તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિતેન્દ્ર પ્રજાપતિ

જિતેન્દ્ર પ્રજાપતિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્હાણની આંખે – જિતેન્દ્ર પ્રજાપતિ

એમ તારી યાદનાં પગલાં ફૂટ્યાં,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યાં જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.

Comments (4)

દે ખબર ! – જિતેન્દ્ર પ્રજાપતિ

ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.

શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.

આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.

એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.

આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.

– જિતેન્દ્ર પ્રજાપતિ

સરળ. સહજ. સંતર્પક.

Comments (2)