જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.
મુકુલ ચોક્સી

કોણ માનશે? – રતિલાલ ‘અનિલ’

કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?

-રતિલાલ ‘અનિલ’

3 Comments »

  1. Pravin Shah said,

    May 26, 2021 @ 10:20 AM

    કવિતા હ્હે બહુ સરસ
    બધા એ માનશે !

  2. pragnajuvyas said,

    May 26, 2021 @ 2:31 PM

    રતિલાલ અનિલે રદીફ પર હાથ અજમાવ્યો,
    ‘કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે ?
    શૂન્ય પાલનપુરીએ લખ્યું, ‘દુ:ખમાં જીવનની ખાણ હતી કોણ માનશે ? ધીરજ રતનની ખાણ હતી કોણ માનશે ?’ વ્રજ માતરીએ પણ લખ્યું, દુ:ખ એય સુખ સમાન હતું કોણ માનશે ? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?’ મરીઝ પણ આ રદીફથી દૂર નથી રહી શક્યા, લખ્યું, ‘તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે ? જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે ?’
    એમાંય કાંઈ સાર હતો કોણ માનશે ?’ મહમ્મદઅલી વફાએ તો આ જ રદીફ પર બે ગઝલો લખી, ૧. ‘તારા નગરની જાણ હતી કોણ માનશે ? લજ્જાની વચ્ચે આણ હતી કોણ માનશે ?’૨. ‘આશાનો એ મિનાર હતો કોણ માનશે ? ને એ જ ડૂબાડનાર હતો કોણ માનશે ?’ વિરલ દેસાઈ નામના યુવાકવિએ તો ત્યાં સુધી શોધી કાઢ્યું છે કે આ રદીફ પર અઢારેક જેટલી ગઝલો લખાઈ છે. પ્રશ્ન થાય કે એક જ રદીફ પર આટલી બધી ગઝલો શા માટે ? બહુ વિચાર્યા પછી સમજાયું કે તેનો રદીફ જ એટલો આકર્ષક છે – કોણ માનશે ?

  3. saryu parikh said,

    May 27, 2021 @ 9:48 AM

    ગમતી ગઝલ.
    સરયૂ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment