આરોઓવારો – રવીન્દ્ર પારેખ
ખોબામાં ઝીલું તે તારો વરસાદ
. અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે,
. પણ મારો વરસાદ જરા ખારો…
. પછી ક્યાંય ન હો આરોઓવારો…
ઓણસાલ ચોમાસું મારવાડી એવું
. કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
. જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
. તો થાય આ તે વર્ષા કે પારો?
. પછી ક્યાંય ન હો આરોઓવારો…
વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
. તો દૂર કોણ કરે એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
. વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
. ને માથે મૂકે કે છૂટો ભારો,
. પછી ક્યાંય ન હો આરોઓવારો…
– રવીન્દ્ર પારેખ
વરસાદ સરસ મજાની ઓપનિંગ ઇનિંગ રમીને અચાનક ગાયબ થઈ ગયો છે. મારવાડી હોય એમ ચોમાસાને આ વર્ષે પાણી ખરચવામાં જોર પડે છે. સૂરજ પર પેણો મૂક્યો હોય પણ પેણો જાણે બરાબર ગરમ જ ન થયો હોય અને એમાં મૂકેલી જળની જુવાર માંડ ધાણી થઈ ફૂટે એ કલ્પન જ કેવું મૌલિક અને અનૂઠું છે! હાથમાંથી પારો છટકી જાય એમ હાથમાં આવે, આવે, ને ન આવે એવા ફોરાંનું કલ્પન પણ એવું જ આસ્વાદ્ય થયું છે. બીજા બંધમાં પણ કવિએ એક મજાનું દૃશ્યચિત્ર કલમના લસરકે સુવાંગ દોરી આપ્યું છે. સરવાળે વરસાદ ઉપર લખાયેલી ગુજરાતી કવિતાઓમાં અગ્રસ્થાને બિરાજમાન થઈ શકે એવી રચના…
jagdip nanavati said,
July 9, 2021 @ 3:25 AM
સાહેબ વરસાદથી તો કવિ જ રમી શકે ….બહુ સરસ ગીત
Rinku Rathod said,
July 9, 2021 @ 5:04 AM
વાહ વાહ અને વાહ..
Biren Tailor said,
July 9, 2021 @ 7:05 AM
વાહ
શબ્દોની ભીની મહેક પ્રસરી ગઈ
Harihar Shukla said,
July 9, 2021 @ 7:23 AM
સરસ છાણ સાથે ભરવાડણ અને સંજવારી 👌💐
પરમ પાલનપુરી said,
July 9, 2021 @ 8:19 AM
ચોમાસુ મારવાડી….વાહ!
pragnajuvyas said,
July 9, 2021 @ 1:14 PM
સરસ ગીત
બહુ સરસ આસ્વાદ
janki said,
July 10, 2021 @ 12:49 PM
ખૂબ સરસ રચના અને આસ્વાદ પણ એવો જ મજાનો…
વરસાદ વિશે કવિઓએ કેવી અદ્દભૂત રચનાઓ કરી છે..
વરસાદમાં પ્રિયતમાના મિલન માટે ઝૂરતા પ્રેમીની મારી એક ગમતી વરસાદી રચના
આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.
કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.
માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.
થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.
નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.
કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.
છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે.
– ભગવતીકુમાર શર્મા
હરીશ દાસાણી. said,
July 11, 2021 @ 3:45 AM
મન મૂકીને વરસતો ન હોય એવા વરસાદ માટે તાતા તીર જેવું આ સુંદર ગીત.