સાથે સાથે ભાવ ને પણ પકડી રાખે છે . ખૂબ સરસ

  6. Poonam said,

    February 2, 2024 @ 12:31 PM

    જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય
    – પારુલ ખખ્ખર – Sanatan Satya…

    Aaswad swadisth sir ji 🙏🏻

  7. રશ્મિ અગ્નિહોત્રી said,

    March 2, 2024 @ 1:09 PM

    વાહ વાહ ને વાહ… કયા બાત ❤️

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment