થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
વિવેક મનહર ટેલર

અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક (અનુ. વિવેક મનહર ટેલર)

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)

૨૦૨૦માં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર લૂઈસ ગ્લિકની આ રચના અકિલીઝ અને ટ્રોયના યુદ્ધની સમજૂતિ વિના માણવી અઘરી છે. ટ્રોયના યુદ્ધને હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાનું કામ મેનોલેઅસે આ ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસનો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો.

જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. ગ્લિકના મતે અકિલીઝના હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે.

આ કવિતાનો વિશદ આસ્વાદ માણવા માટે ક્લિક કરો: https://tahuko.com/?p=20313

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück

 

2 Comments »

  1. pragnajuvyas said,

    May 22, 2021 @ 8:31 AM

    લૂઈસ ગ્લિકના ખૂબ સુંદર અછાંદસ નો ડૉ. વિવેક દ્વારા સ રસ અનુવાદ
    ‘સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.’
    અદભુત આસ્વાદ

  2. Parbatkumar said,

    May 22, 2021 @ 12:03 PM

    વાહ

    આખો આસ્વાદ રસપ્રદ ખૂબ મજા આવી
    સાચો વિજય મિત્રતા ખાતર જાન કુરબાન કરવામાં છે
    આભાર વિવેકભાઈ આસ્વાદ બદલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment