તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભૂપેશ અધ્વર્યુ

ભૂપેશ અધ્વર્યુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાયરો અને વાત – ભૂપેશ અધ્વર્યુ

વાયરો તો વ્હૈ જાય રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય,
.              આપણી ગોઠડ આપણી ગોઠે તોય રે કાં રૈ જાય, રે વ્હાલમ,
.                                                                      તોય રે કાં રહૈ જાય?

નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવિંગ છોડે ફૂલ
.              વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
.                                                                      તોય રે ના લેવાય.

પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
.              હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
.                                                                      પાન ગુલાબી થાય.

પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય?
.              પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય ?
વાયરા ભેળું વ્હાલ આવે, ને વાયરા ભેળું જાય,
.              હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ.
.                                                                      પાલવડે છલકાય.

લઈ લે – પાણી-મૂલનો સોદો – સાવ રે સોંઘું જાય
.              કાનની તારી ઝૂકતી કડી સાંભળે રે નૈં કંઈયે જરી એમ
.                          પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.

વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ,
.              વાયરો છો લૈ જાય, રે આપણ બેયને છો વ્હૈ જાય, રે વ્હાલમ,
.                                                                      તોય નહીં રહૈ જાય.

– ભૂપેશ અધ્વર્યુ

(જન્મ: ૦૫ મે ૧૯૫૦, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; નિધન: ૨૧ મે ૧૯૮૨, ગણદેવી, જિ. વલસાડ) ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં ૧૯૭૬માં નોકરી છોડી સ્વતંત્ર સાહિત્ય-લેખન ને ફિલ્મ-દિગ્દર્શનની દિશામાં અભ્યાસ આરંભ્યો. છેલ્લે છેલ્લે તો કલા ને સાહિત્યની સાર્થકતા વિશે પણ શંકા જાગેલી. (લે.: રમણ સોની, સ્રોત: ગુજરાતી વિશ્વકોશ.)

માત્ર બત્રીસ વર્ષની નાની વયે આ આશાસ્પદ સાહિત્યકારનું ગણદેવીની નદીમાં ડૂબી જવાથી અકાળે અવસાન ન થયું હોત તો આપણું સાહિત્ય વધુ સમૃદ્ધ થઈ શક્યું હોત. એમના વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા આમ લખે છે: ‘અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાઓનું ક્લેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે.’ એમનાં ગીતોને શ્રી રમણ સોની ‘વિશિષ્ટ લિરિકલ ઝોક દેખાડતાં અરૂઢ ને નાદસૌંદર્યયુક્ત ગીતો’ તરીકે બિરદાવ્યાં છે.

ઉપરોક્ત રચનાનું ક્લેવર પણ સામાન્ય ગીતોથી સહેજે અલગ તરી આવે છે. વહેતો વાયરો કથક અને એની પ્રેયસી વચ્ચેની અંતરંગ વાતોંનું વહન કેમ નથી કરતો એ વિસ્મય સાથે ગીતનો ઉઘાડ થાય છે. નાગરવેલ ઉપર પાન ફૂટે ને લવિંગના છોડે ફૂલ ફૂટે એમ નાયિકાને યૌવન ખીલ્યું છે. પણ પ્રેમમાં મેળવવાની જનમોજનમ પ્રતીક્ષા કરવાની હોય, નહીં કે હાથ લંબાવીને ગમતું તોડી લેવાનું હોય. આંખોમાં કુમાશ ફૂટે છે અને કંચવામાં સ્તન વિકાસ પામ્યાં છે. ઉભય વચ્ચેની ગોઠડીને ઝીલતાં હોઠ પણ ગુલાબી થઈ ગયા છે. ગીતના પ્રારંભે વાયરો આપણી વાતને કેમ મહત્ત્વ નથી દેતો એ સવાલ હતો, હવે આ પાણીપાતળો પવન બે હૈયાંની વાતને જગજાહેર કરી રહ્યો છે એ સવાલ છે. જમાનાના બજારમાં પ્રેમની કંઈ ખાસ કિંમત નથી. પાણીના દામનો આ સોદો કરી લેવા કથક નાયિકાને આહ્વાન આપે છે. કાનની કડી સુદ્ધાં સાંભળી ન શકે એ તાકીદથી પતાવટ થાય તો ઉત્તમ… પ્રેમમાં ઉર્ધ્વગમનના તબક્કે હવે નાયક આવી ઊભો છે. વાયરો પોતાની વાતો જ નહીં, પોતાને બંનેને પણ સાથે લઈ જાય તોય હવે ફરક પડતો નથી. પ્રેમનો અંતિમ તબક્કો આંતર્વિકાસનો એ તબક્કો છે, જ્યાં જમાનો કે જમાનાની વાતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ખરું ને?

Comments (6)