કાગડો – રમેશ પારેખ
એક ધીખતી બપોર લઈ
કોઈ એક કાગડાનું રણ માથે થાવું પસાર
ઉપરોક્ત કાગડાના તરસ્યા મસ્તકમાંથી
સઘળા વિચાર ખરી ચૂક્યા છે
કૂંજાની, પાણીની, કાંકરાની, કાગડાની
વારતા ને સાર ખરી ચૂક્યાં છે
એટલે કે કાગડામાં
બાકી કશું જ નહીં ખરવાનું રણની મોઝાર
પડછાયો હતો તેય રેતીમાં પડી ગયો
વધ્યો હવે ફક્ત શુદ્ધ કાગડો
કાગડાપણું તો એમ ઓગળ્યું બપોરમાં કે
પાણીમાં મીઠાનો ગાંગડો
કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર.
– રમેશ પારેખ
ગુજરાતી કવિતાને ર.પા.એ જેટલાં અછો અછો વાનાં કર્યાં છે એટલાં બહુ ઓછા કવિઓએ કર્યાં હશે. વાત ખાલી એટલી જ છે કે એક કાગળો બળતી બપોરે રણ પરથી પસાર થઈ રહ્યો છે. પણ ખરી મજા ‘ઉપરોક્ત’, અને ‘એટલે કે’ની છે. ગીતની બોલાશ બહારની વ્યવહારની ચલણી ભાષા કવિએ ગીતમાં આબાદ ગૂંથી બતાવી છે. વળી, કાગડાને તરસ્યો કહેવાના સ્થાને કવિએ એના મસ્તકને તરસ્યું કહ્યું છે. ઈસપની તરસ્યા ચતુર કાગડાની કથાને પણ કવિએ ગીતમાં ચતુરાઈપૂર્વક સાંકળી લીધી છે. તરસ હદપાર થાય ત્યારે વિચારશક્તિની પણ સીમા આવી જાય છે. પાણીની શોધ સિવાય કશું એ ક્ષણે જીવનમાં બચતું નથી. મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળીને લુપ્ત થઈ જાય એ રીતે છેવટે કાગડાનું અસ્તિત્ત્વ મટી જવાની વાતમાં શુદ્ધ કાવ્યરસ અનુભવાય છે. આખી વાતને સર્જનપ્રક્રિયા સાથે પણ સાંકળી શકાય. જ્યાં સુધી આપણું મન ઈસપની વાર્તા જેવા જૂના સંસ્કારોથી મુક્ત થઈ શકતું નથી, જ્યાં સુધી આપણી સિસૃક્ષા પરાકાષ્ઠાએ પહોંચતી નથી, જ્યાં સુધી આપણે સ્વયંની ઇમેજ-છાયાથી મુક્ત થઈ શકતા નથી, જ્યાં સુધી આપણે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળે એ હદે અનુભૂતિમાં ઓગળી શકતા નથી, ત્યાં સુધી શુદ્ધ કવિતા બનતી નથી. કેવી સ-રસ વાત!
pragnajuvyas said,
October 20, 2023 @ 6:16 AM
હ્રુ કવિશ્રી રપાના સુંદર ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
શહેરમાં કદાચ એ દેખાતા ઓછા થઈ ગયા છે એટલે કવિતામાં પણ નથી દેખાતા,
ઘરે કોઈના આવવાની એંધાણી કાગડાના આવવાથી થાય છે . સડક પર મૃત માણસ જોવા છતાં કંઈ સંવેદના કે દુઃખની લાગણી ના થાય તો કાગડો મરી જાય તો તો ક્યાંથી થાય? જો રમેશ પારેખ હો તો જ આવું કંઇ થાય!
કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર.આવા સુંદર ગીતનો ગુજરાતી ન જાણનારને માટે પ્રદીપજીએ ભાષાંતર કર્યું છે.
The Crow Died – Ramesh Parekh
Plumb in the middle of the road the crow expired.
Such an outrageous incident; yes, the crow died.
Lodged itself in such a way that our sight would
keep stumbling on its black body; the crow died.
Did this crow depart – or its crowness?
Prove what you can; the crow died.
Did the crow wing away from its crow guise?
Conjecture what you will; the crow died.
Why did it perch on the electric cable?
Its recklessness cost it dear; the crow died.
Who seized its words, giving voice in return?
Cawed and cawed all the time; the crow died.
What was it seeking, messing up carcasses?
Carried all the suspense away with it; the crow died.
Well, its program of being a crow is over.
Now sing this national anthem: ‘The crow died’…
Ramesh, don’t you caw noisily like the crow….
You stop…stop…stop…now; the crow died!
Translator: Pradip N. Khandwalla
એ માન્યતા પર સૈફ પાલનપુરી એક અદભૂત શેર આપે છે. કદાચ શહેરમાં કાગડા ઓછા થવાની સાથે ઘરે આવતા મહેમાનો પણ ઘટી ગયા છે!!
ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.
રિયાઝ લાંગડા (મહુવા). said,
October 27, 2023 @ 11:17 AM
વાહ…સુંદર કવિતા અને આસ્વાદ
Poonam said,
November 17, 2023 @ 12:09 PM
કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર. Adbhut !
– રમેશ પારેખ –
Aaswad 👌🏻