તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

(તમે પણ ન છોડી હોડી) – હેમંત ધોરડા

ન અમેય નમતું જોખ્યું, ન તમેય જીદ છોડી,
અમે પણ ન નાવ વાળી, તમે પણ ન છોડી હોડી.

હવે પર્વતોના રસ્તા સમી વાત આપણી છે,
અમે મૌન વાંકું વાળ્યું, તમે ચુપકીદી મરોડી.

એ સુવાસ આપણી ક્યાં હવે કંઈ બચી કે કૂચી,
જે અમે પવનમાં બાંધી, જે તમે હવામાં ખોડી.

હતી આપણી પળો પણ જે સમય વીત્યો, હા, એમાં
અમે પણ ઉઠાવી ઓછી, તમે પણ વીણી એ થોડી.

હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.

– હેમંત ધોરડા

(છંદવિધાન: લલગાલગા લગાગા લલગાલગા લગાગા)

સંબંધના સાગરમાં ક્યારેક સાથે સફર ખેડી હોય એવી બે વ્યક્તિ જીવનના કોઈક દોરાહે આવીને અલગ થઈ જાય એ સમયની સમ-વેદનાની સ-રસ મુસલસલ ગઝલ. પાંચેય શેરમાં બે જણની બદલાયેલી દિશાઓ અને દશાઓનો વિરોધાભાસ આપણા હૈયાને આરપાર વીંધી જાય એ રીતે રજૂ થયો છે… મજાની સંઘેડાઉતાર રચના…

5 Comments »

  1. Deval Vora said,

    January 22, 2022 @ 11:41 AM

    ખરેખર સુંદર રચના ….

  2. pragnajuvyas said,

    January 22, 2022 @ 10:58 PM

    કવિશ્રી હેમંત ઘોરડાની સુંદર ગઝલ
    હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
    અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી.
    વાહ
    ખૂબ સ રસ મક્તા
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  3. Poonam said,

    January 23, 2022 @ 12:27 PM

    હતી હઠ લખેલી મુખ ૫૨ કદી આપણે ન વાંચી,
    અમે સરવરો ડહોળ્યાં, તમે આરસીઓ ફોડી…

    – હેમંત ધોરડા – Waah !

  4. હરીશ દાસાણી. ઈ said,

    January 25, 2022 @ 4:43 PM

    હેમંતભાઇની અભિવ્યકિતની રીત એકદમ તાજગીભરી અનોખી છે. ચુપકીદી મરોડવી,પળો વીણવી,સુગંધ હવામાં ખોડવી આ બધા શબ્દપ્રયોગ અને તેને કારણે સર્જાતા કલ્પનો અત્યંત સુંદર છે.

  5. Kajal kanjiya said,

    January 26, 2022 @ 7:37 AM

    ખૂબ સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment