તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

(ચાંદાનાં અજવાળાં) – ભરત ખેની

ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં,
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

ખોવાણી રાત આખી એના અણસારમાં તો
.                              પાંપણ પ૨ ઊગ્યા ઉજાગરા
ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે
.                              રહ્યા ન શ્વાસો કહ્યાગરા.
અષાઢી નેવાંની જેમ જ એ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

સાતમથી સાત ધાન છાબડીમાં વાવ્યાં
.                              અને હૈયામાં ઊગ્યા જુવારા
આંગળીઓ પાંચ મારી કંકુમાં ઓળઘોળ
.                              અદકા આ ઓરતા કુંવારા.
ગુંજે શરણાઈ મારા મનડા મોઝાર અને જાંગીડા ઢોલ કાંઈ વાગ્યા
.            ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

– ભરત ખેની

મનનો માણીગર મેળવવા માટે કુંવારી કોડીલી કન્યાઓ અલૂણાનું વ્રત કરી ગોરમાને પૂજે છે. આંખોથી ટપકતાં ખારાં આંસુ હોઠે અડતાં અલૂણાનું વ્રત ભાંગવાની વાત સ્પર્શી જાય છે.

https://youtu.be/WipPr9XfkGM?si=3d98uu28fmrU1emy

 

6 Comments »

  1. Pragnaju said,

    November 11, 2023 @ 3:20 AM

    કેન્દ્રીય સાહિત્ય અકાદમીના યુવા પ્રતિભા પુરસ્કારથી સન્માન થયું છે તેવા ભરત ખેનીનું મધુરું ગીત
    ડૉ વિવેકનો ટૂકો પણ મધુરો આસ્વાદ
    ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે
    . રહ્યા ન શ્વાસો કહ્યાગરા.
    અષાઢી નેવાંની જેમ જ એ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા
    . ગોરમાની પાસે મેં રાત’ દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.
    વાહ
    મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી- મીઠી યાદો, થોડી કડવાશ આ બધા સ્વાદ મળીને બનતી વાનગી એટલે જિંદગી

  2. Vimal Agravat said,

    November 15, 2023 @ 11:50 AM

    વાહહહ ભરતભાઇ, ખૂબ સરસ ગીત

  3. jitendra Bharti said,

    November 15, 2023 @ 1:02 PM

    વાહ ભરતભાઈ, અનિર્વચનિય લાગણીનું ગીત. આવાં ગીતો ઘણા લખાય છે પણ મોટા ભાગનાં કવિઓ હજી ર.પા. ની લઢણ માં છાતીએ મોતલા ટહુકાવ્યે રાખે છે ત્યારે તમે અલગ જ પ્રતિકો અને કલ્પનો વાપર્યા એ તમારી નવિનતમ અભિવ્યક્તિ ની તાજગી છે. ખુબ ખુબ અભિનંદન.

  4. Jitendra bhaaratee said,

    November 15, 2023 @ 1:04 PM

    * સુધારો – ‘છાતીએ મોરલા’

  5. Poonam said,

    November 17, 2023 @ 9:38 AM

    અને હૈયામાં ઊગ્યા જુવારા… આઅહા !
    – ભરત ખેની –

  6. Lata Hirani said,

    November 21, 2023 @ 6:06 PM

    કોડભરી કન્યાના ગીત કવિઓની કલમે અદભૂત આલેખાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment