વરસાદ ક્યાં હતો ? – ભગવતીકુમાર શર્મા
જ્યારે મળ્યાં’તાં આપણે, વરસાદ ક્યાં હતો ?
તડકો હતો ને તેય પછી યાદ ક્યાં હતો ?
ફૂલો ભરી શક્યાં ન વસંતે મુશાયરો ;
સુરભિત હવામાં દાદનો ઉન્માદ ક્યાં હતો ?
ચારેય ભીંતો શાંત હતી ને અલગ અલગ ;
બારી ને બારણાંઓમાં વિખવાદ ક્યાં હતો ?
જીવનના રસના ઘૂંટડા એમ જ ભર્યાં હતા ;
કડવો કે મીઠો એમાં કશો સ્વાદ ક્યાં હતો ?
પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં ;
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો ?
વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?
– ભગવતીકુમાર શર્મા
વ્યથાસભર ઓબ્ઝર્વેશન્સ…..ત્રીજો શેર – ” ચારેય ભીંતો….” એક ઊંડી સ્તબ્ધતા છોડી જાય છે…
pragnajuvyas said,
January 11, 2022 @ 2:29 AM
આ ભગવતીકુમાર શર્માની ખૂબ સુંદર ગઝલ્
વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?
મક્તા અદભુત
વિવેક said,
January 11, 2022 @ 5:52 PM
સુંદર મજાની ગઝલ… મત્લા તો શિરમોર…
હરીશ દાસાણી. said,
January 12, 2022 @ 9:07 AM
ઉત્તમ ગઝલ
Maheshchandra Naik said,
January 12, 2022 @ 9:11 AM
સરસ ગઝલ,
બધા જ શેર કાબિલે દાદ,
કવિશ્રીને સ્મરાંણજલી…….
Harihar Shukla said,
January 13, 2022 @ 4:38 PM
જીવનના રસમાં મીઠા કે ભલે ને કડવા સ્વાદની શોધ