નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

વ્હાણની આંખે – જિતેન્દ્ર પ્રજાપતિ

એમ તારી યાદનાં પગલાં ફૂટ્યાં,
રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.

આગલી પીડાને અવગણતા ફૂટ્યા,
જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.

ઝાડ છોડીને ઉડ્યાં જ્યાં પંખીઓ,
ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.

રાતના થૈ સ્વપ્ન તારું આવવું,
ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.

જોઈ દીવાદાંડીને આજે જુઓ;
વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા!

આંખ પણ છે પહાડનો પર્યાય દોસ્ત;
અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં!

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર કવિશ્રીના નવા સંગ્રહ ‘પાછો ફર્યો છું હું’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી એક રચના આપ સહુ માટે…

આમ તો બધા શેર મજાના થયા છે પણ પંખીઓ ઝાડ છોડી જાય એ પછી ઝાડના સૂનકારને ફણગા ફૂટવાની વાત શિરમોર છે. રાત્રે પ્રિયજનનું સ્વપ્ન આવતાં ઘોર અંધારામાં તડકા ફૂટવાવાળો શેર વાંચતા હરીન્દ્ર દવેનો ‘તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?’ શેર સહજ યાદ આવે… બંને શેર પોતપોતાની રીતે અલગ અને બળુકા છે.

4 Comments »

  1. Kajal kanjiya said,

    January 7, 2022 @ 12:57 PM

    ખરેખર સરસ….નવા ગઝલ સંગ્રહ માટે અઢળક શુભેચ્છાઓ 💐

  2. Parbatkumar nayi said,

    January 7, 2022 @ 1:19 PM

    વાહ વાહ
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રિય કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિ

  3. pragnajuvyas said,

    January 7, 2022 @ 8:56 PM

    કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદરગઝલ ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ભાષા પ્રતિબંધિત થાય અને મૌન પ્રિયજનનું નામ ઉચ્ચારે એ પ્રણયનો સાચો તબક્કો.
    રાખથી જાણે ફરી તણખા ફૂટ્યા.જખ્મથી જે કૈ નવા સણકા ફૂટ્યા.ઝાડના સૂનકારને ફણગા ફૂટ્યા.ઘોર અંધારા મહીં તડકા ફૂટ્યા.વ્હાણની આંખે નવા નકશા ફૂટ્યા! અને અશ્રુના આકારે જ્યાં ઝરણાં ફૂટ્યાં! બેરંગ જિંદગીમાં જે રંગ ભરી શકે એ જ લોકો જિંદગીને સાચા અર્થમાં યાદને ઉત્સવ બનાવી ઉજવી શકે.ખૂબ સ રસ અભિવ્યક્તી
    તો સાંપ્રત સમયના કવિ ભરતજીને આમ તારી યાદ..
    તારી યાદ આવે છે.
    સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
    હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.
    એક એક મીનિટ તારી યાદ આવે છે,
    સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.
    બેસુ છું કામ કરવા
    મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
    ડેસટોપ ની જેમ તું સામે આવે છે.
    ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
    પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.
    શટડાઉન કરું છું મારી સીસ્ટમ
    તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.
    સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
    વાઇરસ બનીને તું સામે આવે છે.

  4. preetam lakhlani said,

    January 10, 2022 @ 11:57 AM

    તારા સ્મરણનો સૂર્ય સતાવે છે, શું કરું? મધરાતે મારા આભમાં આવે છે, શું કરું?. હરીન્દ્ર દવેનો શેર સાથે ભાઈ જીતેન્દ્રની ગઝલ અને તમારો આ સ્વાદ પણ હરીન્દ્રભાઈના શેર જેટ્લાં જ ઉત્તમ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment