કહેતી ગઈ – પન્ના નાયક
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની, સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
– પન્ના નાયક
આજીવન સાથ નિભાવનાર પ્રિયજનની વિદાયનું ઋજુ સ્ત્રીસહજ સંવેદનનું ગીત. સંસાર તો બંનેનો જ હોય, પણ ભારતીય સ્ત્રી કોઈ વસ્તુ પર ‘મારું’નો સિક્કો મારતાં શીખી જ નથી.. લગ્ન પહેલાં બાપનું ઘર, લગ્ન પછી પતિનું ઘર. એટલે જ ગીતની શરૂઆત ‘આપણા’ નહીં, પણ ‘તારા’ બગીચાથી થાય છે. પતિના બગીચેથી વિદાય લેતાં પહેલાં એ ક્ષણભર રહીને વિખેરાઈ જનાર ટહુકો નહીં, ટહુકાનું પંખી જ દેતી જાય છે. લેવાની તો અહીં કોઈ વાત જ નથી. જતાં જતાં પોતાની યાદોના ટહુકાઓનું પંખી એ મૂકતી જાય છે. નાયિકાનો સંસાર લીલો અને સુગંધભર્યો રહ્યો છે. જન્મજન્માંતરનો ભેદ જાણે કે આ એક જ જન્મમાં ઉકેલાઈ ગયા હોય એવું જીવતર પામીને વાયરાની હળવાશ જેવી હળવી થઈને એ આજે જઈ રહી છે. દિવસ-રાત શું, પળેપળ ફૂલ અને ભ્રમર જેવા સ્નેહપાશની ગાથા જેવાં જ વીત્યાં છે. આવામાં કેટલું ભૂલવું અને કેટલું યાદ કરવું? જતાં પહેલાં જાઉં છું કહેવાની સોનેરી તક મળી એટલામાં જીવતરના સાર્થક્યની વાત કહીને નાયિકા વિદાય લે છે… આટલા સરળ શબ્દોમાં જીવનની સંકુલતા અને સંતોષ તો એક સ્ત્રીની કલમ જ વ્યક્ત કરી શકે!
રિયાઝ લાંગડા (મહુવા). said,
September 30, 2023 @ 12:10 PM
ખૂબ સુંદર ગીત …👌👌
Janki said,
September 30, 2023 @ 12:13 PM
વાહ સરસ ગીત…
Mayurika Leuva said,
September 30, 2023 @ 12:30 PM
બહુ જ સરસ ગીત.
સરળ શબ્દો દ્વારા પણ અસરકારક કવિતા રચી શકાય છે એનું સુંદર ઉદાહરણ.
Jayesh said,
September 30, 2023 @ 8:18 PM
ભાવવાહી ગીત અને એટલું જ સુંદર અર્થઘટન. અમારા જેવા સામાન્ય વાચક ને કોઈ કવિતા કે ગીત બરાબર સમજાઈ શકે
Pragnaju said,
September 30, 2023 @ 9:07 PM
કવયિત્રી પન્ના નાયકનુ લવચીક સંવેદનનું ગીત
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
૨૦૦૪માં તેમના પતિ નિકુલ નાયકનું અવસાન થયું હતું.
તેમના શબ્દોમા
દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.
સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ સજીવન થઈ.
પણ તું માનીશ?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…? પન્ના નાયક
અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે.
યાદ આવે
હરીન્દ્ર દવેની પંકિત …: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે.
રાજેન્દ્ર શાહની પંકિતઓ
આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે
ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે
તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
Yogesh Gadhavi said,
October 3, 2023 @ 9:44 PM
માધુર્યથી તરબોળ ગીત
Poonam said,
October 12, 2023 @ 12:31 PM
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
અને કહેતી ગઈ કે હવે જાઉ છું…
– પન્ના નાયક – waah !
Aaswad mast 👌🏻