સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
ગૌરાંગ ઠાકર

અંધારું લ્યો… – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
.             અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
.             અંધારું લ્યો…

કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
.             અંધારું લ્યો…
અમે તો આંગણમાં ઓરાવ્યું રે
.             અંધારું લ્યો,
.                       ઊંટ ભરીને.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યાં આભને કોડ –
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
.             અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
.             અંધારું લ્યો…
.                       ઊંટ ભરીને.

– રાજેન્દ્ર શુકલ

કેટલાક શબ્દ એની સાથે સુનિશ્ચિત વાતાવરણ લીધા વિના સન્મુખ થતા નથી. ‘ઊંટ’ આવો જ એક શબ્દ છે. ‘ઊંટ’ શબ્દ કાને પડતાવેંત નજર સામે અફાટ-અસીમ રણ આવ્યા વિના નહીં રહે. અહીં આપણી સમક્ષ ઊંટ અંધારું ભરીને આવ્યું છે. આપણે સહુ અજવાળાંનાં પૂજારી છીએ. પણ હકીકત એ છે કે અંધકાર શાશ્વત છે. પ્રકાશ તો કેવળ અનંત અંધારામાં પાડવામાં આવેલું નાનકડું બાકોરું માત્ર છે. નવ મહિના અંધકારના ગર્ભમાં રહ્યા બાદ જ જીવનની શરૂઆત થાય છે, એ જ રીતે અનુભૂતિના અંધારા ગર્ભમાં સેવાયા બાદ જ સર્જનનો ઝબકાર પ્રગટે છે. સાચો સર્જક જ અંધારાનો મહિમા કરી શકે. એટલે જ કવિ અજવાળાંનું નહીં, અંધારાનું ગીત લઈ આવ્યા છે.

પોઠ ભરીને અંધારું લઈને ઊંટ આવ્યું છે પણ કવિ એકલપંડે એનો લાભ લેવા માંગતા નથી. ‘ગમતાંના ગુલાલ’ના ન્યાયે કવિ તો અંધારું ‘લ્યો’ના પોકાર સાથે આપણને સહુને આ ખજાનાનો લાભ લેવા આમંત્રણ આપે છે. ગમતી વસ્તુ લેવા માટેના સહુના કારણ તો અલગ જ હોવાના. કોઈ અંધારું આંખમાં આંજવા માટે લેશે, મતલબ એને સ્વપ્નોની ઇચ્છા હશે. કોઈ ઝાંખ માંજવા લેશે. અજવાળું હોય તો ઝાંખું દેખાવાની કમજોરી છતી થશે, પણ આંખમાં અંધારું માંજી લ્યો, પછી ઝાંખપ વળી શેની? અંધારું ઊંચનીચના ભેદ રાખતું નથી. એ બધાને એકસમાન ભાવે રંગી દે છે. ભેદભાવ સર્જવાનું કામ કેવળ પ્રકાશનું. કવિ અંધારું ઘરમાં નહીં, ઉંબરે ઉતારાવે છે અને આંગણમાં ઓરાવે છે, જેથી તમામ ઇચ્છુક વ્યક્તિ નિઃસંકોચ એનો લાભ લઈ શકે.

ઓરાવેલું અંધારું છોડ થઈને ઊગે છે, પણ છોડ તે કેવો! ઠેઠ આભને અડે એવો! અંધારાનો છોડ તો આભને અડે જ છે, એના કોડ પણ આભને અડે એવા છે. ભલે પોઠ ભરીને આવ્યું હોય કે આભને આંબ્યું હોય, એની મજા તો હળુહળુ માણવામાં જ છે. મુઠ્ઠીભરી ભરીને એને સવાર પડે ત્યાં સુધી મમળાવતાં રહીએ, કારણ આ અંધારું ભાવે એવું છે.

6 Comments »

  1. Jigisha Desai said,

    September 8, 2023 @ 8:20 AM

    Vahhh…khubsaras andharu

  2. Bharati gada said,

    September 8, 2023 @ 11:54 AM

    મારા ગમતાં કવિનું ખૂબ સુંદર મજાનું ગીત , સુંદર મજાના આસ્વાદ સાથે

  3. Pragnaju said,

    September 8, 2023 @ 8:10 PM

    કવિશ્રી રાજેન્દ્ર શુક્લનુ અંધકારને ઉજાસમાં પલટાવી નાખતું જીવનની કાલિમા વિશે જોવા મળતા જૂજ કાવ્યોમાંનું એક.
    ડો વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ
    રાત્રીના આભમાં છવાયેલ અસીમ અંધકાર જાણે આભને અડીને ઉભો છે અને કવિના આંગણાને પણ આવરીને બેઠો છે. અંધકારમાં પણ સૌંદર્ય છે એ વાતનું સમર્થન કરવા માટે કવિ નેત્રોનું તેજ અને સૌંદર્ય વધારવા માટે વપરાતા આંજણ અને ઝાંખા પડી ગયેલાં પાત્રોને માંજવા માટે વપરાતી કાળી રાખ્યાના દૃષ્ટાંતો આપે છે. આમ જોઈએ તો અંતરમાં અંધકાર છવાયેલો છે એ હકીકતની અનુભૂતિ અને સ્વીકૃતિ કરીએ ત્યારે જ પછી અંતર્મુખ થઈને ઉજાસ તરફ પ્રયાણ કરવાની પ્રેરણા જીવને પ્રાપ્ત થાય છે-
    અસતો મા સદ્‍ગમય તમસો મા જ્યોતિર્ગમય ।
    મૃત્યોર્મામૃતં ગમય ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥
    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
    ખુબ સુંદર અને માર્મિક કાવ્ય જે થોડામાં ઘણું જ કહી જાય છે.
    અજવાળું થાય ત્યાં સુધી અંધકાર ગમે છે અને પછી બધે પ્રકાશ જ પ્રકાશ પથરાઈ જાય છે.
    અન્ધકારનુ કાવ્ય વાચીને ગો.મા. ત્રિપાઠીના “સરસ્વતીચન્દ્રનુ” અન્ધારી રાતનુ વર્ણન આખ સામે ખડુ થઈ ગયુ.
    તે નહી દેખું, નહીં શુણું, રજનિ જ્યાં રૂપ ૫ધારે;
    ઝમ રજનિ ઘુંધટ ઉઘાડ! નીરખવા તને ચિત્ત લલચાચે.
    વાહ! કેવું અદભૂત કથન!
    કવિશ્રીના પહેલા કાવ્યસંગ્રહ ‘કોમલ-રિષભ’ ની પહેલી કૃતિ. સામાન્ય વાચકને ગોથું ખવડાવી દે એવા આ કાવ્યને પામવા માટે કવિશ્રી સુરેશ દલાલનો આસ્વાદ ઉપયોગી બની શકે.એ જમાનામાં આ કાવ્યનું વિવેચન અને એના પ્રતિભાવ રૂપે કવિના બીજા કાવ્યસંગ્રહ અંતર-ગાંધારની વલ્લીઓનો પણ એક મજાનો ઈતિહાસ છે. આધુનિક ગુજરાતી ગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન લેખની પૂરતી સામગ્રી આ કાવ્યની આસપાસ પડેલી છે.

  4. preetam lakhlani said,

    September 12, 2023 @ 6:32 AM

    આવું અદભૂત ગીત મેં ભાગ્યે જ કોઈ એકાદ જગ્યાએ વાંચ્યું હશે. ગુજરાતી સાહિત્યનું આ ભાગ્ય છે કે આવુ સરસ ગીત આપણને મળે છે

  5. લલિત ત્રિવેદી said,

    September 15, 2023 @ 11:14 PM

    સરસ આસ્વાદ. અને શ્રી pragnaju હંમેશ રસતરબોળ કરાવે છે…

  6. Poonam said,

    September 26, 2023 @ 11:30 AM

    કોઈ લિયે આંજવા આંખ,
    કોઈ લિયે માંજવા ઝાંખ;
    અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે.
    અંધારું લ્યો…
    – રાજેન્દ્ર શુકલ – waah !

    Aaswad 👍🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment