ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

પગલું માંડું – દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’

હું પગલું માંડું એક,
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.
હું પગલું માંડું એક.

પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,
પથ્થ૨ ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક.
હું પગલું માંડું એક.

કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું, છોને કંટક-કંક૨ વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
હું પગલું માંડું એક.

– દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’

A journey of thousand miles begins with a single step. આ જ વાતની માંડણી કવિએ કેવી સરસ રીતે કરી છે! શ્રદ્ધા વિના મંઝિલે પહોંચવું કપરું. કવિને જે મંઝિલ અભિપ્રેત છે એ જીવનના લક્ષ્ય છે કે પછી ઈશ્વરપ્રાપ્તિ એ વાત અધ્યાહાર છે, પણ અર્થના છેડા છૂટા છોડી દેવાય એ જ તો કવિતાની ખરી મજા છે. ભાવકે ગમતું તારવી લેવાનું. ગતિ ભલે ધીમી હોય પણ નિર્ધાર મક્કમ હોવો ઘટે. પ્રલોભનોના કળણથી બચીને, મુસીબતોના કાંટા-કાંકરા સહીને પણ વિવેક સાબૂત રાખીને આગળ વધવાનું છે. ગતિ અને પ્ર-ગતિ એવાં હોવાં જોઈએ કે मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर लोग साथ आते गए और कारवाँ बनता गया (મજરુહ સુલતાનપુરી) જીવનપ્રવાસની વાસ્તવિકતા બને.

2 Comments »

  1. Pragnaju said,

    November 3, 2023 @ 2:58 AM

    કવિશ્રી દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’નુ સુંદર ગીત
    તેઓના શબ્દમા કહીએ ,’ ઈશ્વરે આપણે માટે કરેલા નિર્માણમાં બહુ દખલ કરવી ન જૉઈએ.કવિતા માનસિક-ઔષધ છે પણ કવિ-વૈધ તે દુ:ખમાંથી પેદા કરે છે ! કવિ એ તેમની પીડામાંથી જ બધું સજર્યું. માનવીને માટે કવિતાનું અમૃતરસપાન પીરસવા કવિઓએ જાણે જાતે પીડાવું અનિવાર્ય છે. એમની પીડામાંથી તે કવિતાનું સર્જન કરે છે, બીજાનાં દુ:ખ માટે એક ઉત્તમ ઔષધ બને છે’.કુદરત પ્રેમીની ખૂબ જાણીતી કબૂતરોનું ઘૂઘૂઘૂ કવિતા.
    અને
    આ સૃષ્ટિનો હું શાહ કવિ!
    નભગંગાને કાંઠે બેસી ગીત, ગગનમાં ગાતો
    તારલીઓનાં નેણ નચવતાં તેજતિમિરમાં નહાતો
    ઘોર નિરાશા-તિમિરો વરચે તેજ આશનો રમ્ય કવિ
    આ સૃષ્ટિનો હું શાહ કવિ…..કવિ ભલે પોતે ગરીબીમાં મરી ગયા પણ ૨૧મી સદીમાં કવિનું જે મૂલ્ય થાય છે તે જૉઈને તેમને થાય કે વહેલા જન્મી ગયા.
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  2. Poonam said,

    November 17, 2023 @ 11:36 AM

    પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક.
    હું પગલું માંડું એક… kya baat !
    – દિનકરરાય ભટ્ટ ‘મીનપિયાસી’ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment