તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાવ્યપ્રકાર

કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વરસાદમાં – હિતેન આનંદપરા

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

– હિતેન આનંદપરા

વરસાદની ફૂલગુલાબી ઋતુમાં મસ્ત મજાની વરસાદી ગઝલમાં ભીનાં થઈએ. વરસાદ વરસતો હોય ત્યારે વીજળી, વાદળ અને વાયરો –બધાં સાગમટે ધરતીને આલિંગન કરતાં હોય એવું મદમત્ત વાતાવરણ સર્જાય છે. વરસાદના પાણીમાં માત્ર બે પ્રેમીજન જ નથી ઓગળતાં, એમના અબોલા અને રીસ પણ ઓગળી જાય છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

Comments (6)

યથેચ્છસિ તથા કુરુ – વિરલ શુક્લ

શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ

મળે ન મોક્ષ તોય ચાલશે, અપાવ આટલું-
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ

અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી,
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ

વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં,
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ

કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન,
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ

બિલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી,
સમર્પ઼ું શ્વાસ–શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ.

હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી,
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ.

સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.

– વિરલ શુક્લ

શ્રીમદ ભગવદ્ગીતાના આખરી અધ્યાયના શ્લોકમાંથી ‘यथेच्छसि तथा कुरु’ વાક્યાંશ પસંદ કરીને કવિને એને રદીફ તરીકે પ્રયોજીને કવિ સાદ્યંત સુંદર ગઝલ પેશ કરે છે. અર્જુનની જેમ સમર્પણભાવ ગ્રહીને કવિ ઈશ્વર સાથે એકતરફી સંવાદ સાધીને પછી પરિણામ માટે ‘તને જેમ ઠીક લાગે એમ કર’ કહીને પોતાનો ભાર એના પર સોંપી નચિંત થઈ જાય છે. કવિ પાસે ઈશ્વરને કરવા માટે બીજી કોઈ જ પ્રાર્થના નથી, સિવાય એક કે પોતાની આખરી તરસ એ છિપાવે અને આ તરસ કઈ એનોય ફોડ પાડવાને બદલે કવિ એ પણ અંતર્યામી પર જ છોડી દે છે… સમગ્ર ગઝલમાં જે રીતે કવિએ શબ્દવણાટ કર્યું છે એ પણ રદીફની જેમ જ ગઝલને પ્રચલિત ચાલમાં હડિયાદોડ કાઢતી ગઝલોથી નોખી કરી આપે છે.

આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલ કહી છે… એ આવતીકાલે જોઈશું…

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया|
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। ॥ (ભગવદ્ગીતા ૧૮ : ૬૩)

(આ રીતે મેં તને ગુહ્યથીય ગુહ્યતર જ્ઞાન કહી દીધું છે. આના પર પૂરી રીતે વિચાર કર અને જે પ્રકારે ઇચ્છા થાય એ પ્રકારે કર.)

Comments (11)

માનતા બની છે – મકરંદ દવે

મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી જ ઘરની ભરીભરી શૂન્યતા બની છે.

તમારી સૂરત રમી રહી’તી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં ન જાણે ક્યાં બેપતા બની છે !

હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે ન તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.

કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો-સિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.

અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.

સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી-ટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા-લતા બની છે !

કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બની-ઠની સૂરતા બની છે. [ સૂરતા = દેવત્વ ]

– મકરંદ દવે

ઘેરી વેદના છે ભલે મૃદુ શબ્દો વપરાયા છે. કવિ સિદ્ધહસ્ત છે…શબ્દોના જાદુગર છે,ભાષાના સ્વામી છે. ” અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી, તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે. ” – આ શેરમાં રહેલી વેદના જુઓ ! મત્લો પણ અદભૂત….

Comments (2)

પ્યારનો પારો – વેણીભાઈ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈને ગીત-કવિ તરીકે હું પીછણતો. આવી સરસ ગઝલ વાંચીને મજા આવી ગઈ. દરેક શેર મજબૂત. પરંપરાગત કલ્પનો પણ વાત ક્રાંતિકારી. છેલ્લેથી બીજો શેર જુઓ….. વળી ‘પ્યારનો પારો’ કલ્પન પણ કેટલું બંધબેસતું છે !!

Comments (3)

સાથી – ડોરથી લિવસે (અનુ.: વિવેક મનહર ટેલર)

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું આ સૉનેટ કેવું મજાનું છે, જુઓ! આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાતનો પ્રેમ જીવનભરનું ભાથું બની રહેતો હોય છે. દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. અહીં એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારનો સ્નેહાસિક્ત સહવાસ જીવનભરના ઉપવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

*

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

Comments (12)

મેઘની સવારી – જાગ્રત વ્યાસ ‘મધુકર’

(છંદ – ગુલબંકી)

સાવધાન! સાવધાન!
મેઘ પાલખી વિરાટ આવતી, બજે મૃદંગ
વ્યોમનું વિરાટ છત્ર, વીંઝણો હવા ધરંત
સંભળાય ડાબલા નભે પ્રચંડ જાય ખંગ
અંગના અષાઢની લહે અનંગ અંગ અંગ
પાંચ પાંચ પુષ્પનાં શરો કમાન તંગ તંગ
મેઘ થાય આ૨પા૨, સહુ ઘવાય અંગ અંગ

સાવધાન! સાવધાન!
ભીંજવે અષાઢ આજ કો’ રહી ન જાય બ્હાર
વરસતી નભે જુઓ અતીવ ધા૨ ધારદાર
થાય ખૂબ તરસ કંઠ, થાય અંગ તીવ્ર આગ
તોડ મેઘનો કશો ન? એમ થાય વાર વા૨
કોઈને હવે કશુંય ક્યાં જરીય સાનભાન!
આંસુ ને નભજળની તમામ તૂટતી જ પાળ.

– જાગ્રત વ્યાસ ‘મધુકર’

લયસ્તરોના આંગણે કવિશ્રી અને એમના સંગ્રહ દ્યુતિલોકનું સહૃદય સ્વાગત…

બે બંધની ગીતરચનામાં કવિ સાવધાન સાવધાનની દ્વિરુક્તિ કરીને મેઘરાજાના સ્વાગત માટે આપણને તૈયાર કરે છે. મેઘરાજની વિરાટ પાલખીના આગમન પર વાદળોની ગર્જના મૃદંગ વાગતું હોવાની પ્રતીતિ કરાવે છે. રાહાના માથે આભનું વિરાટ છત્ર છે અને વાયુ વીંઝણો ઢાળી રહ્યો છે. આ ગાજવીજને દોડી રહેલા પ્રચંડ અશ્વના ડાબલા પણ ગણી શકાય. અષાઢસુંદરી કામાતુર થઈ છે. અહીં ‘અ’કારના વર્ણાનુપ્રાસ સાથે અંગના-અંગ-અંગ-અનંગનું સંગીત કવિએ સર્જ્યું છે એ અદભુત છે. અંગેઅંગની આરાપાર ઊતરી ઘાયલ કરી જતી આ તીવ્રાનુભૂતિને આપણે પંચેન્દ્રિયની સમગ્રતાથી પામવાની છે.

પહેલા બંધમાં જે રીતે કવિતા પૂર્ણમાસી ચંદ્રની જેમ ખીલી છે એની સરખામણીએ બીજો બંધ થોડો સપાટ થયો છે. અષાઢ ભીંજવે છે અને વરસાદની ધારદાર ધાર વરસી રહી છે, અંગેઅંગે તીવ્ર આગ લાગે છે –આ તમામ વાત પ્રથમ બંધમાં વધુ કાવ્યાત્મક્તાથી થઈ જ ચૂકી છે. હા, ધાર અને ધારદારમાં જે વર્ષાની ધારા અને અણીની ધારનો શ્લેષ છે એ રમણીય થયો છે. સાનભાન ભૂલાવી દે એવા મેઘને તો બસ માણીએ જ…

આખરી પંક્તિને બાદ કરતાં ગુલબંકીનો ગાલ ગાલ લય તાડ્ તાડ્ કરતા તડામાર વરસાદને આબેહૂબ ઝીલી શક્યો છે, જેના કારણે કાવ્ય વધુ આસ્વાદ્ય બન્યું છે.

Comments (7)

આવતો નથી – ચેતન શુક્લ ‘ચેનમ’

વાદળ બની આંખે તમારી આવતો નથી,
વરસાદ જેવી શક્યતાઓ બાંધતો નથી.

એના વગર ચાલે નહીં આદત કહો કે લત,
વાંધા વગરની જિંદગી હું ધારતો નથી.

તું ક્યાં નથી? એ પ્રશ્નનો ઉત્તર બની જવા,
હું ક્યાં નથી? એ પ્રશ્ન સામે રાખતો નથી.

મારા વિશેની બાતમીથી હું અજાણ છું,
વાંચ્યા કરે લોકો મને, હું વાંચતો નથી.

‘છોડી ચૂક્યો છું’ રીતથી, રાખી શકું તને,
જીવી શકું તારા વગર એ માનતો નથી.

– ચેતન શુક્લ ‘ચેનમ’

સરળ સહજ પણ મજાની રચના… ત્રીજો અને પાંચમો શેર સ-વિશેષ સ્પર્શી ગયા…

Comments (1)

કફન પણ ન પામ્યા દુલારા – જમિયત પંડ્યા ‘જિગર’

અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,
મિલનની ઘડી જાય છે આવનારા!
હવે વાર કરવી નકામી જ છે જ્યાં,
છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.

ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.

અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.

કદાચિત મળી જાય મોતી અમૂલાં,
લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ
નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,
અને દૂર દીઠા છલકતા કિનારા.

પરાયા બનીને નિહાળી રહ્યા છે,
અમારા જીવનની હરાજીના સોદા;
અને તેય જાહેરમાં જે સ્વજનને
અમે માનતા’તા અમારા-અમારા.

‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,
સમયની ગતિ છે અલૌકિક – અજાણી;
અહીં કૈંક સંજોગના દોરડાથી
નથાઈ ગયા કાળને નાથનારા.

– જમિયત પંડ્યા ‘જિગર’

 

પરંપરાગત રચના છે, પણ પ્રત્યેક ચરણ મજબૂત છે – કેન્દ્રવર્તી વિચારની મજબૂતાઇ આખી નઝમને ઊંચકી લે છે….

Comments (1)

ખુદા આવે – ‘કામિલ’ વટવા

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ ૫૨ જો વ્યથા આવે,

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી ૫૨ મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉ૫૨ બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

– ‘કામિલ’ વટવા

આ ગઝલ ઘણા લાંબા સમય પછી વાંચી – આ ગઝલ સાથે એક દિલનો નાતો મુગ્ધાવસ્થાથી જ છે….. “ એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે “ – આ પંક્તિ વીંધી નાખતી… આજે પચાસની ઉંમરે પણ આ પંક્તિ વીંધી નાંખે છે….

જીતવું સહજ/શક્ય ભલેને હોય, પણ ક્યાંક હારી જવામાં જ સાર હોય છે.

Comments (6)

હું તો હિંચકે બેસું ને… – નીતિન પારેખ

હું તો હિંચકે બેસું ને સાજણ સાંભરે રે લોલ!
હું તો ઢોલિયે ઢળું ને સાજણ સાંભરે રે લોલ!

હું તો બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
મોટું બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
ઝાઝાં લૂગડાં ધોઉં ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
રોજ ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
હેલ છલકે – છલકે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો દા’ડે ડૂબેલી રહું કામમાં રે લોલ!
આખો દા’ડો ડૂબેલી રહું કામમાં રે લોલ!
રૂડી રજની ઢળે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મીઠા સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મોર મધરા બોલે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને…

– નીતિન પારેખ

અદ્દલ લોકગીતની ચાલમાં લખાયેલું આધુનિક ગીત. કવિએ ક્યાંય સ્પષ્ટતા નથી કરી પણ કાવ્યનાયિકા પ્રોષિતભર્તૃકા હોવાનું વિચારી શકાય. મુખડા અને પ્રથમ ત્રણ બંધ પરથી ખ્યાલ આવે કે પરિણીતા એના પરણ્યાના વિરહમાં છે અને આખરી બંધમાં એ પિયરના સ્વપ્ન પણ જોઈ રહી છે, મતલબ એ સાસરીમાં રહીને મનના માણીગરથી દૂર છે, અર્થાત્ પતિ પરદેશ ગયો હોવો જોઈએ.

ચાર બંધના ગીતમાં શરૂથી અંત સુધી કવિએ નાયિકાનો પતિઝૂરાપો પરોઢિયાથી રાત લગી દિવસની નાની-મોટી તમામ પ્રવૃત્તિઓમાં એકધારો જાળવી રાખ્યો છે. એકાદ શબ્દની સાર્થ હેરફેર સાથે દરેક બંધમાં નાયિકા પોતાની દિનચર્યાની લોકગીતની શૈલીમાં પુનરોક્તિ કરે છે, જેનાથી ભાવ વધુ ઘૂંટાય છે. સરવાળે સ-રસ કવિતા સિદ્ધ થાય છે…

Comments (3)

આરોઓવારો – રવીન્દ્ર પારેખ

ખોબામાં ઝીલું તે તારો વરસાદ
.            અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે,
.                              પણ મારો વરસાદ જરા ખારો…
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

ઓણસાલ ચોમાસું મારવાડી એવું
.            કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
.            જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
.                              તો થાય આ તે વર્ષા કે પારો?
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
.            તો દૂર કોણ કરે એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
.            વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
.                              ને માથે મૂકે કે છૂટો ભારો,
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

– રવીન્દ્ર પારેખ

વરસાદ સરસ મજાની ઓપનિંગ ઇનિંગ રમીને અચાનક ગાયબ થઈ ગયો છે. મારવાડી હોય એમ ચોમાસાને આ વર્ષે પાણી ખરચવામાં જોર પડે છે. સૂરજ પર પેણો મૂક્યો હોય પણ પેણો જાણે બરાબર ગરમ જ ન થયો હોય અને એમાં મૂકેલી જળની જુવાર માંડ ધાણી થઈ ફૂટે એ કલ્પન જ કેવું મૌલિક અને અનૂઠું છે! હાથમાંથી પારો છટકી જાય એમ હાથમાં આવે, આવે, ને ન આવે એવા ફોરાંનું કલ્પન પણ એવું જ આસ્વાદ્ય થયું છે. બીજા બંધમાં પણ કવિએ એક મજાનું દૃશ્યચિત્ર કલમના લસરકે સુવાંગ દોરી આપ્યું છે. સરવાળે વરસાદ ઉપર લખાયેલી ગુજરાતી કવિતાઓમાં અગ્રસ્થાને બિરાજમાન થઈ શકે એવી રચના…

Comments (8)

(હાશ!) – અનિલ ચાવડા

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!

ભીની કેડી ૫૨ જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉ૫૨ ઊગી ગયું છે ઘાસ, હાશ!

સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

જે ક્ષણો જોવી જ ન્હોતી, એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!

આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!

– અનિલ ચાવડા

હંમેશ મુજબ અનિલ ચાવડાની એક સંઘેડાઉતાર રચના આજે માણીએ….

Comments (11)

(હરિવર ઊતરી આવ્યા નભથી) – ભગવતીકુમાર શર્મા

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી વહેતાં આંસુ

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

– ભગવતીકુમાર શર્મા

ચોમાસુ સુવાંગ ખીલ્યું છે એવામાં ભગવતીકુમારનો આ મેઘમલ્હાર યાદ ન આવે તો જ નવાઈ. હરિ અને હરિપ્રસાદી સમો મેઘ અને સચરાચર સૃષ્ટિની ત્રિવેણીની આસપાસ કવિએ ગીતની મજાની ગૂંથણી કરી છે. આકાશથી વરસાદ નથી વરસતો, જાણે સાક્ષાત્ ઈશ્વર મેઘમલ્હાર ગાતા ગાતા ઊતરી આવ્યા છે, પરિણામે વરસાદના છાંટાનો સ્પર્શ પોતે જ હરિનો સાક્ષાત્કાર બની રહે છે. ચોમાસુ વાયરા જાણે હરિએ મારેલી ફૂંક છે, જે બળબળતી લૂને દૂર ઊડાડી જાય છે. ભીની માટીની ગંધ જાણે હરિના શ્વાસ જ જોઈ લ્યો! આખું ગીત આ જ રીતે હળવે હળવેથી ખોલીને માણવા જેવું છે… ચોમાસાની નાનામાં નાની પ્રાકૃતિક બીનાને કવિએ કેવી બખૂબી ઈશ્વર સાથે સાંકળી લીધી છે એ ચમત્કાર પોતે કાવ્યવૃષ્ટિમાં સરાબોળ ભીંજાવા જેવો છે…

Comments (6)

જળને તે શા… – ધીરુ પરીખ

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહોઃ છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણાં ક્હો કે નદીયું હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

– ધીરુ પરીખ

પાણીને કોઈ ઘાટઘૂટ હોતાં નથી. કોઈપણ સ્વરૂપે પાણી પાણી જ રહે છે. દરિયો કહો કે આભને આંબી ઘેરીને ગજવતાં વાદળાં કહો, જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. ઊંચાઈએથી સાવ નીચે ખીણમાં પડવાનોય જળને કોઈ રંજ નથી, એ તો ફીણાળું હાસ્ય જ વેરે. ઝરણું-નદી-ધોધ કંઈપણ કહો, જળમાં ફૂટ પાડવી અસંભવ. જળને ટૂંકમાં કશી તમા નથી, માથાકૂટ એને બાંધવા મથતા કિનારાઓની જ છે.

આખી વાતને આપણા વ્યક્તિત્વ સાથે પણ જોડી શકાય. જન્મથી મૃત્યુ સુધી સમાજ આપણને અલગ-અલગ જાતનાં નાનાં-મોટાં ચોકઠાંઓમાં બાંધવા મથતો જ રહે છે, પણ આપણું પોત એ આપણું પોત છે. એને બંધાવા દેવું કે કિનારાઓના મહોતાજ થવા દેવું કે કેમ એ આપણે નક્કી કરવાનું છે… ન સમજાય તો જળ પાસેથી થોડું શીખીએ…

Comments (2)

(કોઈને) – અમિત વ્યાસ

કોઈ ક્યાં ભૂલી શક્યું છે કોઈને?
રોજ વસ્ત્રો પહેરવાનાં ધોઈને.

જાત ઓગળતી રહે એ ક્ષણ સુધી;
આપણે જોયા કરીએ કોઈને!

એક માણસ પાણી-પાણી થઈ ગયો,
આભ ગોરંભાતું માથે જોઈને.

આપણી વચ્ચે પડેલી ખાઈને,
પૂરવા કોશિશ ન કર તું રોઈને.

આપણે સહુ એ રમતમાં ગુમ છીએ,
એક વસ્તુ શોધવાની, ખોઈને.

– અમિત વ્યાસ

મજાની રચના… છેલ્લા બે શેર તો અદભુત.

Comments (7)

(-) – નેહા પુરોહિત


લગભગ રોજ
મારા વહેતાં જળમાં પગ ડૂબાડી
કલાકો સુધી
મને એકટસ તાકતો
બેસી રહેતો.

આજે..

મારા જ કિનારે
બેસીને
જાળ ગૂંથી રહ્યો છે..
હે સોનેરી માછલાંઓ
જતાં રહો દૂર… દૂર…
જ્યાં લગ પહોંચતા
એ ખુદ બની જાય
માછલી!

– નેહા પુરોહિત

કવિતામાં બહુધા અર્થ કરતાં અનુભૂતિનું વિશેષ મહત્ત્વ હોય છે. કહ્યું છે ને, A poem has to be, not mean! પ્રસ્તુત રચના નદીની ઉક્તિ સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી નજરે કશું ન સમજાય એવું કે અર્થકોશની બહારનું નજરે ચડતું નથી પણ કાવ્યાંતે પહોંચતા સુધીમાં અનુભૂતિ અર્થને અતિક્રમી જાય છે. ‘લગભગ રોજ’ અને ‘કલાકો’ –સમયના આ બે આયામો નદી અને મનુષ્ય વચ્ચેનો નિઃસ્વાર્થ નિર્હેતુક સ્નેહસંબંધ પ્રસ્થાપિત કરે છે. પણ જ્યારે માણસનો હેતુ બદલાતો દેખાય છે, ત્યારે નદી માછલાંઓને એટલાં દૂર ચાલ્યા જવાની સલાહ આપે છે કે ત્યાં સુધી પહોંચવામાં મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ગુમાવીને સ્વયં મત્સ્ય બની જાય. આ metamorphosis અસ્તિત્વનું નથી, હકીકતમાં તો હેતુનું છે. જેનો શિકાર કરવાની મંશા હોય, શિકારી એ જ બની જાય ત્યારે જાળ આપોઆપ ખુલી જતી હોય છે… નદી અને મનુષ્યને સામસામે બેસાડીને વાત કરતી આ રચના સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધને પણ લાગુ પડતી જણાય છે. પણ શરૂમાં કહ્યું એમ, કેટલીક કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું પ્રાધાન્ય વધારે હોય છે… નદીમાં તો ઓગળીને વહી જવાનું જ હોય ને!

Comments (14)

(ખરી નમાજ થશે) – સુનીલ શાહ

કોઈને તારે લીધે હાશ થશે,
એ જ તારી ખરી નમાજ થશે.

લાગણી તારી માત્ર ભાવ થશે,
હૂંફ આપે પછી એ શાલ થશે.

રક્તરંજિત કરીને છોડશે એ,
જીભ તારી અગર કટાર થશે.

ના ઉઠાવી શક્યા અવાજ કદી,
એટલે આપણી જ હાર થશે.

તું જગતના પ્રવાહથી છે અલગ,
એટલે કૈંક તો સવાલ થશે.

લાલચે ઘેરી લીધો છે એને,
જાળ નાંખ્યા વગર શિકાર થશે.

એવું નહિ કે બધે જ ઝૂકી જઉં,
ક્યાંક મારીય આંખ લાલ થશે.

– સુનીલ શાહ

ગઝલમાં ‘અ’કારાન્ત કાફિયા આમ તો ગુજરાતી સિવાયની ભાષામાં સ્વીકાર્ય જ નથી. ગુજરાતી ભાષામાં પણ સુરત સિવાયના પ્રદેશોમાં એની સામે અવારનવાર વિરોધ નોંધાતો જોવા મળે છે. પણ જો અકારાંત કાફિયા વાપરીને કવિ આવી સાદ્યંત સુંદર રચના આપી શકતા હોય તો મારા મતે એ સર્વથા સ્વીકાર્ય છે…

એકદમ સરળ ભાષામાં કવિ અદભુત અર્થગહન શેરો નિપજાવી શક્યા છે. આખેઆખી રચના જ સંઘેડાઉતાર થઈ છે. કયો શેર વધુ ગમાડવો ને કયો ઓછો એ નક્કી કરવા બેસીએ તો જાત સાથે જ ઝઘડો થઈ જાય કદાચ… વાહ કવિ!

Comments (11)

(દિલની મોસમ) – સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.

જોબનમાં ભરતી આણી દે!
નસ નસ જાણે માગણ થઈ છે.

દહાડે દહાડો લપકારે લઈ,
આવરદા પણ સાપણ થઈ છે.

હરશે મુજને મારામાંથી,
ચાહત તારી રાવણ થઈ છે.

હું, તું ને એક પાળ લપસણી,
પાની માખણ માખણ થઈ છે.

નીંદર લખ લખ સપનાં જણશે,
ઇચ્છા ડોસી દાયણ થઈ છે.

– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

ફાગણ એટલે અસ્તિત્વના વૃક્ષોને રંગરંગી ફૂલોથી છલકાવી દેતી મોસમ. કેસૂડાં, ગુલમહોર, સોનમહોર, ચંપો અને છેલ્લે ગરમાળો. વળી ફાગણ એટલે ધુળેટીના રંગોની ઋતુ પણ. પ્રેમમાં પડેલા માણસને તો દિલમાં બારેમાસ ફાગણનો અહેસાસ થાય. ફાગણ શબ્દમાં સમશીતોષ્ણ આબોહવા પણ સંમિલિત છે. ખુશબૂ, રંગો અને ઉષ્ણતાસભર ફાગણનો ફાગ ભલભલાને બહેકાવે. દિલની તિજોરી ફૂલો જેવી થાપણથી છલકાઈ ઉઠી છે, આવામાં ફાગણ બેઠો હોવાનું ન અનુભવાય તો જ નવાઈ. આખી ગઝલ આસ્વાદ્ય થઈ છે પણ છેલ્લો શેર તો અદભુત થયો છે. કલ્પન અને અભિવ્યક્તિ અહીં નવી જ ઊંચાઈ આબે છે. ઇચ્છાડોસીને મળતાં જ મિલિન્દ ગઢવીની ઝમકુડોશી યાદ આવે.

Comments (7)

(છે ને રહેશે) – જુગલ દરજી

જગત સામે જૂની ટસલ છે ને રહેશે
બગાવતપણું આ અટલ છે ને રહેશે

મળી જાય તું, તો ઠરીઠામ થઈએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.

જરૂરી છે પહોંચી જવું કોઈ રીતે,
નદી-નાવની ગડમથલ છે ને રહેશે.

ભલે ડોળ આકંઠ તૃપ્તિનો કરતો,
તરસ કંઠમાં દરઅસલ છે ને રહેશે.

પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.

– જુગલ દરજી

ટૂંકી બહર, ચુસ્ત કાફિયા, ‘છે ને રહેશે’ જેવી સજાગ કવિકર્મની કસોટી કરે એવી અનૂઠી રદીફ, લગાગાના ચાર આવર્તનોની આંદોલિત કરતી મૌસિકી અને એક સંઘેડાઉતાર ગઝલ. ભઈ વાહ!

કવિનો મિજાજ મત્લામાં સુપેરે પ્રદર્શિત થાય છે. પોતાનું બગાવતપણું કવિ જતું કરનાર નથી, ને એ કારણોસર દુનિયા સામેની એમની જૂની ટસલ પણ હજી છે જ અને કાયમ રહેશે પણ. બીજો શેર પ્રિયપાત્ર કે ઈશ્વર –બંને માટે પ્રયોજી શકાય એવી અર્થચ્છાયા ધરાવે છે. ‘તું’ જ્યાં સુધી મળી ન જાય, જીવનની મજલ લાંબી જ હતી, છે અને રહેશે, ઠરીઠામ થઈ શકાવાનું જ નથી. રસ્તા અને સાધન વચ્ચે ભલેને લાખ ગડમથલ કેમ ન હોય, મંઝિલ કોઈ પણ રીતે હાંસિલ કરવાની ઇચ્છા વધારે મહત્ત્વની છે. ચોથો શેર સંસારનું સનાતન સત્ય રજૂ કરે છે. માણસ બહારથી ગમે એટલો સંતૃપ્તિનો ડોળ કેમ ન કરતો હોય, એની મૂળભૂત પ્રકૃતિ સાથે તો અસંતોષ જ વણાયેલો છે. છેલ્લો શેર ગઝલકારનો શેર છે. સીદીભાઈને સિદકા વહાલાના ન્યાયે ગઝલકારને તમામ કાવ્યપ્રકારોમાં ગઝલ જ સવા વેંત ઊંચી લાગશે… જો કે આજના યુગમાં આ વાત કંઈક અંશે સાચી પણ સાબિત થઈ રહી છે…

Comments (14)

(નાવ હંકારી) – વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી!

બરાબર રંગથી ને રૂપથી એનાં પરિચિત છું,
કહો તો હું તરસનું શિલ્પ આપું હાલ કંડારી!

અચાનક લાખ ઇચ્છાઓ ફૂટી આ નીકળી ક્યાંથી?
ન વાવ્યું બીજ કોઈએ, ન સીંચી કોઈએ કયારી.

રહ્યું સુખ વેગળું એ રીતથી લાગ્યા કર્યું એવું,
સતત વૈરાગથી છેટું રહયું હો કોઈ સંસારી!

હવે નાસી જવું તો ક્યાં જવું બોલો કઈ બાજુ?
સ્મરણ તો હાથ ધોઈને હવે પાછળ પડ્યા મારી!

– વ્રજેશ મિસ્ત્રી

પાંચ શેર… પાંચેય સંતર્પક…

Comments (8)

(ભૂલી જવાયાં છે) – કિરણસિંહ ચૌહાણ

ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.

અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.

હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.

અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’

તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.

– કિરણસિંહ ચૌહાણ

કવિતા સમાજનો સાચો અરીસો છે… સામાન્યરીતે કવિતાને આપણે સ્ત્રીસૌંદર્ય, પ્રણય, પ્રકૃતિ અને ઈશ્વરમાં જ રચીપચી જોતાં હોઈએ છીએ પણ લાખ સૌંદર્યઘેલી કેમ ન હોય, કવિતા ભાગ્યે જ વિશ્વના સાંપ્રત વહેણોથી અછૂતી રહી શકે છે. ગઝલના દકિયાનૂસી વિષયોથી આગળ વધીને આ ગઝલ જુઓ, કેવી સ-રસ રીતે આજના સમાજને અને આપણા આજના માનસને ઝીલી શકી છે!

મોટી માયા વિશેષણ એ આજના જગતનો તકાજો છે. આવા લોકો આપબળ ન હોય તો ‘કોઈક’ બાપબળે પણ ચલણમાં રહે છે. બીજું, માણસ આજે સાચા અર્થમાં ગરીબ બન્યો છે. પુરુષાર્થબળે, ભાગ્યબળે કે કોઈપણ પ્રકારે મનુષ્ય નબળી પરિસ્થિતિમાંથી ઉપર આવે ત્યાર બાદ પહેલાંના જમાનાની જેમ બીજા નબળી સ્થિતિના લોકોને મદદરૂપ થવાના બદલે પોતાની નબળી સ્થિતિને જ આજીવન લખલૂંટ કમાવાનું સાધન બનાવી રાખે છે. મૂલ્યોનું આવું ધોવાણ આ પહેલાં કદી નહોતું. બાકીના શેર પણ આવા જ પ્રાણવંતા છે પણ આખરી શેર વધુ ધ્યાનાર્હ થયો છે. પોતાને જોઈતો ફાયદો મળી જતો હોય કે મળવાની આશા હોય તો લાયક ઉમેદવારોની સિફતપૂર્વક કરાયેલી બાદબાકી સામે આપણે આંખ આડા કાન કરીને જ ચાલીએ છીએ.

Comments (15)

સન્નાટો સન્નાટો – વિજય રાજ્યગુરુ

મોભારેથી ખડકી લગ છે સન્નાટો સન્નાટો!
વાટ કોઈની નથી હવે ના દીવો ના ગરમાટો!
ચોતરફે સન્નાટો…

રાંધણિયામાં રાખ વળી છે કોને ગમતું રાંધું?
ના બંધાયો પ્રીતે એને મીંઢળથી શું બાંધું?
મારી સાથે ઝૂરે ફળિયાની પીપળનો ફાંટો!
ચોતરફે સન્નાટો…

કાટ ચડ્યો છે પાનેતરને, ઘરચોળું વંકાતું!
સપ્તપદીના વચનોમાં કંકુપગલું અટવાતું!
સીમે વરસે અનરાધારે, ઓસરિયે ના છાંટો!
ચોતરફે સન્નાટો…

ચૂંક-ચાંદલો થાય બધાં શણગારો જાય પટારે!
મંગલસૂત્ર હલે ઠાલું તો સેંથો મેણાં મારે!
ખાલીપો તો એવો ખટકે જેવો ખટકે કાંટો!
ચોતરફે સન્નાટો…

– વિજય રાજ્યગુરુ

ત્યક્તા પરિણીતાની વેદનાનું હૃદયદ્રાવક ગીત. મુખબંધમાં સન્નાટોની પુનરુક્તિ સન્નાટાને ઘૂંટવામાં ઉપકારક નીવડી છે. વાટ શબ્દમાં પણ કવિએ મજાનો શ્લેષ સાધ્યો છે. ગરમાટો શબ્દ પણ જાણે શ્લેષ કરતો ન હોય એમ દીવાની સાથોસાથ સહવાસની ઉષ્માના ખાલીપાને ઉચિત રજૂ કરે છે. મુખડામાં જે સન્નાટો અને એકલતાની વાત થઈ છે એ ત્યક્તાની ઉક્તિ હોવાની વાત આગળ જતાં મીંઢળથી વ્યાખ્યાયિત થાય છે. આપણા સમાજમાં મોટાભાગની સ્ત્રી મીંઢળને હાથકડી ગણે છે. પણ આપણી કાવ્યનાયિકા આ બાબતમાં સ્પષ્ટ છે. એ સમજે છે કે મીંઢળ હાથકડી નથી. જ્યાં પ્રીતનો તાંતણો જ તૂટી ગયો હોય ત્યાં મીંઢળની દુહાઈ શા કામની? જીવનમાં પડી ગયેલા ‘પરમેનન્ટ’ ફાટાને પીપળાના ફાંટા સાથે કવિએ સ-રસ સરખાવ્યો છે. પાનેતર-ઘરચોળું, સપ્તપદીના વચનો અને કંકુપગલાં હવે ઇત-હાસ થવાને આરે છે કેમકે મનનો માણીગર ઘરની ઓસરીને કોરીધાકોર મૂકીને ક્યાંક બીજે અનરાધાર વરસી રહ્યો છે. ગીતના આખરી બંધમાં કવિ કોઈ નવી વાત નથી કરતાં પણ ત્યજાયેલી દુલ્હનના મંગળશણગારોની યાદી સંપૂર્ણ કરે છે, જે થકી નાયિકાની વેદનાને વાચા આપવાનું કામ પણ સંપન્ન થાય છે.

Comments (16)

ટીવી-ચર્ચા – પ્રબોધ ૨. જોષી

અમારો શ્વાન બહુ સમજુ છે.
આસપાસના બધા શ્વાન
ભસવા લાગી જાય
ત્યારે એ ચૂપ રહે છે.
અને સમજવાની કોશિશ કરે છે.
પછી કદાચ
સમજી જતો હશે કે
સૌને ભસવાનાં પોતપોતાનાં કારણો હશે
પણ
ટી.વી પર ચર્ચા ચાલે છે
ત્યારે
તો એ ટૂંટિયું વાળીને સૂઈ જ જાય છે.
અને
આસપાસમાં
શ્વાન ભસે.
તો એ પણ એને સંભળાતું નથી !

– પ્રબોધ ૨. જોષી
(૬-૯-૨૦૧૧)

સાહિત્યના નામે આજકાલ સોશ્યલ મિડીયા પર થોકબંધ કચરો પળેપળ ઠલવાઈ રહ્યો છે. જેમનામાં કોઈ સત્ત્વ જ નથી એવા સૂંઠના ગાંગડે ગાંધી બનવા તલસટા લોકો પારાવાર ઘોંઘાટ મચાવી રહ્યા છે. દસ વર્ષ પહેલાં લખાયેલી આ કવિતા કદાચ આવા લોકો માટે જ હશે. જો કે હકીકત એ પણ છે કે આવા લોકોને કવિએ અહીં જે કટાક્ષ કર્યો છે એ પણ સમજાય તો સમજાય…

Comments (5)

શ્રાવણની સંધ્યા – દાદુદાન ગઢવી (કવિ દાદ)

આભમાં ઉડે અબીલ ગુલાલ રે,
સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલo

એણે એક રે ફૂલડું ઝંબોળીને ફેક્યું રે લોલo
ધરતી આખી થઈ ગઈ છે, રંગચોળ રે …સંધ્યાo

શ્યામલ વાદળિયે કેવી શોભતી રે લોલo
હબસણના રંગ્યા જાણે હોઠ રે …સંધ્યા

ડુંગરડાની ટોચું કેવી દીસતી રે લોલo
જોગીડાની જટામાં ગુલાલ રે …સંધ્યાo

હરિયા રૂખડારે એવા રંગભર્યા રે લોલo
વગડે જાણે વેલ્યું હાલી જાય રે …સંધ્યાo

છાતીએ સિંદુરિયા થાપા સોભતા રે લોલo
સૂરજ જાણે ધીંગણામાં જાય રે …સંધ્યાo

ખોબલે સૂરજ વસુધાને સતચડ્યાં રે લોલo
રજપૂતાણી બેઠી અગન જાળ રે …સંધ્યાo

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

સામાન્ય રીતે શ્રાવણનું આકાશ કાળા વાદળછાયું અર્થાત્ મ્લાનવદની હોય છે. પણ સંધ્યાટાણે લાલ-કેસરી રંગો શ્રાવણ માસમાં પણ ફાગણ અને ધૂળેટીની આહ્લાદક અનુભૂતિ કરાવે છે. સૂરજ જાણે એક ફૂલ છે અને એના પશ્ચિમમાં ઝંબોળાઈને ફેંકાવાથી ન માત્ર, આકાશ, ધરતી પણ રંગચોળ થઈ ગઈ છે. સંધ્યાટાંકણે શ્યામ વદળોની કોરેથી છલકાતા રંગ કોઈ હબસણે હોઠ રંગ્યા હોય એમ ભસે છે. કેવું અનુઠું કલ્પન! ભૂખરા ડુંગરોની રાતી થયેલી ટોચ જોગીની જટામાં ગુલાલ જેવી લાગે છે. રૂખડા જેવા વૃક્ષ પર સંધ્યાના રંગોની આભા ઉજ્જડ વગડાને રંગોથી સીંચી દેતી વેલોની હારમાળા જેવી છે. શૂરવીર રણે જવા નીકળે ત્યારે પત્ની એની છાતીએ સિંદૂરિયા થાપા મારે એવું સિંદૂરી આકાશ સૂરજના ધીંગાણામાં જતા હોવાનો અહેસાસ કરાવે છે. અંતે, સૂરજ ધરતીના ખોળામાં આવે છે એ ઘડીએ આકાશમાં છવાઈ વળેલી અગનજાળ જેવી લાલિમાને કવિ રાજપૂતાણી રાજપૂતનું કપાયેલું માથું લઈને ચિતામાં સતી થવા બેઠી હોવા સાથે સરખાવે છે. ગુજરાતી કાવ્યજગતમાં દૃશ્યકાવ્યના સર્વોત્તમ શિખરે ગર્વભેર બિરાજમાન થઈ શકે એવું આ કાવ્ય છે.

Comments (8)

કારોબાર છે – ચેતન શુક્લ ‘ચેનમ’

કોઈ એવી યાદનો બેજોડ કારોબાર છે,
તું કશે હોતી નથી ભરચક છતાં અંધાર છે.

ઝાડનું હોવાપણું સાક્ષાત્ ને સાકાર છે,
પણ હવાના સ્પર્શથી બેબાકળું આ દ્વાર છે.

દૃશ્યની પણ બહાર ઊભાં દૃશ્ય સૌ તૈયાર છે,
આંખની સાચી તપસ્યા પર ઘણો આધાર છે.

જે તળે બેસીને વેંઢારી રહ્યો ત્યાં પૂછજે,
દીવડાની જ્યોતનો અંધાર પર શું ભાર છે ?

ભીંગડાં બાઝી ગયાં છે સ્પર્શની એ ટેવ પર,
ટેરવાં જાણે અહલ્યાનો હવે અવતાર છે.

– ચેતન શુક્લ ‘ચેનમ’

લયસ્તરોના આંગણે કવિના પ્રથમ ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત…

આમ તો યાદોને મોટાભાગના સાહિત્યકારો વિરહના અંધારામાં પથરાતો અજવાસ ગણે છે પણ કવિ જરા ઉફરું કલ્પન લઈ આવ્યા છે. એમના મતે પ્રિયાની અનુપસ્થિતિમાં સર્જાતો અવકાશ યાદોના ભરચક અંધકારથી ભરાઈ જાય છે. ઝાડ કપાઈ ગયું છે અને એમાંથી નિર્જીવ દ્વાર પણ બની ગયું છે પણ હવાના સ્પર્શથી એ લાકડામાં જીવતું વૃક્ષ હજીય બેબાકળું બની જાય છે. જે સામે દેખાય છે એની પેલી પાર પણ સૃષ્ટિ તો છે જ, પણ આંખ શું જુએ છે એના પર ખરો મદાર હોય છે. હોવાની પાર જવું એ જ સાચી તપસયા છે. દીવા તળે અંધારું એ તો આપણે સહુ જાણી જ છીએ. એમાં કંઈ નવું નથી પણ અહીં નવી વાત એ બને છે કે અજવાસ પાથરતી દીવડાની જ્યોત દીવડા તળેના અંધકારને હટાવી શકતી નથી એ વાસ્તવિકતાને કવિ અહીં અંધકારની આંખે તપાસવા ચહે છે. બધા સ્પર્શ શલ્યામાંથી અહલ્યા નિપજાવી શકતા નથી. પણ સ્પર્શને આંગળાની જિંદગીમાંથી બાદ કરી શકાતો નથી. એ વાત અલગ છે કે ટેરવાંની આ ટેવ પર ભીંગડાં બાઝી ગયાં છે. સ્પર્શ રહી ગયા છે, સમ-વેદના બચી નથી… માટે જ શલ્યા અહલ્યા બની શકતી નથી…

Comments (6)

સાંયાજીને કહેજો કોઈ… – બાબુલાલ ચાવડા ‘આતુર’

સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.

ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।

પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।

ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।

किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!

Comments (4)

એક દિવસ એકાંતે બેસી – રિષભ મહેતા

કર્યો સંબંધોનો સરવાળો,એક દિવસ એકાંતે બેસી,
દીધી મેં પોતાને ગાળો! એક દિવસ એકાંતે બેસી.

કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને?
ચાલને જીવ, મેળવીએ તાળો,એક દિવસ એકાંતે બેસી.

મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી,
જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી.

રોડાં રસ્તામાં નાખે છે,સરળ સફરને અટકાવે છે,
ગાંઠ અણગમાની ઓગાળો,એક દિવસ એકાંતે બેસી.

જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે,
મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી.

જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો,
સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી!

પોતીકા અજવાળાંની જો હોય આપને તલાશ તો તો
દીપક સાથે દિલ પણ બાળો, એક દિવસ એકાંતે બેસી.

ભીડમાં એને ગમવા લાગ્યું, મન ગમે ત્યાં ભમવા લાગ્યું,
મનને પાછું મનમાં વાળો, એક દિવસ એકાંતે બેસી.

એમ નહીં સમજાય આપને, રૂપ નહીં દેખાય આપને,
આ ગઝલની ભીતર ભાળો, એક દિવસ એકાંતે બેસી.

રંગતરંગ, સુગંધ, છંદ ને સ્પંદની નવલખ છોળ ઉછળશે,
તમે મને નખશિખ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.

– રિષભ મહેતા

એકાંતમાં જાત સાથે વાત અને મુલાકાત આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ… કવિ એકાંતમાં બેસીને જિંદગીના નાનાવિધ પરિમાણો કેલિડોસ્કૉપિક કલમથી આપણને બહુ સુંદર રીતે અહીં બતાવે છે એ માણીએ…

Comments (5)

રણના ખારવાનું ગીત – વિરલ શુક્લ

ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.
સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!
પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા ન થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ જ રે’તી રે’જે છેટા.
સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના,સુણા ન કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી…
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ,તરસ નામકી મન્જીલ હમકું બરસોં બીતે ગોત રહી હૈ
કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

-વિરલ શુક્લ

આ અદભુત ગીતનો વધુ અદભુત રસાસ્વાદ કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

શીર્ષક વાંચીને આપણને અચંબો થાય: ખારવો? અને તે ય રણમાં? ગીત વાંચતાં આપણું આશ્ચર્ય વધતું જાય: આ ક્યાંની બોલી હશે? – જામનગર પાસેના સિક્કા-બેડા વિસ્તારના મુસલમાન વાઘેરો આવી કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી બોલે છે.

ખારવાની સામે વિકટ સમસ્યા છે: એક તો દરિયો પાર કરવાનો, બીજું કે દરિયો સુક્કો, અને ત્રીજું કે હોડી ખરી, પણ કાગળની! ડાહ્યોડમરો માણસ આવી મુસાફરી ખેડવાનું સાહસ ન કરે, પણ ખારવો માથાફરેલો છે! શું છે એના સામાનમાં? આંસુ, સપનાં અને હાસ્ય-ઠઠ્ઠો. આ ત્રણને લૂગડાના પોટલે ન બંધાય, માટે આસમાનના પડીકે બાંધે છે. આસમાની રંગના વસ્ત્રનું પડીકું બનાવવું એ કંઈ નાનીસૂની કલ્પના નથી. ઝિંદાદિલ આદમીની લાગણીઓને સમાવવા આભ પણ ઓછું પડે. ખારવો અલ્લાબેલી પોકારીને સઢ મૂકી દે છે છુટ્ટાં!

બુઢ્ઢો ચાચા દુનિયાદારીનું પ્રતીક છે. ડાહ્યા લોક ચેતવે છે: આવી ખડખડ-પાંચમ હોડી? તે ય ચોમાસામાં? ઊંધી વળી કે વળશે! સુક્કા દરિયામાં તો જોખમ વધુ- રેતીમાં છીતી જાશે. કવિએ ઉક્તિ એવી નાટ્યાત્મક રચી છે કે હૂબહૂ બુઢ્ઢો ચાચા બોલતો સંભળાય છે. આંસુ, સપનાં અને હંસીમજાક એવી હો-હા મચાવે છે કે શિખામણના શબ્દ સંભળાય જ નહિ. ખારવો લંગર ઉપાડે છે. ખારવો હોડી સાથે એવો તદ્ રૂપ થઈ ગયો છે કે કવિ કહે છે: ખુદ હોડીએ રસ્સી તોડી!

‘ઈન્તેજારનો સુક્કો દરિયો’ ઓળંગીને મેળવવાનું શું છે? છેક મધદરિયે ખબર પડે છે કે દરિયાને સામે છેડે તો તરસ છે, જે પોતે ખારવાને ગોતી રહી છે! કહો કે તરસને ખારવાની તરસ છે. કાગળની હોડી વિશેની બુઢ્ઢા ચાચાની આગાહી સાચી પડી: ‘કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા.’ હલેસાં હડસેલાઈ ગયાં, હોડી નામશેષ થઈ ગઈ. ‘કાળીભમ્મર ઓટ’ હોનારત સૂચવે છે.
હવે ચમત્કાર: ‘તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ.’ ખારવો જાણી જાય છે કે એને તરસની જ ઝંખના હતી. રઝળપાટ કરવો, મથામણ કરવી, એ જ એનું જીવનકાર્ય. બંદરબારામાં પડી રહે તો વહાણ સલામત રહે, પણ શું એને માટે વહાણનું નિર્માણ થયું હતું? પગ વાળીને બેસે તે બીજાં, ખારવો તો નિત્યપ્રવાસી!

‘તરસ મીલી તો તરસ બુજી હૈ’- રખડપાટની તરસ એટલે ‘વોન્ડર થર્સ્ટ.’ એ જ નામના કાવ્યમાં જ્હોન મેસફીલ્ડ ગાય છે:
“બિયોન્ડ ધ ઈસ્ટ ધ સનરાઇઝ, બિયોન્ડ ધ વેસ્ટ ધ સી,
એન્ડ ઈસ્ટ એન્ડ વેસ્ટ ધ વોન્ડર થર્સ્ટ, ધેટ વિલ નોટ લેટ મી બી.”
(ઉગમણે સૂર્યોદય અને આથમણે સમંદર. પણ રખડપાટની તરસ તો બન્ને દિશામાં, જે મને જંપવા દેતી નથી.)

આપણે પણ ખારા રણના ખારવા છીએ, રેતીમાં વહાણ ચલાવીએ છીએ. નાસીપાસ થાય તે બીજા.

-ઉદયન ઠક્કર

Comments (9)

ગોકુલ મેલીને કરી ભારે – મયૂર કોલડિયા

શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે,
વાંસળી ભલેને રહી હારે પણ ફૂંક રહી વલવલતી યમુનાને આરે…
શ્યામ, તે તો ગોકુલ મેલીને કરી ભારે.

હૈયામાં ઉકળે છે દરિયાનાં નીર, અને આંખોમાં વાદળનાં ગામ,
આંસુ આવે તો કા’ન કેમ કરી સારવાં? પાંપણ પર તારો મુકામ.
દરિયામાં ડૂબતાની લાશને તું તારે, હું તો તારામાં ડૂબી, તું તારે?

આંખો ખોલું તો બધે તું જ તું છે, શ્યામ, અને આંખો મીંચું તો બધું શ્યામ.
આમ તો તું આંખોથી દૂર દૂર દૂર, અને આમ તો તું હૈયાને ધામ?
પડછાયો, કાજળ કે કીકી થઈને, હજુ શ્યામ તું રહે છે મારી હારે.

– મયૂર કોલડિયા

સહજ અને સુંદર….

Comments (26)

(શું લખ્યું છે ચોપડે) – હિમલ પંડ્યા

કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!

દર્દને પસવારતા શીખવું પડે
એમ થોડું સુખ સહુને સાંપડે?

કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?

રણ સમયનું વિસ્તર્યા કરતું સતત
આ હરણ ઇચ્છાનું કેવું તરફડે?

આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે.

છેક ભીતર યાદને ધરબી છતાં
આંખથી આ એકધારું શું દડે?

જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!

– હિમલ પંડ્યા

જીવનમાં આમ જુઓ તો દુઃખ ક્યાંય છે જ નહીં, પણ મનુષ્ય ક્યારેક નસીબના આશરે, તો ક્યારેક પૂર્વગ્રહો, ઇચ્છાઓ, સ્વપ્નો અને યાદોના બોજ તળે એવો દબાયેલ રહે છે કે સાચા અર્થમાં સુખનો અનુભવ કરી જ શકતો નથી. કવિ આ તમામ પાસાંઓને એક પછી એક શેરમાં અલગ-અલગ અંદાજથી રજૂ કરીને દર્દની ગઝલ રજૂ કરે છે પણ હકીકતમાં તો આ ગઝલના તમામ શેર કાયમી સુખના દરવાજા ખોલવાની કૂંચી છે. જીવનમાં ખુશીની એક પળ પણ જડતી ન હોવા બાબત મત્લામાં નસીબને કોસીને કવિ શરૂઆત કરે છે. બીજું, દુઃખ સાથે ઘરોબો કેળવતાં આવડતું નથી એ પણ સુખ સાંપડવાનું એક કારણ છે. હકીકતમાં આપણને કુંડળીના ગ્રહો નહીં, આપણા પૂર્વગ્રહો જ વધુ નડતા હોય છે. સમય તો આગળ વધતો જ રહેવાનો, ઇચ્છાના હરણ સમયના વ્યાપને પહોંચી ન વળતાં એના ભાગ્યમાં તરફડાટ આવે છે. સપનાંઓ ઉપર આપણો કાબૂ નથી અને ગજા બહારના સ્વપ્નોને હકીકતમાં ફેરવવાની મમત અને લડતના કારણે જીવન લોહિયાળ અને મુડદાલ બને છે. બાકી હોય તેમ વીતેલી ક્ષણોની યાદ આપણને રડાવતી રહે છે. અને આખી જિંદગી આવા એકાધિક જંગમાં વિતાવી માંડ રાહતનો શ્વાસ લેવાની ઘડી આવે અને મૃત્યુ ‘હાઉક’ કરતુંકને તમને શોધી લે છે…

કેવી સ-રસ ગઝલ!

Comments (20)

સરવાળે શૂન્ય છે – સાહિલ

આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.

પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.

જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.

આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.

અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.

પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.

‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.

– સાહિલ

‘રાવણું’ એટલે ગરાસિયા અને ગામના આગેવાનોની મિજલસ; જ્ઞાતિજનોએ એકઠા મળીને તડાકા મારવા તે. પણ કવિ અહીં ગામની રેગ્યુલર પંચાતમંડળીની વાત નથી કરતા, એ તો આઠ પ્રહરના રાવણાંની વાત કરે છે. મતલબ ગામગપાટા કરવા જે ગામ અહીં ટોળે વળ્યું છે એ દિવસના આઠેય પ્રહરોનું બનેલું છે. દિવસ-રાત ભેગાં થઈનેય જીવન સરવાળે શૂન્ય જ છે એ વાત કવિએ કેવી અદભુત રીતે કહી છે! અને આ જ રીતે સરવાળે શૂન્ય હોવાની વાત કવિએ નાનાવિધ સંદર્ભોને સાંકળીને બાકીના બધા શેરોમાં પણ બેનમૂન રીતે કરી છે. પરિણામે સુવાંગ ગઝલ આસ્વાદ્ય બની છે.

Comments (9)

રહ્યો હુંયે ઊભો…. – રમણીક સોમેશ્વર

(શિખરિણી)

અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે

કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.

– રમણીક સોમેશ્વર

પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…

Comments (19)

(એ ક્ષણ પછી) – અર્પણ ક્રિસ્ટી

મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી,
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી.

લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.

ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી.

છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું,
આપવા તૈયાર છે એ ચણ પછી!

આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.

– અર્પણ ક્રિસ્ટી

કેવી સ-રસ ગઝલ! પાંચેય શેર મનનીય…

Comments (7)

(ખટપટ વગર) – સુનીલ શાહ

‘નથી ફાવતું’ની કશી રટ વગર
હું જીવ્યા કરું કોઈ ખટપટ વગર

કશે હદ જરૂરી છે વ્યવહારમાં
નદીનીય કિંમત નથી તટ વગર

હૃદયથી હૃદય એમ જોડાય છે
સહજતાથી સ્પર્શો જો તરકટ વગર

જીવનમાં પ્રવેશે છે દુઃખ એ રીતે
કીડી જેમ આવે છે આહટ વગર

બધાની પ્રશંસા તમે પામશો
જીવી જો શકો ખોખલા વટ વગર

અછત,ભૂખનું મૂલ્ય જાણે શું એ?
જે જીવી રહ્યા છે કશી ઘટ વગર

મને એમ દર્શન થયા ચાંદના
એ આવ્યા,મળ્યા આજ ઘૂંઘટ વગર

– સુનીલ શાહ

સામાન્યરીતે કળાને જીવનના ગાઢા રંગ સાથે વધુ ઘરોબો હોય છે. એમાંય કવિતાને તો વેદના જાણે નાળસંબંધ છે. પણ સુનીલ શાહ આ બાબતમાં જરા નોખા તરી આવે છે. શિક્ષણ અને રેશનાલિઝમના સિદ્ધાંતોના રક્તકણો જેમની રગોમાં વહી રહ્યા છે, એવા આ કવિની રચનાઓ મોટાભાગે જીવનના ઉજળા રંગને તાદૃશ કરતી નજરે ચડે છે. ધનમૂલક રચનાઓ એમનો વિશેષ કાકુ છે. પ્રસ્તુત રચના એનો એક દાખલો છે.

Comments (21)

કોણ માનશે? – રતિલાલ ‘અનિલ’

કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?

-રતિલાલ ‘અનિલ’

Comments (3)

હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી – હરીન્દ્ર દવે

હવે થાકી ગયો, સાકી, પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.

ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.

બધાં દશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી.

મને એ ભેદ લાગે છે દિલાસો આપનારાઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.

હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.

તમે અદૃશ્ય રહી બાજી ૨મો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.

ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.

જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છું, મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્ચયથી.

– હરીન્દ્ર દવે

ફરિયાદ છે, ચીખ છે, આંસુ છે – પણ ખુમારી છે !!!!

Comments (1)

અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક (અનુ. વિવેક મનહર ટેલર)

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)

૨૦૨૦માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર લૂઈસ ગ્લિકની આ રચના અકિલીઝ અને ટ્રોયના યુદ્ધની સમજૂતિ વિના માણવી અઘરી છે. ટ્રોયના યુદ્ધને હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાનું કામ મેનોલેઅસે આ ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસનો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો.

જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. ગ્લિકના મતે અકિલીઝના હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે.

આ કવિતાનો વિશદ આસ્વાદ માણવા માટે ક્લિક કરો: https://tahuko.com/?p=20313

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück

 

Comments (2)

(આખર જિંદગી છે ને!) – સંદીપ પૂજારા

ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!

પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!

છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?

જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને

નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!

જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!

– સંદીપ પૂજારા

સાદ્યંત સુંદર રચના. બધા જ શેર પાણીદાર. સહજ, સરળ અને સંતર્પક.

Comments (22)

ભીંત/કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી

-કમલ વોરા

નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.

વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?

સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…

Comments (22)

હેઠે ઉતારો! – ‘ગની’ દહીંવાળા

અમે તો છીએ રાંક ધરતીના જાયા,
કયામતના ધાકે અમોને ન ડારો;
અભિમાન જેનું નથી ઓગળ્યું એ,
ગુમાની ગગનને જ હેઠે ઉતારો!

જગે જળ ને જ્વાળાનું સિંચન કર્યું છે,
અમે આંખથી એક બિંદુ વહાવી;
ઠરેલાં હૃદય એને પાણી સમજશે,
બળેલાં હૃદય એને ગણશે તિખારો.

અમારી આ નિર્દોષ પ્રીતિને છળવા,
તમારેય કરવું રહ્યું આકરું તપ;
પ્રથમ રણ બનીને તપો ઝાંઝવાં સમ,
તૃષાતુર હરણને પછી હાંક મારો.

હૃદય આગ સરખું અને પ્યાર એમાં,
દીસે જિંદગી કીમિયાગરની ભઠ્ઠી;
ટકી જાય તો જાણજો એને કુંદન,
ઊડી જાય તો માનજો એને પારો.

ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ,
અમુક રૂપ પોતાનાં માની લીધાં છે:
અમારે ખરીદાર બનવું રહ્યું ને,
અમારે જ શણગારવાનાં બજારો.

ભલે ને તમે દૂર રાખ્યો મને પણ,
જગે છે ઘણા દૂરથી દેખનારા;
ક્ષિતિજ માંહે જોનારને તો જણાશે,
સમંદરમાં ડૂબી ગયો છે સિતારો.

ગની જિંદગીની કવિતા વિષે પણ
ગજબનો અસંતોષ રે’ છે, પરંતુ
ઘણી વાર મૌલિક વિચારો કહે છે,
ન એને સુધારો, ન એને મઠારો.

– ‘ગની’ દહીંવાળા

ઘણા રૂપમાં તમને કલ્પી અમોએ……- શેરમાં માત્ર ચાર લીટીમાં આખી ઈશ્વરની પરિકલ્પના [ God hypothesis ] સમજાવી છે !!! અન્ય તમામ શેર પણ ગનીચાચાની માસ્ટરીની શાખ પૂરે છે.

Comments (2)

પી જાઉં – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…

Comments (5)

પોપટ બેઠો – ધીરુ પરીખ

અધખૂલી કૈં આજ સવારે
પોપટ નાનો આવી બેઠો
જી૨ણ ઘ૨-મોભારે.

આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો !

બટકેલુંયે નેવેનવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિ૨ણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંના પતંગિયાં શાં
ફૂલ ફૂલ ૫૨ ઊડ્યાં !

પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો,
પોપટ નાનો ઘર-મોભારે બેઠો !

– ધીરુ પરીખ

કોરોનાના ખપ્પરમાં વધુ એક કવિનો મૂર્તદેહ હોમાઈ ગયો…. કવિશ્રીને લયસ્તરો તરફથી એક નાનકડી શબ્દાંજલિ…

અછાંદસ જેવી લાગતી પણ કટાવ છંદમાં લખાયેલી આ ચુસ્ત રચના વાંચવા કરતાં ગણગણવાની મજા વધુ આવશે. કવિએ ઘણી જગ્યાએ ચુસ્ત અને મુક્ત પ્રાસ પણ પ્રયોજ્યા હોવાથી રચનાની લવચિકતામાં ચાર ચાંદ લાગી જાય છે. સવારે આમ તો પાંપણ અધખૂલી હોય, પણ કવિ તો સવારને જ અધખૂલી કહે છે. મતલબ સૂર્યનું નેણ હજી પૂરું ખુલ્યું નથી. આ ભડભાંખળાની વેળાએ કથકના જીર્ણ ઘરના મોભારા ઉપર એક નાનો પોપટ આવીને બેસે છે અને ટહુકે છે. સવાર પૂરી થઈ નથી, ઘર ખખડી ગયેલું છે, પોપટ પણ નાનકડો છે અને એનો ટહુકો પણ આછો છે… બધું જ અધૂરું-આછેરું હોવા છતાં એક ટહુકામાત્રમાં વનનો આખો ઉઘાડ કવિના ઘરમાં-જીવનમાં વેરાઈ જાય છે. કેવી અદભુત વાત! બટકી ગયેલ તમામ નેવાં જાણે પાંદડાં બનીને ફરકવા માંડ્યાં, લાકડાના ઘરમાં લાકડાંને છેડે મજબૂતી માટે વપરાતી લોખંડની ખોળીઓ –વળીઓ જાણે કે ઘરવૃક્ષની ડાળીઓ બની ગઈ અને એની વચ્ચેથી એક નાનકડું સૂર્યકિરણ સરકી આવે છે. કિરણના પગલે ઘરની ઈંટ-ઈંટ પર જે ચાંદરણાં રચાયાં એ ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાં જેવા ભાસે છે. પલક ઝપકતાંમાં તો નાના અમથા પોપટની હાજરીના કારણે જૂનુંપુરાણું ઘર વનની ઘેઘૂર તાજગીથી ભર્યુંભાદર્યું બની જાય છે…

જીવનનું ખંડેર પણ આ જ રીતે નાંકડી ખુશીઓથી નંદનવન બની જતું હશે ને!

Comments (8)

રામરાજ્ય – લોકશાહી કે રોકશાહી?

આપણે ત્યાં લોકશાહી છે કે રોકશાહી?

એક કવયિત્રી, નામે પારુલ ખખ્ખરે કોરોનાકાળમાં શાસનતંત્રની નિષ્ફળતાને ચાબખા મારતું મરશિયું લખ્યું અને રાતોરાત ગુજરાતીઓની જનચેતના ઢંઢોળી નાંખી. ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ કોઈ કવિતા આ હદે વાઇરલ થવાનો કોઈ કિસ્સો સ્મરણમાં આવતો નથી. આ કવિતાની જ સિદ્ધિ હતી કે એના ચાહકો અને તીકાકારો –બંનેમાંથી કોઈ એના તરફ દુર્લક્ષ સેવી ન શક્યું. કવયિત્રી પર ચારેતરફથી પુષ્પવર્ષાની સાથે જબરદસ્ત પથ્થરવર્ષા પણ થઈ. અમરેલીની સિંહણે પોતાની વૉલ પરથી કવિતા હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી.

કવિતાને કવિતાની નજરથી જોવાનું આપણે ક્યારે શીખીશું? કવિનું કામ કવિતા કરવાનું છે, સમાજસેવા કરવાનું નહીં. પહેલાના જમાનામાં યુદ્ધમેદાનોમાં ભાટ-ચારણોનું આગવું સ્થાન રહેતું. ભાટ-ચારણો કવિતા લલકારીને સૈન્યને પોરસ ચડાવતા. પણ ભાટ-ચારણોએ તલવાર લઈને યુદ્ધમેદાનમાં ઝંપલાવવું નહોતું પડતું. કવિ અને સૈનિક વચ્ચેનો ભેદ એ જમાનાના અલ્પશિક્ષિત સમાજમાં પણ સુસ્પષ્ટ હતું, પણ આજના બહુશિક્ષિત બુદ્ધિજીવીઓ આ ભેદ સમજવામાં નિષ્ફળ રહ્યા છે. કવિએ જનજાગૃતિ માટે સાહિત્યસર્જન કરવું પણ જરૂરી નથી પણ કોઈ કવિ આ કામ કરે તો એની મૂલવણી કળાની દૃષ્ટિએ જ કરવી ઘટે. કવિતા ભલે રાજકારણ વિષયક હોય, પણ કવિતાના નામે રાજકારણ રમાવું ન જ જોઈએ.

તમને કવિતા ગમી છે? તો તમારું સ્વાગત છે.
તમને કવિતા નથી ગમી? તો તમારું સ્વાગત છે.

પણ પથ્થરમારો તો ન કરીએ…

આ કવિતા વિશે મને ગમેલા બે’ક અભિપ્રાયો:

ગુજરાતીમાં આવી કવિતા લખાય છે એ ખૂબ મોટી ઘટના છે. આ એક કવયિત્રીનો અવાજ નથી. આ અનેક ગુજરાતીઓનો અવાજ છે. મને લાગે છે કે ગુજરાતી ભાષામાં આ કવિતાનો અવાજ લાંબા સમય સુધી પડઘાયા કરશે.
– બાસુ

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે ! કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!?? સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !
– ડૉ. તીર્થેશ મહેતા

રાતોરાત આ કવિતાના હિંદી-મરાઠી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે. મૂળ રચનાની સાથોસાથ એ અનુવાદોને પણ આવકારીએ…

એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

– પારુલ ખખ્ખર

***
गुजराती में से अनुवाद: इलियास

एक साथ सब मुर्दे बोले ‘सबकुछ चंगा – चंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
ख़तम हुये समशान तुम्हारे, ख़तम काष्ठ की बोरी,
थके हमारे कंधे सारे, आंखे रह गई कोरी
दर-दर जाकर यमदूत खेले
मौत का नाच बेढंगा
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
नित्य निरंतर जलती चिताएं
राहत मांगे पलभर
नित्य निरंतर टुटे चूड़ियां
कुटती छाती घर घर
देख लपटों को फ़िडल बजाते वाह रे ‘बिल्ला-रंगा’,
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.
सा’ब तुम्हारे दिव्य वस्त्र, दिव्यत् तुम्हारी ज्योति,
काश असलियत लोग समझते, हो तुम पत्थर, ना मोती.
हो हिम्मत तो आके बोलो
‘मेरा साहब नंगा’
सा’ब तुम्हारे रामराज में शब-वाहिनी गंगा.

– इलियास

***

मराठी अनुवाद : सारनाथ आगले

एक मुखाने शव बोलले सब कुछ चंगा चंगा,
राजा, तुझ्या रामराज्यात, शव वाहिनी गंगा.

राजा,राज्यात स्मशान खुटले,संपले लाकडी भारे,
राजा,आमचे आसु आटले, खुंटले सोबत रडणारे.

घरोघरी जाऊन राजकारणाचा,नाच करती कढंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा,तुमची धगधग जोती थोडी उसंत मागे.
राजा,आमची कांकण फुटली. धडधड छाती भांगे

जळतं बघुन फिडल वाजती,येथे रंगा बिर्ला.
राजा तुझ्या रामराज्यात शव वाहिनी गंगा.

राजा तुझे दिव्य वस्र नी दिव्य तुझी ज्योती.
राजा तुला असली रुपात पुरी नगरी बघते.

मर्द कूणी असेल खरा म्हण, राजा मेरा नंगा.
राजा, तुझ्या रामराज्यात शव वाहिनी गंगा

– सारनाथ आगले

***

English Translation : Dr.G.K.Vankar

‘Everything is fine!’ the dead In a chorus nod their head,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, the crematoriums are scarce, so are the wood for pyre.;
Our mourners are scares and so are our weepers.
The messengers of Yama , dance so bad on every door,
O king, in your rule of Rama, the Ganges bears the dead.

O king, your chimneys ceaselessly shaking their heads long for rest.
O king, our bangles break, and we beat our chests to shreads,
Seeing it on fire, they fiddle, the duo ‘Billa and Ranga’,
O king, in your rule of Rama, the Ganges bear the dead.

O king, your royal dress is so divine, the aura so auspicious,
O king, in your original form The whole city watches you
Bewitched,in your original form.
If manly, I dare you shout, ‘ my king is nude’
O king, in your Ramarajya, the Ganges bear the dead

– Dr.G.K.Vankar

****
English Translation : Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Don’t worry, be happy, in one voice speak the corpses
O King, in your Ram-Rajya, we see bodies flow in the Ganges

O King, the woods are ashes,
No spots remain at crematoria,
O King, there are no carers,
Nor any pall-bearers,
No mourners left
And we are bereft
With our wordless dirges of dysphoria

Libitina enters every home where she dances and then prances,
O King, in your Ram-Rajya, our bodies flow in the Ganges

O King, the melting chimney quivers, the virus has us shaken
O King, our bangles shatter, our heaving chest lies broken

The city burns as he fiddles, Billa-Ranga thrust their lances,
O King, in your Ram-Rajya, I see bodies flow in the Ganges

O King, your attire sparkles as you shine and glow and blaze
O King, this entire city has at last seen your real face

Show your guts, no ifs and buts,
Come out and shout and say it loud,
“The naked King is lame and weak”
Show me you are no longer meek,
Flames rise high and reach the sky, the furious city rages;
O King, in your Ram-Rajya, do you see bodies flow in the Ganges?

– Salil Tripathi (Grandson of Goverdhanram Tripathi)

Comments (6)

શબવાહિની ગંગા -પારુલ ખખ્ખર

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

-પારુલ ખખ્ખર

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે !

કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!??

સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !

 

Comments (35)

કોઈ નથી – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

ક્યારેક મને એમ લાગે છે કે મારી નજરમાં કોઈ નથી;
ખાલી પડછાયા ને પડઘા વિણ દુનિયાભરમાં કોઈ નથી.

આ યુગયુગથી કંઈ કોટી જીવો તમને જીવ સાટે ચાહે છે;
મારા સમ એટલું તો કહી દો, શું તમ અંતરમાં કોઈ નથી ?

તમ દર્શનના અભિલાષીઓ જઈ દ્વાર દિશાના ખખડાવે;
કાં કોઈ જવાબ જરા ન દિયે, શું આખા ઘરમાં કોઈ નથી ?

છે કૈંક મુસાફર પૃથ્વી તણા આ જહાજ મહીં સાથે સરતા;
ને તોય મને કાં લાગી રહ્યું કે સાથ સફરમાં કોઈ નથી ?

જો પ્રેમ નહીં તો વેર વડે યા કોઈ ને કોઈ ઉપાય કરી;
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી ?

લાવ્યા છો તમે સુન્દર ચાદર, દઈ દેશો નામ કફન કેરું ?
વાળી દેશો એ ૫૨ માટી, શું એ ચાદરમાં કોઈ નથી ?

‘ગાફિલ’ જો નથી કોઈ તો કહો, આ ખેલ છે શાનો દુનિયામાં ?
આ પરદા પર તો પાર નથી, પરદા ભીતરમાં કોઈ નથી.

– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

સરળ વાણી, સીધી જ દિલની વાત…..

Comments (1)

(એ ગયાં છે) – રાજેશ હિંગુ

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!

કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

છે ખાતરી કે ચુસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.

– રાજેશ હિંગુ

કેવી સરસ સંઘેડાઉતાર રચના! કવિ પુરુષ છે એટલે જનાર વ્યક્તિ સ્ત્રી છે એ તો તરત સમજાઈ જાય પણ ગુજરાતી ભાષામાં અનુસ્વારનો ખરો મહિમા શું છે એ આ ગઝલ વાંચતા ખ્યાલ આવે છે. કવિ ‘એ ગયા છે’ એમ પણ લખી શક્યા હોત. પણ કવિએ ગયાના માથે અનુસ્વાર મૂકવાનું પસંદ કર્યું છે. સ્ત્રીને ‘ગયા’ કહીએ એમાં પણ એના માટેનું માન તો દેખાઈ જ આવે છે પણ જ્યારે આ જ વાત માથે અનુસ્વાર મૂકીને કરવામાં આવે ત્યારે સ્ત્રી માટે કથકના હૃદયમાં રહેલો ઊંડો આદર વધુ પ્રભાવકતાથી છતો થાય છે. જો કે મારા જેવા સોમાંથી નેવુ-પંચાણું ગુજરાતીઓને અનુસ્વાર વાપરતાં જ આવડતું નથી. આપણે તો’મા’ના સ્થાને પણ ‘માં’ લખીએ છીએ, પણ એમાં મા પરત્વેનો આદર ઓછો અને આપણું અનુસ્વાર-અજ્ઞાન વધુ છતુ થાય છે.

બંને મત્લા લાજવાબ. પ્રિયજન માત્ર દિલમાં નહીં, નસે-નસમાં ઘર કરી ગયાં છે એ વાત કવિએ જે રીતે વ્યાપી-સ્થાપીના ચુસ્ત કાફિયાઓ વડે કહી છે એ કાબિલે-સલામ છે. એ જ રીતે સાની મત્લામાં શ્રાપી પણ બેમિસાલ છે. જનાર તો ગયાં, પણ કદી મરણ ન પામનાર સ્મરણોની પીડા આપીને ગયાં છે. હવે જીવનભર એની યાદોના સહારે જ રહેવાનું. આ તે કેવો શ્રાપ! કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં…

બાકીના ત્રણેય શેર પણ નિરવદ્યપણે આસ્વાદ્ય છે. ‘ચા પીને’માં કાફિયાના બે ટુકડા કરવાનું જે કવિકર્મ થયું છે, એ નવું તો નથી, પણ અહીં જે રીતે કરવામાં આવ્યું છે એની ફ્લેવર સાવ જ મૌલિક છે…

Comments (16)

(હથેળીમાં વૃક્ષો) – જિત ચુડાસમા

હથેળીમાં વૃક્ષો ઉગાડ્યાં છે આપે,
તો લ્યો, મારાં અશ્રુઓ સિંચાઈ માટે.

રઝળતી દીવાલોને ઘરભેગી કરવા,
અમે સાથિયા ચીતર્યા છે કમાડે.

એ શોધે છે જગ્યા પીડા સ્થાપવાની,
કહી આવો એને કે મારામાં સ્થાપે.

જણસમાં તો કેવળ નિસાસા રહ્યા છે,
હું ઇચ્છું કે કોઈ દિલાસા ન આપે.

તમે આંખ ઢાળી શું રસ્તો બતાવ્યો!
અમે ઊભા ઊભા જ પહોંચ્યા મુકામે.

– જિત ચુડાસમા

કશી પણ ટિપ્પણી વિના નખશિખ માણી લેવાની ગઝલ… દરેકે દરેક શેર અદભુત !

Comments (16)

બહું થયું કિરતાર – ગુણવંત ઉપાધ્યાય

બહુ થયું કિરતાર,
હવે તો બહુ થયું કિરતાર
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
હવે તો બહુ થયું કિરતાર !

સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
હવે તો બહુ થયું કિરતાર !

આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
હવે તો બહુ થયું કિરતાર !

– ગુણવંત ઉપાધ્યાય

કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…

લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ…

Comments (12)

સળિયા પાછળ – જગદીશ જોષી

 

સાત જનમના સળિયા પાછળ પુરાયેલી એક વાત હોઠ પર આવી
એને પાછી દીધી ધકેલી સળિયે.
અરસપરસનાં તરસ્યાં વાદળ હરણ થઈને ભટક્યાં હવે તો મૃગજળ થઈ વળગીએ.

પીંછેપીંછે પીંખી દીધેલી વીંખી દીધેલી રાત હવે તો પાંખ થઈને ચીખે
શ્રાવણની આ સાંજ તણાં અંધારની ઓથે વૈશાખી આકાશ વલખતું ધીખે
બે આંખો કૈં આંખ નહીં પણ આંસુ : આ તે કયા કૂવા ?
કે ઝીણાં ઝીણાં જળની સાથે ઝમ્યા કરે છે તળિયે !

સૂનો સૂનો મ્હેલ હવાનો : સુગંધની આ કયા ઝરૂખે ઝૂરે કુંવરી લઈ કુંવારી વાત ?
પીળીપીળી પડી ગયેલી મેંદીને આ સાવ અભાગી બિંદી પૂછે :
શરણાઈના સૂર વરસશે કયા જનમને ઘાટ ?

રાધા ને આ શ્યામ વિનાના વૃંદાવનમાં અમે સળગતા
રાન અને વેરાન થઈને મળીએ.

– જગદીશ જોષી

ખાસ તો આ કાવ્યની માવજત જુઓ….મને ટેકનિકલ વાતો નથી આવડતી પણ આ પ્રકારનું કાવ્ય રચવું સહેલું નથી. જગદીશ જોષી હોય એટલે મૂળ ભાવ તો મજબૂત હોય જ. વેદનાની અનૂઠી રજૂઆત…..

Comments (1)

હોવી જોઈએ – હરીન્દ્ર દવે

મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ,
મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ.

લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.

આ પ્રેમનો પ્રસંગ તો આરંભ છે ફકત,
બાકી હજીયે મારી કથા હોવી જોઈએ.

એ શર્ત ૫૨ કબૂલ છે કાનૂન સૃષ્ટિના,
હું બંડ પણ કરું તો રજા હોવી જોઈએ.

ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા,
રણમાં વસંત કેરી હવા હોવી જોઈએ.

તારા ખરી ખરીને નિમંત્રણ દઈ રહ્યા,
મારીયે એક ખાલી જગા હોવી જોઈએ.

અટકી રહ્યો’તો શ્વાસ તે પાછો ફરી ગયો,
વાતાવરણમાં એની હવા હોવી જોઈએ.

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ.

સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.

– હરીન્દ્ર દવે

ઊઠે છે પાછું દર્દ હૃદયમાં ઘડીઘડી,
છેડાતી ક્યાંક મારી કથા હોવી જોઈએ…….. અફલાતૂન…..

ફૈઝ યાદ આવી જાય –

क़फ़स उदास है यारो सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

પિંજર ઉદાસ છે, યારની કોઈ ખબર નથી. કોઈ હવાને કહો કે જ્યાં યારનો જીક્ર થાય છે ત્યાંથી વહીને અહીં સુધી એ જીક્રની ખુશ્બુ લેતી આવે…..

Comments (3)