કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.
આદિલ મન્સૂરી

પ્રેરણાપુંજ : ૦૫ : પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– ન્હાનાલાલ

આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –

ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –

ત્યારે આ કાવ્યનું આ ચરણ હંમેશા હૈયે ગુંજ્યું છે –

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

1 Comment »

  1. વિવેક said,

    December 9, 2023 @ 5:22 PM

    મારા માટેય આ રચના પ્રેરણાપુંજ સમાન છે… જીવનના ઘણા દોરાહાઓ પર આ રચના ડૂબું ડૂબું થતા માહ્યલાને તારવા માટે ખપમાં આવી છે… અડધી ઉપરાંત કવિતા તો આજેય કંઠસ્થ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment