રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
સુધીર પટેલ

પ્રેરણાપુંજ : ૦૮ : એકલો જાને રે! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુવાદ–મહાદેવભાઈ દેસાઈ)

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

  • – રવીન્દ્રનાથ ઠાકુર
    ( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

પ્રેરણાદાયી કાવ્યોની વાત હોય અને આ કાવ્ય ન હોય એમ બને ???
ચીલો ચાતરનારાઓનું તો આ જીવનકાવ્ય કહી શકાય ! કંઈ કેટલીય વખત આ કાવ્યએ હિંમત આપી છે….

2 Comments »

  1. વિવેક said,

    December 12, 2023 @ 7:09 PM

    સાચા અર્થમાં જીવનપાથેય…

  2. Dhaval Shah said,

    December 13, 2023 @ 9:09 PM

    ગુરુદેવના ગીતોનો અનુવાદ આવો થવો જોઈએ. મર્મ અને મીઠાશ બંને સાચવીને અનુવાદ કરવો બહુ વિરલ ઘટના છે. ખબર નહીં કેમ પણ આ ગીત અને મેધાણીનું ‘છેલ્લો કટોરો’ મનમાં એકબીજા સાથે જોડાઈ ગયા છે. બંને હંમેશ સાથે યાદ કરું છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment