એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
– ગની દહીંવાલા

વર્ષો – પારુલ ખખ્ખર

નથી ઊંચકાતાં વજનદાર વર્ષો,
છતાં જાય ભાગ્યાં તડામાર વર્ષો.

તમારા પછીનું આ પહેલું વરસ છે,
હવે કાપવાનાં લગાતાર વર્ષો.

યુગોના યુગોથી જે ક્ષણ ના ભૂલાતી,
એ ક્ષણમાં ભૂલાતાં ઘણીવાર વર્ષો.

અચાનક નવા સ્વાંગમાં આવી ઊભાં,
કર્યાં’તાં અમે જે તડીપાર વર્ષો.

ઘણું છીનવ્યું છે, હજુયે છીનવશે,
છે મારાં, તમારાં ગુનેગાર વર્ષો.

જે બેચાર વર્ષોમાં ખૂલ્યાં ને ખીલ્યાં
જીવાડે હવે એ જ બેચાર વર્ષો.

લખે છે કવિતા એ મારાથી ઊંચી
છે મારાથી ઊંચા કલાકાર વર્ષો.

– પારુલ ખખ્ખર

કોરોનાગ્રસ્ત વીસ અને એકવીસ તો વીત્યાં… બાવીસની શરૂઆત પણ કોરોનાના પુનઃસૂર્યોદયથી જ થઈ છે… આવામાં વર્ષોની વાત કરતી એક મનભર રચનાથી વર્ષ બે હજાર બાવીસનો પ્રારંભ કરીએ… ઉમદા કસબ અને શબ્દગૂંફણીના કારણે રચના આખીયે મનનીય થઈ છે…

4 Comments »

  1. Kajal kanjiya said,

    January 1, 2022 @ 11:48 AM

    ખૂબ સરસ ગઝલ
    Happy New year 🌹😊

  2. pragnajuvyas said,

    January 1, 2022 @ 7:36 PM

    નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
    તમને નવા વર્ષના સાલ મુબારક

  3. જયેન્દ્ર ઠાકર said,

    January 2, 2022 @ 10:34 PM

    વર્ષો એટલે કે સમય, જે કોયનો થયો નથી અને થવાનો નથી! એ આપે છે બધું અને લઈ પણ લે છે!
    આપણને વક્ખ્ત સિનેમાનું ગીત યાદ છે…
    [waqt se din aur raat waqt se kal aur aaj
    waqt ki har shahi gulaam waqt ka har shai pe raaz

    સમય આપણને રમાડે પણ છે, અને રંજાડે પણ છે!
    સરી જતા સમયમાં સહુને નવા વર્ષના સાલ મુબારક!!

  4. praheladbhai prajapati said,

    January 3, 2022 @ 8:21 AM

    superb

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment