સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!
-બાલમુકુંદ દવે

(શું લખ્યું છે ચોપડે) – હિમલ પંડ્યા

કોણ જાણે શું લખ્યું છે ચોપડે?
કે ખુશીની એક પળ પણ ના જડે!

દર્દને પસવારતા શીખવું પડે
એમ થોડું સુખ સહુને સાંપડે?

કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી
પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?

રણ સમયનું વિસ્તર્યા કરતું સતત
આ હરણ ઇચ્છાનું કેવું તરફડે?

આ હકીકતનું છે સમરાંગણ અને-
ત્યાં જુઓ! સપનાંઓની લાશો સડે.

છેક ભીતર યાદને ધરબી છતાં
આંખથી આ એકધારું શું દડે?

જિંદગીથી માંડ સંતાયા હો ને-
મોત તમને શોધતું આવી ચડે!

– હિમલ પંડ્યા

જીવનમાં આમ જુઓ તો દુઃખ ક્યાંય છે જ નહીં, પણ મનુષ્ય ક્યારેક નસીબના આશરે, તો ક્યારેક પૂર્વગ્રહો, ઇચ્છાઓ, સ્વપ્નો અને યાદોના બોજ તળે એવો દબાયેલ રહે છે કે સાચા અર્થમાં સુખનો અનુભવ કરી જ શકતો નથી. કવિ આ તમામ પાસાંઓને એક પછી એક શેરમાં અલગ-અલગ અંદાજથી રજૂ કરીને દર્દની ગઝલ રજૂ કરે છે પણ હકીકતમાં તો આ ગઝલના તમામ શેર કાયમી સુખના દરવાજા ખોલવાની કૂંચી છે. જીવનમાં ખુશીની એક પળ પણ જડતી ન હોવા બાબત મત્લામાં નસીબને કોસીને કવિ શરૂઆત કરે છે. બીજું, દુઃખ સાથે ઘરોબો કેળવતાં આવડતું નથી એ પણ સુખ સાંપડવાનું એક કારણ છે. હકીકતમાં આપણને કુંડળીના ગ્રહો નહીં, આપણા પૂર્વગ્રહો જ વધુ નડતા હોય છે. સમય તો આગળ વધતો જ રહેવાનો, ઇચ્છાના હરણ સમયના વ્યાપને પહોંચી ન વળતાં એના ભાગ્યમાં તરફડાટ આવે છે. સપનાંઓ ઉપર આપણો કાબૂ નથી અને ગજા બહારના સ્વપ્નોને હકીકતમાં ફેરવવાની મમત અને લડતના કારણે જીવન લોહિયાળ અને મુડદાલ બને છે. બાકી હોય તેમ વીતેલી ક્ષણોની યાદ આપણને રડાવતી રહે છે. અને આખી જિંદગી આવા એકાધિક જંગમાં વિતાવી માંડ રાહતનો શ્વાસ લેવાની ઘડી આવે અને મૃત્યુ ‘હાઉક’ કરતુંકને તમને શોધી લે છે…

કેવી સ-રસ ગઝલ!

20 Comments »

  1. Sandip Pujara said,

    June 4, 2021 @ 2:25 AM

    વાહ વાહ … સરસ

  2. DILIPKUMAR CHAVDA said,

    June 4, 2021 @ 2:42 AM

    રણ સમયનું વિસ્તર્યા કરતું સતત
    આ હરણ ઇચ્છાનું કેવું તરફડે?

    વાહ વાહ

  3. હિમલ પંડ્યા said,

    June 4, 2021 @ 2:57 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને મિત્રો🌹🌹

  4. Viral Vyas said,

    June 4, 2021 @ 3:12 AM

    સુંદર

  5. મયૂર કોલડિયા said,

    June 4, 2021 @ 3:13 AM

    વાહ…. દરેક શેર દમદાર….

  6. Shah Raxa said,

    June 4, 2021 @ 3:29 AM

    વાહ..એક એક શેર દમદાર…આસ્વાદ પણ એટલો જ સરસ..અભિનંદન

  7. Anjana bhavsar said,

    June 4, 2021 @ 4:12 AM

    વાહ..સુંદર ગઝલ..અભિનંદન હિમલભાઈ

  8. AMIT LANGALIA said,

    June 4, 2021 @ 4:47 AM

    wah … himalbhai..

  9. Parbatkumar said,

    June 4, 2021 @ 5:16 AM

    વાહ
    ખૂબ સરસ ગઝલ

    બધા જ શેર દમદાર
    ખૂબ શુભેચ્છાઓ હિમલભાઈને

  10. Aasifkhan said,

    June 4, 2021 @ 6:01 AM

    Vaah sundar gazal

  11. શબનમ said,

    June 4, 2021 @ 6:23 AM

    વાઆહ.. ખૂબ જ સરસ ગઝલ છે..

  12. Chetna Bhatt said,

    June 4, 2021 @ 8:56 AM

    Mast..!!

  13. saryu parikh said,

    June 4, 2021 @ 9:18 AM

    ખુબ સરસ રચના.
    સરયૂ પરીખ

  14. pragnajuvyas said,

    June 4, 2021 @ 10:11 AM

    છેક ભીતર યાદને ધરબી છતાં
    આંખથી આ એકધારું શું દડે?

    જિંદગીથી માંડ સંતાયા હો ને-
    મોત તમને શોધતું આવી ચડે!

    વાહ

    સરસ ગઝલ!નો વધુ સ રસ આસ્વાદ

  15. Nisha Ghadiyali said,

    June 4, 2021 @ 12:14 PM

    Kon jane shu lakhyu chhe?????👌

  16. કિશોર બારોટ said,

    June 4, 2021 @ 2:27 PM

    બહુજ સુંદર ગઝલ.

  17. vimala gohil said,

    June 4, 2021 @ 3:53 PM

    “કુંડળી ખોલી, તો એ બોલી ઊઠી
    પૂર્વગ્રહ સિવાય બીજું શું નડે?”

  18. Poonam said,

    June 6, 2021 @ 2:50 AM

    દર્દને પસવારતા શીખવું પડે,
    એમ થોડું સુખ સહુને સાંપડે?
    – હિમલ પંડ્યા – Sanatan Satya…

    Aasvad 👌🏻

  19. Maheshchandra Naik said,

    June 6, 2021 @ 7:28 PM

    વાહ,વાહ, સરસ ગઝલ અને વાસ્તવિક જીવનની વાતો સહજ શેરમાં કહી દીધી છે,
    બધા જ શેર લાજવાબ અને આસ્વાદ પણ સ- રસ ,સ-રસ…
    કવિશ્રીને અભિનંદન,આભાર..

  20. Arun kanani said,

    June 21, 2021 @ 11:24 AM

    Bahu pasand aavi tamari kavita.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment