આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
જાતુષ જોશી

(છતાંયે ઘાવ તાજો છે) – પારુલ ખખ્ખર

થયો છે સાવ ઘરડોખખ છતાંયે ઘાવ તાજો છે,
કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.

ઘણો આપ્યો સમય આ ભીંગડું વળવાની ઘટનાને
અને નાથીને રાખ્યાં નખ છતાંયે ઘાવ તાજો છે.

થયું કે વ્યક્ત કરવાથી દરદ હળવું પડી જાશે,
કર્યું છે એટલે લખ-લખ છતાંયે ઘાવ તાજો છે.

મગજ નેવે મૂકીને અવનવા નુસ્ખા કરી જોયાં,
બન્યા જાણીજોઈ મૂરખ છતાંયે ઘાવ તાજો છે.

જૂનો થાશે- મટી જાશે, જૂનો થાશે- મટી જાશે,
કરું છું ક્યારની ભખભખ છતાંયે ઘાવ તાજો છે.

હજારો લોઢ લોઢાયા અને કરમાઈ ગઈ કાયા,
થઈ છે જિંદગી દોઝખ છતાંયે ઘાવ તાજો છે.

વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી
મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.

– પારુલ ખખ્ખર

આજની તારીખે કાવ્યક્ષેત્રે સક્રિય તમામ સર્જકોમાં પારુલ ખખ્ખરનું સ્થાન સાવ નોખું તરી આવે છે. ગીતોમાં તો એમની ગતિ સૌથી ન્યારી છે જ, ગઝલોમાં પણ એમણે અલગ કાઠુ કાઢ્યું છે. ‘છતાંયે ઘાવ તાજો છે’ જેવી નિભાવવી અઘરી પડે એવી રદીફને કવયિત્રીએ તંતોતંત સાચવી છે. ઊડીને આંખે વળગે એવું ગઝલનું બીજું જમા પાસું છે પ્રમાણમાં અરુઢ અને ચુસ્ત કાફિયાઓની પસંદગી. રદીફ-કાફિયાની બેવડી કસોટીમાંથી પાર ઉતરીને સર્જકે આપણને લાંબો સમય મનોમસ્તિષ્કમાં તાજી રહે એવી મજાની સંઘેડાઉતાર રચના આપી છે, એને હળવે હળવે મમળાવીએ…

13 Comments »

  1. Kajal kanjiya said,

    February 12, 2022 @ 12:17 PM

    ઘાવ તાજો છે ખૂબ સુંદર ગઝલ 😊🌷

  2. Varij Luhar said,

    February 12, 2022 @ 12:31 PM

    ખૂબ સરસ ગઝલ.. ઉત્તમ આસ્વાદ
    થઈ છે જિંદગી દોઝખ.. થોડું
    વધારે પડતું લાગે કારણ કે આવી સંઘેડાઉતાર
    ગઝલ લખાતી હોય ત્યારે જિંદગી મ્હેક મ્હેક થતી હોય

  3. Jay kantwala said,

    February 12, 2022 @ 1:39 PM

    Waah

  4. કિશોર બારોટ said,

    February 12, 2022 @ 2:23 PM

    ખરેખર સુંદર ગઝલ. 👌
    પારુલ બેનને અભિનંદન. 🌹

  5. Sandhya Bhatt said,

    February 12, 2022 @ 3:03 PM

    પારુલબહેનની દરેક રચનાની જેમ બળકટ ગઝલ છે..તમે યોગ્ય વિવરણ આપ્યું છે…

  6. Pragna vashi said,

    February 12, 2022 @ 7:27 PM

    ખૂબ સરસ રચના , રદીફ કાફિયા તેમજ શેરિયત લાજવાબ
    પારુલબેનને અભિનંદન

  7. જયેન્દ્ર ઠાકર said,

    February 13, 2022 @ 12:21 AM

    રરસ!

  8. Anila Patel said,

    February 13, 2022 @ 12:33 AM

    ખૂબ ખૂબ અભિનંદન પારુલબેન

  9. Poonam said,

    February 13, 2022 @ 9:38 AM

    વિચાર્યું, ઝેરનું મારણ કદાચિત ઝેર હો- તેથી,
    મલમ સાથે લગાડ્યું વખ છતાંયે ઘાવ તાજો છે.
    – પારુલ ખખ્ખર – Waah !

  10. આરતી સોની said,

    February 13, 2022 @ 12:55 PM

    વાહ
    ખૂબ સરસ
    મજાની ગઝલ

  11. લલિત ત્રિવેદી said,

    February 13, 2022 @ 2:43 PM

    … . વાહ વાહ.. કવિ

  12. હરીશ દાસાણી. said,

    February 16, 2022 @ 12:03 PM

    ખૂબ સરસ ગઝલ

  13. લતા હિરાણી said,

    February 20, 2022 @ 1:30 PM

    પારૂલ તારી કલમને સલામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment