છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
ગની દહીંવાલા

(છે ને રહેશે) – જુગલ દરજી

જગત સામે જૂની ટસલ છે ને રહેશે
બગાવતપણું આ અટલ છે ને રહેશે

મળી જાય તું, તો ઠરીઠામ થઈએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.

જરૂરી છે પહોંચી જવું કોઈ રીતે,
નદી-નાવની ગડમથલ છે ને રહેશે.

ભલે ડોળ આકંઠ તૃપ્તિનો કરતો,
તરસ કંઠમાં દરઅસલ છે ને રહેશે.

પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.

– જુગલ દરજી

ટૂંકી બહર, ચુસ્ત કાફિયા, ‘છે ને રહેશે’ જેવી સજાગ કવિકર્મની કસોટી કરે એવી અનૂઠી રદીફ, લગાગાના ચાર આવર્તનોની આંદોલિત કરતી મૌસિકી અને એક સંઘેડાઉતાર ગઝલ. ભઈ વાહ!

કવિનો મિજાજ મત્લામાં સુપેરે પ્રદર્શિત થાય છે. પોતાનું બગાવતપણું કવિ જતું કરનાર નથી, ને એ કારણોસર દુનિયા સામેની એમની જૂની ટસલ પણ હજી છે જ અને કાયમ રહેશે પણ. બીજો શેર પ્રિયપાત્ર કે ઈશ્વર –બંને માટે પ્રયોજી શકાય એવી અર્થચ્છાયા ધરાવે છે. ‘તું’ જ્યાં સુધી મળી ન જાય, જીવનની મજલ લાંબી જ હતી, છે અને રહેશે, ઠરીઠામ થઈ શકાવાનું જ નથી. રસ્તા અને સાધન વચ્ચે ભલેને લાખ ગડમથલ કેમ ન હોય, મંઝિલ કોઈ પણ રીતે હાંસિલ કરવાની ઇચ્છા વધારે મહત્ત્વની છે. ચોથો શેર સંસારનું સનાતન સત્ય રજૂ કરે છે. માણસ બહારથી ગમે એટલો સંતૃપ્તિનો ડોળ કેમ ન કરતો હોય, એની મૂળભૂત પ્રકૃતિ સાથે તો અસંતોષ જ વણાયેલો છે. છેલ્લો શેર ગઝલકારનો શેર છે. સીદીભાઈને સિદકા વહાલાના ન્યાયે ગઝલકારને તમામ કાવ્યપ્રકારોમાં ગઝલ જ સવા વેંત ઊંચી લાગશે… જો કે આજના યુગમાં આ વાત કંઈક અંશે સાચી પણ સાબિત થઈ રહી છે…

14 Comments »

  1. Rajesh hingu said,

    June 19, 2021 @ 3:05 AM

    વાહ… મજાની ગઝલ… કવિને અભિનંદન

  2. હિમલ પંડ્યા said,

    June 19, 2021 @ 3:09 AM

    મજાની ગઝલ.
    અભિનંદન

  3. Rasa shah said,

    June 19, 2021 @ 3:50 AM

    વાહ. ખૂબ સરસ ગઝલ…બીજો શેર આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા… અભિનંદન

  4. જુગલ દરજી said,

    June 19, 2021 @ 4:03 AM

    આભાર વિવેકભાઈ, મિત્રો, અને લયસ્તરો

  5. Parbatkumar said,

    June 19, 2021 @ 4:05 AM

    વાહ
    ખૂબ સરસ ગઝલ

  6. Harihar Shukla said,

    June 19, 2021 @ 6:11 AM

    સવા વેંત ઊંચી ગઝલ આપવા બદલ ધન્યવાદ જુગલભાઈ 👌💐

  7. Rahul turi said,

    June 19, 2021 @ 7:47 AM

    મજો મજો

  8. Sureshkumar Vithalani said,

    June 19, 2021 @ 8:26 AM

    શ્રી જુગલ દરજીની ગઝલ બહુ જ સુંદર છે અને રહેશે. અભિનંદન.

  9. Pravin Shah said,

    June 19, 2021 @ 8:36 AM

    સુંદર કવિ-કર્મ..

  10. pragnajuvyas said,

    June 19, 2021 @ 9:03 AM

    પ્રકારો બધાયે છે લાખેણા કિન્તુ,
    સવા વેંત ઊંચી ગઝલ છે ને રહેશે.
    કવિશ્રી – જુગલ દરજીની સાંપ્રતકાળે અનુભવાતી સટિક વાત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  11. કિશોર બારોટ said,

    June 19, 2021 @ 10:39 AM

    મજ્જાની ગઝલ 👌

  12. DILIPKUMAR CHAVDA said,

    June 19, 2021 @ 2:45 PM

    જુગલભાઈ સાંપ્રત ગઝલકારો માં મને ગમતા ગઝલકાર છે
    ઓછું લખે પણ એવું લખે છે કે આહ ને વાહ બંને નિકળે..

    બધા જ શેર દમદાર હોય છે એમની ગઝલોમા..
    અભિનંદન કવિશ્રીને
    અને આસ્વાદનો ખૂબ આનંદ

  13. Maheshchandra Naik said,

    June 20, 2021 @ 10:31 PM

    સરસ ગઝલ, બધા જ શેર સરસ છે,
    કવિશ્રીને અભિનંદન……
    આપનો આભાર…

  14. મયૂર કોલડિયા said,

    June 6, 2024 @ 6:07 PM

    જુગલની આ સુંદર ગઝલ છે ને રહેશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment