January 19, 2023 at 11:05 AM by વિવેક · Filed under અગન રાજ્યગુરુ, ગઝલ
કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!
જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂંછશે?
એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!
રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?
– ‘અગન’ રાજ્યગુરુ
સરળ પણ હૃદયસ્પર્શી વાત કરતી ગઝલ. જિંદગી દુઃખસાગરમાં એવી તો ગરકાવ થઈ ગઈ છે કે કોઈ પૂછવા ખાતર પણ ખબર-અંતર પૂછી બેસશે તો દિલ વધુ દુઃખનાર છે. ઈર્ષ્યાભાવ પણ આજની દુનિયા પર એવો અજગરભરડો લઈને બેઠો છે, કે પ્રિયપાત્ર પાસેથી કવિ કેવળ તારામૈત્રકની જ અપેક્ષા રાખે છે, કારણ એને સ્મિત આપતાં જોઈ જશે તો ઘણા લોકોને પેટમાં દુઃખશે. કવિની દોલત કોઈ લૂંટી શકવાને સમર્થ નથી એ વાતે ખોંખારતો શેર ઘણો મજાનો થયો છે. સરવાળે આખી રચના આસ્વાદ્ય.
January 12, 2023 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
જેવી તું ઝંખે છે એ ઝળહળ નથી,
મારી પાસે પાણી છે, મૃગજળ નથી.
સાવ મેલું મન લઈ આવી ન જા,
તીર્થ છે આ પર્યટનનું સ્થળ નથી.
ધમપછાડા ટોચ પર ટકવાના છે,
બાકી વધવામાં કશું આગળ નથી.
ડાળ છોડી ફૂલદાનીમાં ગયા,
આજથી તકદીરમાં ઝાકળ નથી.
કેટલા આગળ છીએ એ જોયું નહિ,
એટલું જોયું કે બહુ પાછળ નથી.
– કિરણસિંહ ચૌહાણ
ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બન્યો છે, એનું પ્રમુખ કારણ એ છે કે કેવળ બે પંક્તિની સાંકડી જગ્યામાં એ હૃદયસ્પર્શી વાત મૂકી શકે છે. આ ગઝલ જુઓ: ઝાકમઝોળ આજે આપણી ખરી તૃષા બની ગઈ છે, પણ સાચી તૃષા છીપાવનાર પાણી પાસે તો કેવળ સાદગી જ છે. એક અદભુત મત્લાની બે જ પંક્તિઓમાં કવિ માનવજીવનની કારમી વાસ્તવિકતા સાથે આપણને મુખામુખ કરાવે છે. દૂરથી નજરે ચડતું મૃગજળ રણ કે રસ્તા પરથી સૂર્યપ્રકાશના થતા પરિવર્તનના કારણે ખૂબ ચમકીલું અને આકર્ષક દેખાય છે, પણ એની હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. જીવનભર ખોટી ચમક પાછળ દોડતા લોકોને ડંખ વિનાના ચાબખો મારીને કવિ સ-રસ સાવધાન કરે છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.
December 29, 2022 at 12:03 AM by વિવેક · Filed under કુણાલ શાહ, ગઝલ
કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
સત્યનો ચહેરો સતત બદલાય છે.
દોડતા રસ્તાના પગ લથડ્યા હશે?
કે પછી કિસ્સો અહીં ફંટાય છે?
જે સમજની કૂખથી જન્મી હતી,
એ સમસ્યા પુખ્ત વયની થાય છે.
આપણા સંબંધ કહેવત પર ગયા,
તેર તૂટે એક જ્યાં સંધાય છે.
સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.
– કુણાલ શાહ
સરળ ભાષામાં સીધી વાત. વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. સત્યનો ચહેરો સતત બદલાય છે એ વાત પર જરા ભાર મૂકીને વાંચીએ તો તરત જ સાવ સાદો લાગતો મત્લા કેટલો અર્થગહન છે એનો ખ્યાલ આવે છે. સમસ્યાવાળો શેર પણ ઉત્તમ થયો છે. જીવન (આપણા અને ખાસ તો, સામી વ્યક્તિના)ને જેમ આવે એમ સ્વીકારતાં શીખી લઈએ તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ શમી જાય. કારણ વિના ઘટી ગયેલ ઘટનાની સ્પષ્ટતા કરવા જઈએ એમાંથી જ મહદતર સમસ્યાઓ સર્જાતી હોય છે.
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
* * *
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!
તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!
અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!
હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!
કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!
– શેખાદમ આબુવાલા
રાજકીય રંગની કવિતાઓ આપણે ત્યાં ભાગયે જ રચાય છે. એમાં વળી રાજકીય કવિતાઓના આખા સંગ્રહની તો અપેક્ષા પણ ન રાખી શકાય. આવી સ્થિતિમાં શેખાદમ આબુવાલાએ સિત્તેરના દાયકામાં ‘ખુરશી’ નામે રાજકીય કાવ્યોનો નાનકડો સંગ્રહ કરેલો. સાંપ્રત પરિસ્થિતિને નજરમાં નાખીને કટોકટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલા કાવ્યો લોકોનો ખૂબ પ્રેમ પામ્યા છે. એમાંથી બે – એક મુક્તક અને એક ગઝલ – અહીં લીધા છે.
બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. શેખાદમ – અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું / રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! – એવા ચાબખા જેવા શેર લખે છે.
વ્યંગ અને એમાંય રાજકીય વ્યંગમાં ‘ખુરશી’નું સ્થાન અચળ છે.
જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
*
‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે, કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’
– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ. કોઈ શબ્દ એવો નથી, જેનો અર્થ જોવા શબ્દકોશ ઉઘાડવો પડે, રદીફ-કાફિયા પણ સર્વસામાન્ય છે, પણ ખરી કરામત કાવ્યબાનીમાં છે. દરેક શેર આજની બીબાંઢાળ ગઝલોના ફાલથી અલગ તરી આવે છે. ‘સતી શ્રાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ’ એ કહેવતનો વિનિયોગ કરીને પણ કવિએ કેવો સ-રસ શેર જન્માવ્યો છે! સરવાળે નખશિખ સંતર્પક રચના.
November 30, 2022 at 7:46 PM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.
લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.
જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે.
જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.
કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો.
જે રીતે સંધા-ઉષાના રંગ મોહક હોય છે.
તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.
આમ જનતાના હૃશ્યમાં જઈને લાવે પ્રેરણા, *
હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.
(* સ્વ. મેઘાણી આ મુશાયરામાં પ્રમુખ હતા એમના પ્રતિ ઇશારો છે.)
– ‘ગની‘ દહીંવાળા
મત્લા અને મક્તાએ મન મોહી લીધું…. આજે જ કોઈ મિત્ર સાથે વાત થતી હતી કે જે કોઈપણ કાવ્ય હોય કે ફિલોસોફી હોય – જનસામાન્યને સ્પર્શે જ નહીં, તો એનું શું મૂલ્ય…. ? અમુક રચના જરૂર કઠિન હોઈ શકે,પણ પ્રયત્ન તો એ જ રહેવો જોઇએ કે જનસામાન્ય સુધી કળા/જ્ઞાન પહોંચે….
હોળી, દિવાળી અને ઊતરાણ તો બહાના હતાં,
આપણે તકલીફને પણ ઉજવેલી યાદ છે?
દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?
આપણે નહીં હોઈએ તો સાવ મૂરઝાઈ જતાં,
એ બગીચો, એ જ ખૂણો, એ જ વેલી, યાદ છે?
તારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે…
મારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી, યાદ છે?
– મુકુલ ચોકસી
ગઈ કાલે આપણે કવિએ વર્ષો પૂર્વે લખેલી ગઝલમાણી. એ ગઝલના વિષયવસ્તુ દીકરીએ ભજવવાના નાટકમાં કામ લેવાના હેતુથી કવિપિતાએ પાંત્રીસ શેરની નવી દીર્ઘ ગઝલ લખી નાંખી. મૂળ ગઝલ પુરુષની ઉક્તિ હતી, આ ગઝલ એક સ્ત્રી વડે રચાતા સંવાદનો એકતરફી આલેખ છે. દરેક સવાલની સાથે સામેથી જવાબમાં હકાર ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. પાંત્રીસ શેરની દીર્ઘ રચનામાંથી સોળ શેર લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ… આખરી શેર મૂળ ગઝલની જ પ્રતિકૃતિ છે, કેવળ સર્જકોદ્ગાર બદલાયા છે.
November 25, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?
તારી એકલતાની સરહદ વિસ્તરેલી —યાદ છે?
એક દી એ મારી ગઝલોને અડેલી —યાદ છે?
વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે,
એ જ વાતો તેં બીજા કોને કરેલી? —યાદ છે?
મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?
– મુકુલ ચોક્સી
ગયા અઠવાડિયે આપણે ‘યાદ છે?’ રદીફવાળી ગઝલ વાંચી. વરસો પહેલાં મુકુલ ચોકસીએ આ જ રદીફ અને પ્રશ્ન સાથે આ જ રીતે લખેલી એકતરફી સંવાદ ગઝલ લખી હતી એ પણ સાથોસાથ માણીએ. ચાર જ શેરની આ દાયકાઓ જૂની ગઝલ પૂર્વ મુકુલ ચોકસીની પિછાન છે. આજે આ મુકુલ ચોકસી ક્યાં મળશે એ કોઈને યાદ છે? કહેજો તો…
November 24, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
આ તરફનો હકાર નોખો છે,
એ તરફનો નકાર નોખો છે.
એય બાવન ને સાતમાં રમતો,
એ છતાં ગીતકાર નોખો છે.
આજ નોખી તરસને માણી મેં,
આજનો ઓડકાર નોખો છે.
એટલેથી પડે નહીં પડઘો,
એટલે ઉંહકાર નોખો છે.
કેમ મારી ગતિ થતી જ નથી?
કેમ, આ ઓમકાર નોખો છે?
– નેહા પુરોહિત
મત્લાના ‘આ’ અને ‘એ’ને બાદ કરીએ, તો બાકીના ચારેય શેરના બંને મિસરાની શરૂઆત સમાન શબ્દો – એ-એ, આજ-આજ, એટલે-એટલે, કેમ-કેમ -થી થઈ છે. શબ્દોની આ નાનકડી રમત ટૂંકી બહેરની ગઝલમાં કવિરમણાનો અવકાશ ઓર ઘટાડીને કવિકર્મ વધુ મુશ્કેલ બનાવે છે, પણ સર્જક બહુ ઓછા શબ્દોમાં જાતને વ્યકત કરવાનો પડકાર સુપેરે ઝીલી લઈને સંઘેડાઉતાર ગઝલ આપી શક્યાં છે એનો આનંદ. ‘એટલે’ની પુનરુક્તિમાં યમક અલંકાર ચૂકવા જેવો નથી. સર્જકે એટલેથી પડઘો નહીં પડે એમ કહ્યું છે. અહીં એટલેથી એટલે એટલા અંતરથી એમ અર્થબોધ થાય છે, પણ આ અંતર વધુ છે કે ઓછું એ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. બહુ નજીકથી બોલવામાં આવે કે બહુ દૂરથી બોલવામાં આવે – આ બંને અવસ્થામાં કહેલી વાતનો પડઘો-પ્રતિસાદ સાંપડતો નથી એટલે નોખો ઉંહકાર સાંપડે છે. સરળ સહજ મત્લા પછીના બધા જ શેર ખાસ્સા અર્થગહન છે..
November 18, 2022 at 11:15 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પટેલ ‘ક્ષ’
એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?
સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?
સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?
પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?
સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?
– રમેશ પટેલ ‘ક્ષ’
‘યાદ છે?’ જેવી સંવાદાત્મક રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી જાણી છે એ જુઓ… બધા જ શેર સ-રસ થયા છે પણ શ્વાસ લઈને પણ સતત મરતા રહેવાના અહેસાસને ઉજાગર કરતો અંતિમ શેર તો હાંસિલ-એ-ગઝલ છે!
બીજો શેર જુઓ. શરૂઆત સામી વ્યક્તિએ પોતાના ચહેરા પર સ્મિત ચીતર્યું હોવાની વાતથી વાતનો પ્રારંભ થાય છે. ચીતર્યું છે, મતલબ એ બનાવટી છે, અંદરથી પ્રગટ્યું નથી. શણગાર પણ બહુ સજવામાં આવ્યા છે. પોતે ખુશ નથી પણ ખુશ હોવાની પ્રતીતિ આસપાસના લોકોને જબરદસ્તી કરાવવા માંગતી સ્ત્રીને કવિ આબાદ ચાક્ષુષ કરાવી શક્યા છે. સ્મિત ભલે ચીતરેલું છે, પણ નાયિકાનું ચિત્ર જીવંત છે. કથક જાણે છે કે પોતાનો અભાવ રોમેરોમે પહેરેલી આ સ્ત્રી પ્રણયભંગ કે પ્રણયવૈફલ્યને લઈને કેટલી તકલીફમાં છે! પણ ખરું જોઈએ તો નાયિકાની તકલીફ નાયક તંતોતંત સમજી શક્યો છે એ જ પ્રેમનું ખરું સાફલ્ય ન ગણાય? ત્રીજો અને ચોથો શેર પણ અફલાતૂન થયા છે. છેલ્લો શેર પણ સરસ થયો છે. મત્લા મને નબળો લાગ્યો એટલું બાદ કરીને મજાની ગઝલ…
November 16, 2022 at 8:11 PM by તીર્થેશ · Filed under ગઝલ, ગાલિબ
किसी को दे के दिल कोई नवा-संज-ए-फ़ुग़ाँ क्यूँ हो
न हो जब दिल ही सीने में तो फिर मुँह में ज़बाँ क्यू हो
જયારે દિલ કોઈને આપી જ દીધું છે, ત્યારે કોઈ શા માટે ચિત્કાર કરે !? સીનામાં દિલ જ નથી તો મ્હોમાં [ ચિત્કાર કરવા માટે ] જબાન કેમ છે ??? – મતલબ, જો દિલ કોઈને આપી જ દીધું છે તો હવે કાગારોળ શા માટે ??
वो अपनी ख़ू न छोड़ेंगे हम अपनी वज़्अ क्यूँ छोड़ें
सुबुक-सर बन के क्या पूछें कि हम से सरगिराँ क्यूँ हो
જો એ પોતાની આદતો ન છોડે તો હું મારા તૌર-તરીકા શીદને છોડી દઉં ? એ મારી સાથે આટલા ઘમંડથી કેમ વર્તે છે તે પૂછવા જેટલા મારે શા માટે એટલા નીચા નમવું ? [ અહીં જાણે ગાલિબ જાતને જ ઉપદેશ આપે છે…જે વ્યર્થ છે તે ગાલિબ પોતે પણ જાણે છે….બાકી ગાલિબની નજર સનમની નાનામાં નાની હરકત પર તકાયેલી જ છે ]
किया ग़म-ख़्वार ने रुस्वा लगे आग इस मोहब्बत को
न लावे ताब जो ग़म की वो मेरा राज़-दाँ क्यूँ हो
સનમે મને જલીલ કર્યો-આગ લાગે એવી મહોબ્બ્તને !! મારા દુઃખનું શમન કરવાની તાકાત જે ન લાવી શકે, તે મારી હમરાઝ કઈ રીતે હોઈ જ શકે ???
वफ़ा कैसी कहाँ का इश्क़ जब सर फोड़ना ठहरा
तो फिर ऐ संग-दिल तेरा ही संग-ए-आस्ताँ क्यूँ हो
કેવી વફા અને ક્યાંનો પ્રેમ !!! – જો મારે પથ્થરે માથું કૂટવાનું જ છે, તો હે પથ્થરદિલ સનમ, તો તે પથ્થર તારી જ ચોખટનો હોવો જોઈએ – એવું શું માટે ??? – અર્થાત – પ્રેમની અને વફાની અને એવી બધી વાતો છોડો….અંતિમ સત્ય એ જ છે કે મારે પથ્થરે માથું ફૂટવું એ જ મારુ ભાગ્ય છે. તો હું કોઈપણ પથ્થરે માથું ફૂટી લઈશ….એ પથ્થર તારી ચોખટનો જ પથ્થર હોય, અને હું તારી ચોખટે જ માથું કૂટીને જાન દઈ દઉં એવું કઈ અનિવાર્ય તો નથી જ ને ?? અહીં પણ ગાલિબની લાક્ષણિક વક્રોક્તિ છે..ગાલિબ કહેવા એમ માંગે છે કે ચોક્કસ જ હું તારી ચોખટ પર જ માથું ફોડવાનો છું…..
क़फ़स में मुझ से रूदाद-ए-चमन कहते न डर हमदम
गिरी है जिस पे कल बिजली वो मेरा आशियाँ क्यूँ हो
પાંજરામાં કેદ એવા મારી આગળ ઉપવનની વાતો કરતાં ડર નહીં મારા મિત્ર……મને ખબર છે કે ગઈકાલે વીજળી પડી છે, પણ એવું જરૂરી નથી કે તે મારા માળા/ઘર પર જ પડી હોય…. – આ અત્યંત મજબૂત શેર છે – અહીં એવું રૂપક લેવાયું છે કે એક પંખી પિંજરે કેદ છે, એનું મિત્ર બીજું પંખી એને મળવા આવે છે. કેદ પંખીને ખબર છે કે ગઈકાલે બગીચામાં વીજળી પડી છે અને મારુ ઘર ઉજડી ગયું છે તેવી શક્યતા પૂરેપૂરી છે. આગંતુક પંખીને હકીકત ખબર છે કે કેદ પંખીનો માળો બરબાદ થઇ ગયો છે, પણ આ વાત કહેતા એની જીભ ઉપાડતી નથી. કેદ પંખી સમજી જાય છે અને આ શેર કહે છે !!! આ શેરને ઘણી રીતે મૂલવી શકાય – મારું અંગત અર્થઘટન એવું છે કે અહીં ગાલિબ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે ઘણી વાતો અંદરથી સુપેરે જાણતા જ હોઈએ છીએ પણ આપણે તે વાસ્તવિકતા સ્વીકારી નથી શકતા….પલાયનવાદ અપનાવીએ છીએ…શાહમૃગવૃત્તિ અપનાવીએ છીએ…. આ સિવાયના પણ અર્થઘટનો છે….
ये कह सकते हो हम दिल में नहीं हैं पर ये बतलाओ
कि जब दिल में तुम्हीं तुम हो तो आँखों से निहाँ क्यूँ हो
તમે તો એમ કહી શકો છો કે હું તમારા દિલમાં નથી [ એટલે મારુ તમારી આંખોની સામે હોવું-ન હોવું એક સમાન છે,કબૂલ.] પણ મને એક વાત સમજાવો – મારી તો આખી વાત જ ઊંધી છે-મારા તો દિલમાં તમે અને માત્ર તમે જ છો, તો પછી તમે મારી નાંખોથી હરહમેંશ ઓઝલ જ કેમ હો છો ??? – એક હસીન ફરિયાદ છે અહીં….
ग़लत है जज़्ब-ए-दिल का शिकवा देखो जुर्म किस का है
न खींचो गर तुम अपने को कशाकश दरमियाँ क्यूँ हो
મારા દિલની દીવાનગી સામેની તમારી ફરિયાદ ખોટ્ટી છે, કોનો કસૂર છે તે તો જુઓ !! તમે તમારી જાતને અળગી ન કરો તો આપણી વચ્ચે કોઈ ખેંચતાણ બાકી રહેતી જ નથી……મતલબ, તમે પણ એટલા જ કસૂરવાર છો !
ये फ़ित्ना आदमी की ख़ाना-वीरानी को क्या कम है
हुए तुम दोस्त जिस के दुश्मन उस का आसमाँ क्यूँ हो
આ ઉપદ્રવ/ઉત્પાત આદમીના ઘરની બરબાદી માટે શું ઓછો છે ?? તમે જેના દોસ્ત હો એની બરબાદી માટે કોઈ આસમાની આફતની જરૂર રહેતી જ નથી…..
यही है आज़माना तो सताना किस को कहते हैं
अदू के हो लिए जब तुम तो मेरा इम्तिहाँ क्यूँ हो
જો આ ઈમ્તિહાન છે, તો સતાવવું/પીડવું શું છે [ એ વળી કંઈ અલગ છે ??? ] ???? જયારે તમે અન્યના થઇ જ ચૂક્યા છો, તો મારો ઈમ્તિહાન શીદને લો છો ???? – આ પણ જોરદાર શેર છે….
कहा तुम ने कि क्यूँ हो ग़ैर के मिलने में रुस्वाई
बजा कहते हो सच कहते हो फिर कहियो कि हाँ क्यूँ हो
મારા હરીફ એવા તમારા અન્ય આશિકને મળવામાં વળી શું વાંધો ? – તમે એવું કહો છો. વ્યાજબી કહો છો, સાચું કહો છો, ફરીથી કહો કે – હા ભાઈ, એમાં શું વાંધો ?? – અહીં ગાલિબ કારમો કટાક્ષ કરે છે…..
निकाला चाहता है काम क्या ता’नों से तू ‘ग़ालिब’
तिरे बे-मेहर कहने से वो तुझ पर मेहरबाँ क्यूँ हो
તું ટોણાંઓથી કામ થઈ જશે એવી વ્યર્થ આશા રાખી બેઠો છે ગાલિબ……તું એને બેરહમ/લાગણીહીન કહે છે અને વળી એની જ પાસેથી લાગણીની/રહમની ઉમ્મીદ રાખે છે !!! તારા આવા ટોણાંઓની અથવા તો તારાં તારીફના ફૂલોની – બે માંથી કશાની પણ એના પર કોઈ અસર થવાની નથી.
– ગાલિબ
આ ગઝલ બહુ જ ઉમદા રીતે એક કલાકાર – શૈલી કપૂરે ગાઈ છે👇🏻👇🏻
November 12, 2022 at 11:18 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
એ જ જહેમત ઉમ્રભર જારી હતી,
ડૂબતી નૈયાને શણગારી હતી.
જાત છો ને સાવ અલગારી હતી,
દિલમાં ભરચક એક અલમારી હતી.
જે છબી મનમાં અમે ધારી હતી,
એ તો બસ એની અદાકારી હતી.
ખાલીપો અંદરનો છૂપો રાખવા,
જામની ઉપર મીનાકારી હતી.
કૈંક વેળા ખુદને છાનો રાખવા,
મેં જ મારી પીઠ પસવારી હતી.
વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!
યશના ભાગીદાર પણ હું ને પ્રભુ,
થઈ ફજેતી એય સહિયારી હતી.
કોઈ તૈયારી જ કરવાની ન’તી,
અંત માટે એવી તૈયારી હતી.
– રઈશ મનીઆર
ગઝલ કાવ્યપ્રકારની ખરી મજા એની હળવાશ છે. સૉનેટ, ખંડકાવ્યો વગેરે કાવ્યપ્રકારો બહુધા એવા તો ભારઝલ્લા બની જતાં હોય છે કે ક્યારેક તો ભાવકને પરસેવો પણ પડાવે. ગઝલની બીજી મજા બે પંક્તિના લાઘવમાં પૂરી થઈ જતી વાતની છે. ગીત, અછાંદસ જેવા કાવ્યપ્રકાર માણવા માટે આખા વાંચવા જરૂરી છે. આજે આખી દુનિયા ટેસ્ટમેચમાંથી ટ્વેન્ટી- ટ્વેન્ટીની પ્રકૃતિ ધરાવતી થઈ ગઈ હોવાથી લોકોનો એટેન્શન સ્પાન સાવ સંકોચાઈ ગયો છે. આવામાં બે પંક્તિમાં વાત પૂરી કરી દેતી ગઝલ સૌથી લોકપ્રિય કાવ્યપ્રકાર ન બને તો જ નવાઈ. જો કે શીરાની જેમ ગળે ઉતરી જતી સહજ સરળ ભાષા અને ગાગરમાં સાગર સમાવી રજૂ કરવાની ગઝલની આવડત સામે સૌથી મોટું ભયસ્થાન ભરતીના શેર અથવા તૂકબંધી છે. ગુજરાતી ભાષામાં હાલ કાર્યરત ગઝલકારોની સંખ્યા ગણવા બેસીએ તો આંકડો હજારને પાર કરી જાય તોય નવાઈ નહીં. ગઝલ અથવા ગઝલ કહીને માથે મરાતી અકવિતાનું ત્સુનામી આજે ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સારી રચના શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર થઈ પડ્યું છે.
પ્રસ્તુત રચના આવા સમયમાં દીવાદાંડીનું કામ કરે એવી છે. ગઝલ વિશે કંઈ વિશેષ કહેવા જેવું નથી. સાદ્યંત સુંદર રચના. એક-એક શેર પાણીદાર. અર્થગંભીરા ગઝલ… એને એમ જ મમળાવીએ…
October 29, 2022 at 1:42 PM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.
મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.
મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.
તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.
શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.
– હરીશ ઠક્કર
‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.
સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?
હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?
કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?
– હરીશ મીનાશ્રુ
કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.
– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )
( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )
October 1, 2022 at 11:24 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ
ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ
તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ
શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ
દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ
ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ
– સંજુ વાળા
પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…
ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.
September 17, 2022 at 10:58 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.
એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.
એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!
બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.
ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.
જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!
– હરીશ ઠક્કર
માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.
જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.
કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.
– સંદીપ પૂજારા
પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.
ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?
આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા
ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:
“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.
“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”
‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.
જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.
વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?
– હર્ષા દવે.
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…
ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં–
“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”
*
ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.
પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.
જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.
માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…
આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.
મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.
તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.
દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.
તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.
આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.
– હરીશ ઠક્કર
કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.
ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.
July 28, 2022 at 10:50 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા
બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!
માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!
છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!
એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.
એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.
મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!
– શબનમ ખોજા
આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…
July 15, 2022 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, દર્શક આચાર્ય
કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.
બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.
ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.
હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.
રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.
– દર્શક આચાર્ય
પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…
ગઝલની પૂર્વશરત છે કે રદીફ ગઝલમાં ઓગળી જવી જોઈએ. મોટાભાગની ગઝલોમાં રદીફ લટકણિયું બનીને અલગ પડી જતી હોય એવામાં ક્યારેક એવો સુખદ અપવાદ પણ જોવા મળે જ્યાં રદીફ ન માત્ર શેરમાં ઓગળી ગઈ હોય, શેરના અર્થમાં ઉમેરણ કરીને શેરને સવાશેર પણ બનાવતી હોય. પ્રસ્તુત ગઝલ આવો જ એક સુખદ અપવાદ છે. ધુમાડાવાળા એક શેરને બાદ કરતાં બાકીના છએ છ શેર મસ્ત મજાના થયા છે. એમાંય મત્લા, તરફેણનો વરસાદ અને આખરી શેર તો ભાઈ વાહ…! મજા આવી ગઈ કવિ…
June 24, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.
પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.
જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.
એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.
‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.
દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.
આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.
આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.
– હરીશ ઠક્કર
મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.
June 23, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.
પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.
વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.
સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.
– શિલ્પિન થાનકી
ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!
June 9, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લવ સિંહા
હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.
થોડા વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.
એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ છે! કાયમ નહીં રહે.
અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.
જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો જે ઉઠાવ છે કાયમ નહીં રહે.
જો હોય ઓળખાણ ભીતર તો લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.
– લવ સિંહા
તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.
હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.
– નાઝિર દેખૈયા
ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…
June 3, 2022 at 11:04 AM by વિવેક · Filed under ગઝલ, હનીફ સાહિલ
રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે
જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે
આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે
એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે
કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે
શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે
– હનીફ સાહિલ
ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.
નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!
ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?