એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી

હૈયાસૂનાં – કેશવ હ. શેઠ

નિર્જન વનવગડે અલી વાદળી!
.                                      જળ શાં ઢોળવાં અમથાં?
.                                      રણે રગદોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
.                                      હૃદય શીદ ખોલવા અમથાં?

ચાતક જળ વણ ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર;
ગર્જન કિંતુ જૂઠડાં; જગ એવુંય નઠોરઃ

છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવા અમથાં?
.                                      જવાહીર ઝબોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
.                                      હૃદય શીદ ખોલવા અમથાં?

સુગન્ધમિઠ્ઠા લીંબડા, રસમાં કડવા ઝેર;
મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ?

ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
.                                      ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શા ખોલવા અમથાં?
.                                      જીવન શીદ રોળવા અમથાં?

મોહ ભીના સંસારમાં, જૂઠા મૃગજળ ઘાટ;
મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટઃ

વિજય કો વાડીને એકાન્ત ફૂલો! શાં ફોરવાં અમથાં?
.                                      દરદ દિલ વ્હોરવા અમથાં?
કહો ક્યાં મળશે વ્હાલો કાન્ત? સ્વજનના સ્નેહનીય કથા?
.                                      અવરની મારે છે શી વ્યથા?

– કેશવ હ. શેઠ

હૃદય વગરના માણસ આગળ પોતાનું હૃદય ખોલવાનો કોઈ અર્થ નથી એ વાત કવિએ પારંપારિક ઢબમાં સદૃષ્ટાંત સમજાવી છે. નિર્જન વનવગડામાં કે રણમાં જઈને વાદળી વરસે તો એ વેડફાટથી વિશેષ કશું નથી. જળ વિના ટળવળતા ચાતકને ઘનઘોર મેઘ આશા તો બહુ બંધાવે છે, પણ મેઘાની આ ગાજવીજ નઘરોળ જુઠ્ઠાણાં સિવાય કંઈ નથી. દુનિયાની આ નઠોરતા કવિ આપણી સમક્ષ છતી કરે છે. અલગ-અલગ દાખલા દઈને કવિ પોતાની વાતને પુષ્ટિ આપીને ગીતનો સુમધુર પોત આપ્યું છે.

પ્રસ્તુત રચના મિશ્રલયના ગીતનું સરસ ઉદાહરણ છે. ગીતનું મુખડું અને પ્રથમ બંધ જુઓ. ગીતના ઉપાડનો લય ‘અમથાં’થી અંત થતી ટૂંકી કડીઓના લયથી અલગ છે એ વાત તરત જ સમજાય છે. લાંબી પંક્તિઓમાં પણ લયના આ રીતે જ બે વિભાગ પડી જાય છે. ‘એવાં હૈયાસૂનાં સમીપ’નો લય ગીતના ઉપાડની સાથે વહે છે, જ્યારે ‘વીતક શાં બોલવાં અમથાં?’નો લયહિલ્લોળ ટૂંકી કડીઓના લય સાથે તાલ પૂરાવે છે. તદુપરાંત ગીતમાં ત્રણેય બંધમાં કવિએ દોહરા છંદ પ્રયોજ્યો છે. રચનામધ્યે આવતા દોહા કે અન્ય માત્રિક છંદમાં લખાયેલ બે પંક્તિના આવા બંધને સાખી પણ કહેવાય છે. એનો ઢાળ રચનાના મૂળ ઢાળથી અલગ અને બહુધા વિલંબિત લયવાળો હોય છે. મધ્યયુગીન ભજન પરંપરામાં જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિની આવી સાખી સામાન્ય રીતે ભજનના પ્રારંભે આવતી, જે રચનાની પૂર્વભૂમિકા બાંધવામાં સહાયક બનતી. પ્રાચીન સંસ્કૃત કે ગુજરાતી પદ્યકૃતિઓમાં પણ સર્જક પોતાના વિચાર કે મતને અનુમોદન આપવા માટે વચ્ચે વચ્ચે સાક્ષી-શ્લોક ઉમેરતાં. સમય જતાં ‘સાક્ષી’માંથી ‘સાખી’ એમ અપભ્રંશ થયો. ન્હાનાલાલ જેવા કવિઓએ સાખી માટે અક્ષરમેળ છંદ પણ ઉપયોગમાં લીધા છે.

4 Comments »

  1. કિશોર બારોટ said,

    November 22, 2023 @ 12:35 PM

    વિવિધ લયનું સગુંફન ગમ્યું.

  2. બાબુ સંગાડા said,

    November 22, 2023 @ 12:52 PM

    કવિતાનો આસ્વાદ ખૂબ સુંદર રીતે કર્યો…મૂળતો કવિતાને
    સરસ રીતે સમજવું એજ ખૂબ મહત્વનું છે જે આપણે સુંદર રીતે રસદર્શન કરાવ્યું

  3. PRAVIN SHAH said,

    November 22, 2023 @ 2:07 PM

    કવિતા અને એનો રસાસ્વાદ -બન્ને ખૂબ સુન્દર !

  4. Mehul Oza said,

    November 22, 2023 @ 6:46 PM

    વાહહ ખૂબ જ સુંદર કાવ્ય. શુભેચ્છાઓ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment