આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
રમેશ પારેખ

ધરતીના લીલા કાગળ ૫૨ – હેમેન શાહ

આ કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,
ધરતીના લીલા કાગળ પ૨ ઝાડ કશું ટપકાવે છે!

વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,
એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.

આગ જરા ને ખૂબ ધુમાડો, કુદરતમાં પણ એમ બને,
નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે!

મોસમ એવી છે કે પથ્થ૨ ૫૨ પણ, કૂણું ઘાસ ઊગે,
એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.

ઊભા રહીને બ્હાર, ઉકેલો આ પાણીના અક્ષરને,
કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે?

– હેમેન શાહ

આમ તો શિયાળો બરાબર જામ્યો છે પણ કેટલીક કવિતાઓ બારમાસી હોય છે. વરસાદ ઉપર કવિનું આ પાંચ શેરનું મેઘદૂતમ્ તો જરા જુઓ! વરસાદ કેમ આવે છે એ સવાલ પૂછ્યા વિના કવિ જવાબ આપે છે કે કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે એટલે વરસાદ આવે છે. મેઘધનુષ ગમે એટલું સુંદર કેમ ન લાગે, એનું આયુષ્ય બહુ અલ્પ જ હોવાનું. જીવનની ફિલસૂફી જ સમજો ને! નાની અમથી વસ્તુ પણ બહુ મોટી અસર જન્માવી શકે છે, ખરું ને? ક્ષણાર્ધ માટે આકાશમાં ઝબકી જતી વીજળીના ચમકારા કોને પસંદ નહીં હોય, કહો તો?! પથ્થર પર ઘાસ ઊગે એ હકીકતને કવિ પથ્થરદિલ પ્રિયજનના હૃદયમાં લાગણી ફૂટવા સાથે સ-રસ રીતે સાંકળી લઈ પ્રેમીઓને નિરાશ ન થવાનો કાવ્યાત્મક સંદેશ આપે છે. અને છેલ્લો શેર… વાત તો સાચી જ છે ને! વરસાદની આ કવિતા આમ અહીં વાંચવાના બદલે એ વરસતો હોય ત્યારે તરબોળ થવાનો આનંદ કેમ ન લેવો?

12 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    December 18, 2021 @ 1:27 AM

    વાહ વાહ વાહ
    એકેએક શેર પાણીદાર થયા છે….
    વરસાદી પાણીમાં પલળવાની મજા આવે તેમ બધા શેર ભીંજવી જાય છે.

  2. રિયાઝ લાંગડા(મહુવા). said,

    December 18, 2021 @ 4:11 AM

    વાહ…ખૂબ સરસ👌👌

  3. હેમંત એન. ઠક્કર said,

    December 18, 2021 @ 8:11 AM

    વાહ.. કવિ.. હેમેન શાહ. ખૂબ સરસ ગઝલ છે.

  4. pragnajuvyas said,

    December 18, 2021 @ 8:28 AM

    વાહ
    કવિશ્રી હેમેન શાહની રંગબિરંગી ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  5. Asit Mehta said,

    December 18, 2021 @ 8:46 AM

    ક્ષણભંગુરતા સાથે શાશ્વતતા, હતાશા વચ્ચે આશા, કેટ કેટલી સૂક્ષ્મતા હેમેન શાહ અતિ સંક્ષિપ્ત રૂપે અને સહજતાથી વર્ણવે છે…હકીકત છે,ક્યાંક નજઅંદાજ ના થઈ ગઈ હોય,, એમ સરળ અંને સુંદર રૂપકો નો પ્રયોગ કરી સરકી જાય છે…

  6. દક્ષા બક્ષી said,

    December 18, 2021 @ 11:33 AM

    ખૂબ જ સુંદર અભિવ્યક્તિ. આનંદ વ્યાપી ગયો. ઘણી ખમ્મા કવિને 👏👏👏

  7. Yogen said,

    December 18, 2021 @ 12:11 PM

    વાહ…ખૂબ સરસ

  8. જયેન્દ્ર ઠાકર said,

    December 19, 2021 @ 2:58 AM

    મોસમ એવી છે કે પથ્થ૨ ૫૨ પણ, કૂણું ઘાસ ઊગે,
    એ જોઈ નિષ્ફળ પ્રેમીઓ ભાગ્ય ફરી અજમાવે છે.
    ખુબ જ સરસ!
    મોસમની અસર કોના પર નથી!!

  9. શૈલા મુન્‍શા said,

    December 19, 2021 @ 11:19 AM

    કુદરતના મિજાજને કાગળ પર ઉતારી,
    કબિ હેમેન શાહ મોસમને ખૂબ મમળાવે છે.

  10. Harihar Shukla said,

    December 19, 2021 @ 10:22 PM

    ઓહો, ઓહો, ઓહો, નકરી મોજ !👌

  11. સુનીલ શાહ said,

    December 21, 2021 @ 3:07 AM

    વાહ..વાહ..
    ખૂબ જ સુંદર

  12. Subhash m sheth said,

    December 21, 2021 @ 11:22 AM

    નકરી મોજ આવી ગયી.
    ખૂબ સુંદર વાત શાયરી મારફત કરી રહ્યા છો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment