હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

મધરો મધરો – ‘ચંદ્ર’ ૫રમાર

મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે હું ના માયો રે લોલ
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.

આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ !
ચાંદલામાં મુખડું જોયું રે લોલ..

બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ !
રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.

મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે કૈં ના માયો રે લોલ,
‘આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.’

– ‘ચંદ્ર’ ૫રમાર (રામચંદ્ર પથુભાઈ પરમાર)

ગીત તો કલાલણ, દારૂ વેચનાર સ્ત્રીને સંબોધીને લખાયું છે પણ સમજાય એવી વાત છે કે અહીં આંખોથી શરાબ પાનારની વાત થઈ રહી છે, કારણ આ શરાબ મધુરો છે, કડવો નહીં. મધરો મધરોની દ્વિરુક્તિ શરાબની મીઠાશને અધોરેખિત પણ કરે છે. પ્રણયરસ પીનારને આકાશ પણ નાનું પડેપડે છે. નરસિંહે પણ કહ્યું હતું ને, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ પ્રિયજનના એક નેણઉલાળે નાયકને પોતે ક્યાંનો ક્યાં ફંગોળાઈ ગયા હોવાનું પ્રતીત થાય છે. નાયક આંખે આભ આંજે છે, પાતાળ પગ તળે દાબે છે; સૂરજમાં મોઢું ધુએ છે અને ચાંદામાં જુએ છે. એના બત્રીસે કોઠે દીવા ઝળકી રહ્યા છે અને એનો પ્રકાશ નાયિકાના રૂંવેરૂંવે લળકી રહ્યો છે. પ્રેમનો રંગ રગેરગથી છલકાઈ રહ્યો છે અને નેહનો મેહ વરસતો અનુભવાય છે. છેલ્લા બંધની બે પંક્તિ એ ગીતની પ્રથમ બે પંક્તિની પુનરોક્તિ જ છે પણ કવિએ ‘હું’કાર કાઢીને ‘કૈં’ શબ્દ મૂક્યો છે એ સૂચક છે. અહીં આવીને પ્રેમીનો સ્વ ડૂબી-ઓગળી ગયો છે. એકોક્તિમાં ચાલતા આખા ગીતની છેલ્લી બે પંક્તિ કલાલણના પ્રત્યુત્તરથી સંવાદગીતમાં પરિણમે છે. પ્રેમીને પ્રેમના નશામાં તરબતર કરી દેનાર પ્રેયસીનો ગર્વ છલકાતો સંભળાય છે. એ કહે છે, ભલે તને આખું આકાશ કેમ ઓછું ન પડતું હોય, મેં તો તને મારી બાંધણીની ગાંઠે બાંધી રાખ્યો છે. યે બ્બાત! ઉત્તર ગુજરાતની તળપદી બોલીને લઈને ગીત ઓર મધુરું મધુરું બન્યું છે.

4 Comments »

  1. Rasendra ‘રસેશ’ અધ્વર્યુ said,

    October 12, 2023 @ 3:45 PM

    Excellent poetry, appropriate explanation.

  2. Pragnaju said,

    October 12, 2023 @ 5:49 PM

    કવિશ્રી ચંદ્ર ૫રમારનુ મધુરું ગીતનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
    યાદ આવે
    અરધાનો સીસો આણ્યો છે,
    ને મધરો દારૂ મારો છે.
    ઈ ને લાણે લાણે પાયો છે
    ને મધરો દારૂ મારો છે.
    મારા પગ કેરી કાંબિયું છે. – ને મધરો૦
    ઈ દારૂડામાં ડૂલિયું છે. – ને મધરો૦
    મારી કેડ્ય કેરો ઘાઘરો છે. – ને મધરો૦
    ઈ દારૂડામાં ડૂલ્યો છે. – ને મધરો૦
    મધરો મધરો મેહ!
    મુંને મળ્યું ગગનમાં ગેહ.

  3. Lilaben Patel said,

    October 12, 2023 @ 5:50 PM

    ખૂબ સુંદર રચના

  4. Mayurika Leuva said,

    October 13, 2023 @ 12:33 PM

    સુંદર ગીત. છેલ્લી બે પંક્તિઓ ગીતનું વાતાવરણ જ બદલી નાખે છે.
    આપનો આસ્વાદ રોચક.
    મારા માટે એકદમ અજાણ્યા કવિ. આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment