દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિશા નાણાવટી ‘નિશિ’

નિશા નાણાવટી ‘નિશિ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(મેલી સઘળી વેઠ) – નિશા નાણાવટી ‘નિશિ’

પળને મેલી, પહોરે મેલ્યા, મેલી સઘળી વેઠ,
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

આંખ્યું ભીની ટાંગી તડકે,
હૈયું નાખ્યું ભડભડ ભડકે;
હોઠ ભીડીને પાડી ચીસો,
સુક્કું રણ છાતીમાં ધડકે,
વ્હાલપની નદીયું ડૂબાડી ખારે સમદર ઠેઠ!
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

દસે દિશાને ભૂંસી નાખી,
મોસમ સઘળી ફૂંકી નાંખી;
રાખ તળે અંગાર સમી સૌ
તરસી સદીઓ થૂંકી નાખી,
ડૂસકાં ડૂમા કચડ્યાં પગને તળિયે સારી પેઠ.
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

– નિશા નાણાવટી ‘નિશિ’

કવિતા એટલે હિમશિલાની ટોચ- દેખાડે એના કરતાં નવ ગણું સપાટી નીચે હોય. બે પ્રિયપાત્રો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. સંબંધવિચ્છેદ થઈ ચૂક્યો છે. શી સમસ્યા છે અને વાત વિચ્છેદ સુધી કેમ પહોંચી એ બાબતમાં કવયિત્રી મૌન છે. પણ એટલું સમજાય છે કે અનેકાનેક કોશિશો બાદ નાયિકાએ હવે સંજોગો સામે ન માત્ર સમાધાન સાધી લીધું છે, પણ કૃતનિશ્ચયીપણું પણ જાહેર કર્યું છે. અઠવાડિયાના સાતે દહાડા ને દિવસના આઠે પહોર અને પળેપળની પ્રતીક્ષાને કાયમી તિલાંજલિ દઈ એણે ઓશીકા હેઠે મેલી દીધી છે. ધ્યાન રહે, ફેંકી નથી દીધી, પણ પોતાના માથાની સાવ નજીક ઓશીકા હેઠે મૂકી રાખી છે. આખરે તો સ્ત્રી છે. એનો મક્કમમાં મક્કમ નકાર કે અહમ પણ પ્રેમ સાંપડતો હોય તો એ જતો કરી શકે છે. પુરુષ આવું ભાગ્યે જ કરી શકે.

આંસુઓ તડકે સૂકવવા નાંખ્યાં છે, હૈયું ફૂંકી નાંખ્યું છે, કોઈ સાંભળી ન શકે એવી ચીસો પાડી છે અને છાતીમાં વેરાન વ્યાપી ચૂક્યું છે. વહાલની મીઠી નદીઓને ખારા આંસુઓના સાગરમાં એવી ડૂબાડી દીધી છે કે હવે ન તો એ નદીઓ ફરી કદી જડશે, કે ન તો એ મીઠાશ પુનઃ સાંપડશે. દિશાઓ કે ઋતુચક્ર –બધાં પોતાના સંદર્ભ ગુમાવી ચૂક્યાં છે. ઉપર ભલે રાખ પથરાયેલી લાગે, પણ તળે તો હજી અંગારા જેવી સદીઓની પ્યાસ અને પીડા ભડભડી રહ્યાં છે. નાયિકાએ જો કે અણગમતી વસ્તુની પેઠે એને થૂંકી દીધી છે. પગ તળે તમામ ડૂસકાં-ડૂમા સારી પેઠે કચડી નાંખ્યા છે. ખબરદાર જો, હવે આંખ ભીની થઈ છે તો!

Comments (4)