ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
.              ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં

યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
૨મે તરવરે સચરાચરમાં;
ધરી સૂર્યનું તિલક પાર્વતી
.                                                 સજે પુષ્પ કાનનમાં.   0ખળખળ વહેતાં.

શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં.
વરસ્યા બારે મેઘ ઝળૂબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
.                                                    લાસ્ય ચગે ત્રિભુવનમાં.  0ખળખળ વહેતાં.

– રઘુવીર ચૌધરી

રચનાની નીચે સર્જકનું નામ લખવાનું રહી ગયું હોય તોય તરત જ ખ્યાલ આવી જાય કે આ રચના કોઈ સિદ્ધહસ્ત કવિની કલમનું સર્જન જ હોવી ઘટે. વળી, ગીતનો લય પણ એવો તો મજબૂત અને પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીતનું પઠન કરવું સંભવ જ બનતું નથી. સૃષ્ટિના સર્વપ્રથમ નૃત્યનો સંદર્ભ સાચવીને રચના કરાઈ છે. આખી સૃષ્ટિ નિદ્રાગ્રસ્ત છે, કેવળ પવન વાઈ રહ્યો છે અને પવનમાં હાલતાં વૃક્ષોની મર્મરને લઈને તેઓ ખળખળ વહેતાં હોવાનો ભાસ થાય છે.

યુગયુગોથી શંકર તપમગ્ન છે. સૃષ્ટિનો કોઈ પ્રકારનો સંચાર એમને સ્પર્શી શકતો નથી. આમ તો કાન સાંભળવાનું કામ કરે, પણ કવિએ તો કર્ણમૂલ બંધ છે એમ કહેવાથી આગળ વધીને એને અવાચક પણ કહ્યાં છે. એમના કાન એ હદે બંધ છે કે એમની ચેતનાને લગરિક પણ ખલેલ પહોંચે એવી એકેય વાતને એ વાચા આપતા નથી. પણ આજે યુગોથી બંધ દ્વાર ખુલી રહ્યાં છે. જાહ્નવી મુક્તિનો આનંદ માણી રહી છે. કારણ? તો કે પાર્વતી શણગાર સજી રહ્યાં છે. અને આ શણગાર પણ જોવા જેવો છે. કપાળે તો સાક્ષાત્ સૂર્યનું તેજસ્વી તિલક કરે છે પણ સજે છે પુષ્પો વડે. ઓજસ્વિતા અને નાજુકાઈ, શાશ્વત અને નશ્વર –ઉભયનો સમન્વય એમના સૌંદર્યને વધુ ઓપ બક્ષે છે એમ નથી લાગતું?

એકએક શિલાઓના એકએક છિદ્ર સુવાસિત થયાં જણાય છે, ધરાના કણેકણ શ્વાસ લઈ રહ્યાં છે, અર્થાત્ સૃષ્ટિ સમસ્ત જીવંત થઈ ઊઠી છે. બારે મેઘ વરસી રહ્યાં છે અને રણમાં દેવતરુ ઊગી રહ્યાં છે. કવિએ અહીં તાંડવ અને લાસ્યની વાત કરી છે. લાસ્ય નૃત્ય એટલે પ્રેમક્રીડાઓ નિર્દેશતું લાવણ્યમય નૃત્ય, શિવે જે કર્યું એ તાંડવ પણ શિવને પામવા પાર્વતીએ જે નૃત્ય કર્યું એ લાસ્ય તરીકે ઓળખાયું.  અને આજે આ ઘડીએ પાર્વતીનું લાસ્યનૃત્ય ત્રિભુવન આખામાં શિવના તાંડવથીય ઘણું વધારે મનોહર ભાસે છે.

7 Comments »

  1. Varsha L Prajapati said,

    November 17, 2023 @ 11:19 AM

    ખૂબ સરસ ભાવવર્ણન. શિવ-પાર્વતીના તાંડવ અને લાસ્ય નૃત્યની પ્રતીકાત્મક અભિવ્યક્તિ સૃષ્ટિના સર્જન પરેનો ઉદ્દેશ પણ દર્શાવે છે.

  2. બાબુ સંગાડા said,

    November 17, 2023 @ 11:20 AM

    આપને ખૂબ સુંદર આસ્વાદ રઘુવીર ચૌધરીની કવિતા”વહેતા વુૂક્ષ પવનમાં કર્યો છે.
    કવિની વાત ,વિચારને સમજી તેના કવિતાતત્વને પામવાનો આપનો અનોખો અંદાજ
    અહીં છતો થાય છે. ખૂબ ખૂબ અભિનંદન

  3. PRAVIN SHAH said,

    November 17, 2023 @ 5:01 PM

    વાહ ! વાહ અને વાહ | વિવેકભાઇ !
    ખૂબ સરસ આસ્વાદ . તેનાથી કાવ્ય બરાબર સમજાયુ અને માણ્યુ !
    મઝા આવી ગઈ !

  4. Jigisha Desai said,

    November 17, 2023 @ 7:37 PM

    વાહ….અતિસુંદર

  5. pragnaju said,

    November 18, 2023 @ 6:27 AM

    – કવિશ્રી રગુવીર ચૌધરીનુ અદ્બુત ગીત
    તાંડવની સ્થિર મુદ્રા આજે
    .લાસ્ય ચગે ત્રિભુવનમાં. 0ખળખળ વહેતાં.
    વાહ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  6. Lata Hirani said,

    November 21, 2023 @ 6:03 PM

    ગીતનો લય તાણી જાય એવો અને કવિતા આંખ સામે દૃશ્ય ખડું કરી દે છે…. વાહ…

  7. DILIPKUMAR CHAVDA said,

    November 22, 2023 @ 12:50 PM

    અદ્ભુત અદભૂત ને બસ અદભૂત
    રસાસ્વાદ પણ રસ પડે એવો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment