ઝાલર વાગે જૂઠડી – વિનોદ જોશી
ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.
આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.
નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.
ધીમે ધીમે રે નખ ઓગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
– વિનોદ જોશી
વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.
સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.
યોગેશ પંડયા said,
December 25, 2023 @ 12:41 PM
વિનોદભાઈ નું એક અત્યંત મધુર ગીત.કાવ્યનાયિકાના વિધવિધ મનોભાવ ને કવિએ શબ્દની નાઝુક મીનાકારીએ થી ધડયા-આલખ્યાં છે.નાયિકાનું મનોજગત ભાવકને પણ પીડ્યા વગર રહેતું નથી.બહુધા એમના ગીતો વાંચીએ ત્યારે એકવાર નહિ પણ વારંવાર વાંચ્યા પછી પણ એમ જ લાગે કે હજી તૃપ્તિ થઈ જ નથી.
તમે આ ગીતને લયસ્તરો પર મૂકી આપ્યું એ માટે ધન્યવાદ
Parbatkumar Nayi said,
March 8, 2024 @ 4:53 PM
વાહ
ખૂબ ગમતું ગીત