રાખો મારાં વેણ – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
રાખો મારાં વેણ હરિવર! રાખો મારાં વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારાં નેણ
હરિવર! રાખો મારાં વેણ
ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ
કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ
‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…
અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.
Deval said,
January 5, 2024 @ 11:16 AM
સુંદર ગીત, અભિનંદન.
Varsha L Prajapati said,
January 5, 2024 @ 11:21 AM
હીરાની પરખ જેમ ઝવેરીને હોય એવી સૂક્ષ્મદર્શકયંત્ર જેવી આપની કાવ્મપરખ દૃષ્ટિ માટે આપને અને આપની નિષ્ઠાપૂર્વકની સાહિત્યિક પ્રવૃત્તિને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું.😊💐
Varsha L Prajapati said,
January 5, 2024 @ 11:23 AM
હીરાની પરખ જેમ ઝવેરીને હોય એવી સૂક્ષ્મદર્શકયંત્ર જેવી આપની કાવ્યપરખ દૃષ્ટિ માટે આપને અને આપની નિષ્ઠાપૂર્વકની સાહિત્યિક પ્રવૃત્તિને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું.😊💐
કિશોર બારોટ said,
January 5, 2024 @ 1:57 PM
સુંદર ગીત. અભિનંદન. 🌹
Poonam said,
January 11, 2024 @ 11:58 AM
પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે. Bahot ache !
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’