એ…હેહેય…હેહેય…,ઝાડ – રમેશ પારેખ
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)
રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.
કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.
વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…
ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.
બાબુ સંગાડા said,
January 4, 2024 @ 10:58 AM
રમેશ પારેખની કવિતા હ્રદયથી નીકળેલો અવાજ છે
તે હ્રદયને અસર કરે છે.
રિયાઝ લાંગડા (મહુવા). said,
January 4, 2024 @ 11:00 AM
મજા આવી ગઈ….😊🙏👍
મયૂર કોલડિયા said,
January 4, 2024 @ 11:05 AM
અદ્ભુત…. અહાહા
Harsha Dave said,
January 4, 2024 @ 11:11 AM
વાહ…. ધન્યવાદ લયસતરો
SHRIDEVI SHAH said,
January 4, 2024 @ 12:19 PM
જાણે રૂંવે રૂંવે ઝાડ ઉગ્યા…. શબ્દો જાણે ફૂલની જેમ મહોર્યા….
Poonam said,
January 4, 2024 @ 6:38 PM
છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા,
– રમેશ પારેખ – Aaha !
Aaswad saras sir ji 😊
Rita trivedi said,
January 5, 2024 @ 8:08 AM
આહાહા!શુ શબ્દો ની ચુસ્તી. ને શબ્દ તથા ભાવ નુ સાયુજ્ય.મન બાગબાગ થઈ ગયુ
Varsha L Prajapati said,
January 5, 2024 @ 11:27 AM
સરસ મજાની રચના
Barin said,
January 5, 2024 @ 11:46 AM
ખુબ સુંદર કાવ્ય . વાંચતા વાંચતા કયાં તગીઆઈ કયા પહોચી જવાય ! દરિયો , વરસાદ ઘાસ અને મુખ્ય તો ઝાડ નું જાત માં આવવું . ર. પા. ની જય
કિશોર બારોટ said,
January 5, 2024 @ 2:01 PM
રમેશ પારેખ એ ગુજરાતી ગીત કવિતાનો મુગટમણી છે.
હરિહર શુક્લ said,
January 8, 2024 @ 3:52 PM
અદભૂત કવિ, અદભૂત ગીત, અદભૂત આસ્વાદ👌