કોરા રહેવાનું ગીત – નંદિતા મુનિ
ચારે કાંઠે સ૨વ૨ છલકે
નભ વ૨સાવે ફોરાં,
ગાતી નદીઓ, નાચે દરિયો,
સૌ બોલાવે ઓરા-
ને તોય જીવણજી કોરા.
વાદળ કહે, લે પહે૨ મને,
ને ઝાકળ કહે કે પી,
ઝરણું કહેતું ધરી આંગળી,
રમવા ચાલોજી
ઘર પણ બોલે, નેહે નેવાં
નીતરે જો ને મોરાં-
ને તોય જીવણજી કોરા.
વાત એમ છે, આંસુ દીઠું
એક દિવસ કો’ આંખે,
બસ, તે દિ’થી ભીંજાવાનું
આઘું આઘું રાખે-
પાણી મૂક્યું જીવણજીએ,
ધખધખ ભલે બપોરા-
આ જીવણજી રહે કોરા.
– નંદિતા મુનિ
બધું જ અભરે ભર્યું હોય તોય માલીપામાં ખાલીપાનો અનુભવ કરવો એ આપણી પ્રકૃતિ છે. અભાવનો ભાવ આપણો સહજભાવ છે. આકાશમાંથી બારે મેઘ વરસતા હોય, સરોવર ચારે કાંઠે છલકાતું હોય, નદીનાળાં ઉભરાતાં હોય, દરિયો હિલ્લોળા લેતો હોય અને સૌ વળી નેહભીનાં નિમંત્રણ પણ પાઠવતાં હોય તોય આપણે કોરાના કોરા જ રહીએ એ બનવાજોગ છે. ઘરનાં નેવાં સુદ્ધાં નેહથી નિતરતાં હોય પણ આતમરામ સમષ્ટિના રંગે ભીંજાવા તૈયાર જ ન હોય એવી મનોસ્થિતિનું આકલન કવયિત્રીએ એટલા સરળ શબ્દો અને સહજ બાનીમાં કર્યું છે કે ગીત ગણગણતાં આપણને પણ ક્યારેક-ક્યાંક-કોઈક કારણોસર સરાબોળ ભીંજાયા ન હોવાનો વસવસો અનુભવાયા વિના નહીં રહે. કાવ્યાંતે કવયિત્રી જો કે સ્વને સર્વથી અળગાં રાખવાનું કારણ આપે છે. કોઈકની આંખે એક દિવસ આંસુ જોવામાં આવ્યું હશે અને કદાચ એ આંસુનું કારણ પોતે હોય અથવા તો એ લહોવામાં સહાયભૂત નહીં થઈ શકાયું હોય એમ બન્યું હોવું જોઈએ… કારણ જે હોય, પણ એ દિવસથી સુખમાં નહાવાનું કથકે ત્યાગ્યું છે. જીવનમાં ગમે એટલો તાપ કેમ ન પડે, પણ આ જીવણજી તો હવે સદાકાળ કોરા જ રહેનાર છે…
નેહા પુરોહિત said,
September 15, 2023 @ 11:50 AM
ખૂબ જ સુંદર ગીત..
preetam lakhlani said,
September 15, 2023 @ 12:06 PM
બધું જ અભરે ભર્યું હોય તોય માલીપામાં ખાલીપાનો અનુભવ કરવો એ આપણી પ્રકૃતિ છે. અભાવનો ભાવ આપણો સહજભાવ છે. કયા બાત હૈ! ડો/કવિ શ્રેી.વિવેકભાઈ…ગીત પણ અદભૂત છે, ખુબ જ ગમ્યું….
Pragnaju said,
September 15, 2023 @ 7:29 PM
નંદિતા મુનિનુ સુંદર ગીત,
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
સૌ બોલાવે ઓરા-
ને તોય જીવણજી કોરા…વિચાર વમળે
સંસ્કૃતમાં ખાલીહાથ વ્યક્તિને ‘રિક્તપાણિ’ કહેવાય છે —‘પાણિ’ એટલે ‘હાથ’, ‘રિક્ત’ એટલે ‘ખાલી’.રિક્તતા આપણા જમાનાનો વ્યાપક અનુભવ છે અને તેથી એ શબ્દનો પ્રયોગ-વિનિયોગ પણ આપણા જમાનામાં કદાચ અપૂર્વપણે થઈ રહ્યો છે. સમસામયિક અથવા આધુનિક સાહિત્યકલામાં ખાલીપો એક સર્વસામાન્ય વિષય છે. માણસના ખાલીપાને કલાકારોએ પ્રકાર પ્રકારે વાચા આપી છે. અને વળી સાહિત્ય કે કલામાં કેન્દ્રસ્થ બનેલા એ ખાલીપાની, એટલે કે એવી શબ્દસ્થ રિક્તતાની પણ આજકાલ ભરપૂર ચર્ચાઓ ચાલે છે. સંભવ છે કે રિક્કતા સાથેની એવી એવી નિસબતોથી આપણે, છેલ્લે, સભરતા સુધી પહોંચી શકીએ.
મીતાબેન રણછોડસિંહ રાઠોડ said,
September 16, 2023 @ 7:42 AM
અદ્ભૂત રચના.
સ-રસ આસ્વાદ કરાવ્યો છે.🙏
Poonam said,
September 26, 2023 @ 11:52 AM
ધખધખ ભલે બપોરા-
આ જીવણજી રહે કોરા.
– નંદિતા મુનિ – 👌🏻
Aaswad 👌🏻