નિનાદ અધ્યારુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 6, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.
એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.
તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !
જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !
આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.
– નિનાદ અધ્યારૂ
સાવ સહજ બાનીમાં લખાયેલી આ ગઝલની સરળતામાં કંઈક અકથ્ય તત્ત્વ છે જે ભાવકને બાંધી રાખે છે. ખાસ કરીને બીજો અને ચોથો શેર તો અદભુત થયા છે.
Permalink
December 23, 2021 at 12:24 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
નજરથી નજરના નજારાની મોસમ,
છે કાચી-કુંવારી કુંવારાની મોસમ !
તમે બ્હાર નીકળો તો માલૂમ પડે ને !
તમે ક્યાંથી જાણો કિનારાની મોસમ !
તમે જો વધારે સમય ફાળવો તો,
બનાવીને બેસું વધારાની મોસમ !
તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો,
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ !
હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો,
અમે જોઈ લીધી સિતારાની મોસમ !
અમે હાથ ઠંડા અડાડ્યા જે ગાલે,
એ ગાલે ફૂટી છે શિકારાની મોસમ.
‘નિનાદ’ એની આંખો તરન્નુમ… તરન્નુમ…
અમારી આ આંખે દુબારાની મોસમ !
– નિનાદ અધ્યારુ
શિયાળો બેસે અને ગામે ગામ જાણે “પરણેતર”નો મેળો લાગે. આવામાં કાચા-કુંવારાઓની કાચી-કુંવારી મોસમમાં એક નજર બીજીમાં પ્રોવાય એ નજારા ખીલી રહ્યા છે. બીજો શેર પ્રમાણમાં ઠીકઠાક છે પણ ત્રીજો શેર બળકટ થયો છે. ડિસેમ્બરનો પારોય મજા કરાવે છે. પણ ખરી મજા તો ચાંદદાનીની છે. એકદમ નવીન કલ્પન અને મૌલિક અભિવ્યક્તિ સાથેનો એ શેર બળુકો થયો છે. શિકારામાં રંગ ફરી થોડો ઊપટેલ દેખાય છે પણ મક્તા તો દુબારા દુબારા પોકારાવી દે એવો રંગદાર… સરવાળે મસ્ત મજાની ગઝલ…
Permalink
April 29, 2021 at 12:30 AM by વિવેક · Filed under દુહા, નિનાદ અધ્યારુ
આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.
ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?
ચીસો એકસો આઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતા-થૈ કરે શ્વાસોના બે મોર !
આ કેવી સંવેદના? આ કેવી દરકાર?
કોરટ ઉધડો લે પછી નિર્ણય લે સરકાર.
સાંજે પાછા ઘર જતા પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો હું ઘરને તાવીજ.
નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ?
‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!
– નિનાદ અધ્યારુ
કવિતા આમ તો સ્થળ-કાળ-વ્યક્તિ નિરપેક્ષ હોય છે, પણ સાંપ્રતનો પડઘો જ ન ઝીલાયો હોય એવી કવિતા કોઈ ભાષા-સંસ્કૃતિઓમાં જડતી નથી. કોરોનાની મહામારી જવાનું નામ લેવાનું તો બાજુએ, વધુને વધુ વકરતી ને વિકરાળ થતી જાય છે. ગુજરાતી કવિતા પણ કોરોનાની અસરો ઝીલવાથી મુક્ત રહી શકી નથી. ગીતો અને ગઝલોની બોછારથી અળગા ચાલીને નિનાદ અધ્યારુ ખૂબસુરત દોહાઓ લઈને આવ્યા છે. કોરોના મહામારીના અલગ-અલગ આયામ કાવ્યસૌંદર્ય જાળવીને કવિએ કેવા બખૂબી રજૂ કર્યા છે! શ્વાસોના બે મોરનું તાતા-થૈ, ઘરને તાવીજ બાંધવાની વાત અને પોતાના પહેલાં સામાની તકલીફ સંધાવાની પ્રાર્થનામાં કવિતા ચરમસીમાએ પહોંચે છે.
Permalink
January 8, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એના ફોટા અડી-અડીને !
લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?
તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-
ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !
આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !
સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.
માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?
તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,
નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.
જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
ખાતર બની ગયા છે સપના સડી-સડીને !
– નિનાદ અધ્યારુ
વાંચતાવેંત સહજ પ્રત્યાયન કરી દે એવી મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
Permalink
January 25, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !
આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !
એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !
સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !
જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !
ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !
આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !
ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?
યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.
– નિનાદ અધ્યારુ
કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. ખરું ને? લગભગ બધા જ શેર મરીઝ જેવી જ સાવ સરળ અને સહજ બાનીમાં પણ મોટાભાગના શેર અર્થસભર. કાથો પાનમાં રંગ પકડે એ વાત તો શિરમોર…
Permalink
June 29, 2017 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !
જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.
આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.
પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.
દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !
– નિનાદ અધ્યારુ
નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…
Permalink
June 16, 2016 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે !
વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે !
આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે !
ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.
એણે ના પાડી તો શું છે ?
દિલના ક્યાં દુકાળ પડે છે !
ખોટું બોલો, સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે !
પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે !
મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે !
‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે !
– નિનાદ અધ્યારુ
પાણીદાર ગઝલ… લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
May 7, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ફોનમાં ગુજરાતી વંચાતું નથી,
એને શું કહેવું એ સમજાતું નથી !
આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
એમ ના પૂછો કે શું-શું થાય છે,
એમ તો પૂછો કે શું થાતું નથી ?
પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
આપણાથી ફૂલ ફેંકાતું નથી !
જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
ગામ આખા કાજ તાળી પાડીએ,
આપણું આણું જ પથરાતું નથી !
આપણું જે ખૂબ ગમતું નામ હો,
નામ કમબખ્ત એજ બોલાતું નથી.
આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
રાખીએ અંતર, બધું એથી થતું,
સ્પર્શવાથી કાંઈ અભડાતું નથી.
થાય તો એ પણ કરી જોતે ‘નિનાદ’,
પણ ગઝલ સાથે તો પરણાતું નથી !
– નિનાદ અધ્યારુ
મત્લાના શેરને બાદ કરીએ તો શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મનનીય રચના. જે આપણે બીજાને આસાનીથી સંભળાવી દેતા હોઈએ છીએ એ જ બીજાના મોંએ સાંભળવું દોહ્યલું થઈ પડે છે. આપણી પરીક્ષાપદ્ધતિ પર મર્મભેદી કટાક્ષ કરતો શેર, અને આખરી ત્રણ શેર ઓલ-ટાઇમ-ગ્રેટની હરોળમાં છાતી કાઢીને બેસી શકે એવા થયા છે.
Permalink
April 16, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.
દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.
બોલો .. બોલો .. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ ?
હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !
ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !
ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !
એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !
દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.
આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !
‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.
– નિનાદ અધ્યારુ
વાંચતાની સાથે જ આ ગઝલ એકદમ પ્યારી થઈ ગઈ. એક તો ટૂંકી બહેરમાં રવાની એવી મસ્ત, મજબૂત અને પ્રવાહી છે કે ગઝલ વાંચવી તો શક્ય જ નથી બનતી, ગણગણવી જ પડે ફરજિયાત. ગુજરાતી ગઝલમાં પહેલાં કદી જોવામાં ન આવ્યા હોય એવા અંબાજી, જીજાજી, શિવાજી, ધોરાજી જેવા અનૂઠા કાફિયામાં કવિએ એવી સહજ કળાકારીગરી કરી છે કે મજા મજા આવી જાય. શેરે-શેરે મૌલિકતા છલકાઈ રહી છે.
ત્રણેક શેર વિશે મેં કવિને એમનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે પણ મૂળભૂતપણે તો કવિતામાં અર્થ કરતાં અનુભૂતિ સવિશેષ મહત્ત્વની છે અને જ્યારે અનુભૂતિ અર્થને અતિક્રમી જાય ત્યારે ઉત્તમ કવિકર્મ થયું લેખાય.
Permalink
June 25, 2015 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.
એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.
તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !
જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !
લાખ તું જલવા બતાવે જિંદગી,
આ ગઝલ જેવો બીજો ઉન્માદ નહિ.
કોઈ એવા પણ વડીલો હોય છે,
હાથ માથા પર ને આશીર્વાદ નહિ.
આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.
– નિનાદ અધ્યારુ
ગઝલનો મક્તા વાંચતાવેંત કહેવું પડ્યું કે ‘બિલકુલ દાદ આપું છું, ઉસ્તાદ… તમતમારે નિનાદ જ નામ રાખજો…’ બધા જ શેર કાબિલ-એ-દાદ !
Permalink
January 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under નિનાદ અધ્યારુ
એને માટે એજ છે અક્ષર, એજ છે એની ગીતા,
કોરે-કોરી પાટી ઉપર શૈશવ પાડે લીટા !
ચાર પગે એ ચાલે તોયે અંતર કાપે લાખ,
ચાંદામામાને ઓળખતી એની દુધિયા આંખ !
બોખું-બોખું હસતો ચહેરો કરતું અઘરા યોગ,
ફળિયાના ક્યારાની માટી એના છપ્પન ભોગ !
ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,
બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !
એનો કક્કો સમજે એવો ક્યાં કોઈ ભડવીર !
ઊકેલો તો લાગે જાણે અંધારામાં તીર !!
રંગબેરંગી રમક્ક્ડાઓ એની મોટી ફોજ,
ટોટીવાળી દૂધની બોટલ બે ટાણાની લોજ !
માના હાલરડાંથી ઝરતું હરિ સમું શું હેત !
ઈશ્વરના બે રૂપ મળે છે, છેટું એક જ વેત !!
-નિનાદ અધ્યારુ
બાળગીતાના સહજ અધ્યાય સમા દોહા લઈ આવતા આ કવિને કયા શબ્દોમાં વખાણવા ?
Permalink
August 1, 2008 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
સામે જ હો છતાં યે જોઈ નથી શકાતું,
તૈયાર આંસુઓથી રોઈ નથી શકાતું.
ગંગા જ ખુદ શાપિત થઈને વહે છે આજે,
એક પાપ પણ કરેલું ધોઈ નથી શકાતું.
લોકો સદાય અવળું સમજ્યા કરે છે અહીંયાં,
કે હોઈએ ને એવું હોઈ નથી શકાતું.
મારાં જ આંસુઓમાં હું તરબતર છું એવો,
બીજાનું એક આંસુ લોઈ નથી શકાતું.
‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.
-નિનાદ અધ્યારુ
ગઝલનો હાંસિલ-એ-ગઝલ શેર એના મક્તાનો શેર છે. કોઈ વસ્તુ કહો કે કે કોઈ સંબંધ- આપણે ભલેને સાચવી સાચવીને રાખવાની કોશિશ કેમ ન કરીએ, એ યથાવત્ સચવાઈ રહેવાની શક્યતા શૂન્યવત્ જ છે અને એ રીતે દરેક ફેંકી દીધેલી-ઉતરડી દીધેલી વસ્તુઓ પણ પૂરેપૂરી ક્યાં ફેંકી જ દેવાય છે? ચોકલેટની જેમ જેટલું વધારે ચગદોળો એટલો વધુ રસ ઝરે એવો મીઠો આ શેર છે…
Permalink
June 1, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !
સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.
નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.
એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !
સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.
આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયાં હશે !
‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !
-નિનાદ અધ્યારુ
Permalink