ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

કુંજડી સૂતી – વિનોદ જોશી

કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;

આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.

– વિનોદ જોશી

વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…

રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.

2 Comments »

  1. યોગેશ said,

    February 14, 2024 @ 9:59 PM

    લાગણીને ઘણી નાજુકાઈથી વણી…. 🌹

  2. ધૃતિ મોદી said,

    February 15, 2024 @ 4:17 AM

    સરસ રચના !

    કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
    રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

    આ પંક્તિ લાજવાબ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment