નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.
ડૉ. ભરત ગોહેલ

શબવાહિની ગંગા -પારુલ ખખ્ખર

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

-પારુલ ખખ્ખર

સિંહાસન ઉથલાવવાની તાકાત ધરાવતી કવિતા !!! શબ્દની-સાહિત્યની આ જ તાકાતથી સત્તાધીશો ધ્રૂજે છે ! પ્રલંબ સમયાવકાશ બાદ આવો ધિંગો કવિસ્વર સાંભળ્યો જે અચેતનને ઝંઝોટીને મૂકી દે ! પથ્થરમાં પ્રાણ પૂરે !

કવયિત્રીનો ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે કે હવે રાજધર્મ નિભાવો બાપા ! પ્રજાની વેદના સુણો અને ગલીએ ગલીએ ઉતરીને નાગરિકનારાયણની સેવા કરો ! સમય કઠિન છે પણ કઠિન સમયે જ પ્રજા રાજા પાસે ગુહાર પોકારે ને !!!! અત્યારે રાજા કૌવત ન બતાવે તો પ્રજા ક્યાં જશે !!??

સાચો રાજા આ કાવ્ય-ત્રાડથી સફાળો જાગી પોતાનો ધર્મ નિભાવે…..આ પ્રચંડ નાદને પોતાની અવમાનના ન ગણે !

 

35 Comments »

  1. વિવેક said,

    May 12, 2021 @ 12:15 AM

    લયસ્તરો પર ગુરુવારે મારો વારો આવે ત્યારે આ રચના પોસ્ટ કરવાનું schedule કર્યું હતું. તીર્થેશે અદભુત ટિપ્પણી સાથે એ રચના આજે પોસ્ટ કરી દીધી છે તો રચના વિશેની મારી પાદટીપ કમેન્ટ તરીકે મૂકું છું:

    કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. પહેલી લહેર વખતે તો આખી દુનિયા આ શું બિમારી છે અને કઈ રીતે એનો સામનો કરવો એ બાબતે અણજાણ હતી. પણ બીજી લહેર આવશે એના ઢોલ જ્યારે દુનિયા આખી પીટી રહી હતી ત્યારે આપણા સ્વાર્થી રાજકારણીઓ ચૂંટણીસભાઓમાં હજારોની મેદની એકઠી કરી જનમાનસ પર ખોટું ઉદાહરણ સ્થાપવામાં મગ્ન હતા. પરિણામે એવો સમય આવ્યો કે હૉસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ, ખાટલાઓ અને તબીબી-બિનતબીબી સ્ટાફ ખૂટી પડ્યાં અને સ્મશાનોમાં ચિતાઓ અને લાકડાં ઓછાં પડ્યાં… ચારેતરફ મૃત્યુના કાળા ઓછાયા ફરી વળ્યા અને તબાહીનો આ નગ્ન નાચ તો હજી પૂરોય નથી થયો…. આવામાં કોઈ મરદ પણ ન કરી શકે એવો ખોંખારો ખાઈને એક કવયિત્રી આગળ આવી છે અને ભડકે બળતા રોમને જોઈને ફીડલ વગાડતા નીરો જેવા શાસકને બિલ્લા-રંગા જેવા ખતરનાક અપરાધીઓની ઉપમા આપીને ‘રાજા નાગુડિયો’ની આહલેક પોકારી રહી છે…

    કવયિત્રીને સો-સો સલામ!

  2. Harihar Shukla said,

    May 12, 2021 @ 1:49 AM

    કવયિત્રીને સો સો સલામ સાથે હજાર હજાર અભિનંદન 💐

  3. લવ સિંહા said,

    May 12, 2021 @ 2:45 AM

    ખૂબ જ સટીક અને જે જે વાતો વણાવી જ જોઈએ એ વણી લીધી છે… સારી કવિતા તો એ જ છે પોતાની મટીને બધાની થઈ જાય… આમાં એ દમ છે કેમ કે આમાં દંભ નથી… કવિયત્રીની કલમને સલામ 🔥

  4. Dhiren Tharnari said,

    May 12, 2021 @ 2:54 AM

    કવિયત્રીને જેટલી સલામ કરીએ એટલી ઓછી છે. આજની વરવી વાસ્તવિકતાને કલમના સહારે રજૂ કરી એક જબરદસ્ત હિંમત બતાવી છે.

  5. Kajal kanjiya said,

    May 12, 2021 @ 3:04 AM

    પારૂલબેનની લોહી ઉકાળી દે તેવી ખુમારી ભરી રચના અને શાશકોને નાગા કહેવાની હિંમત ખરેખર કાબિલે દાદ છે.

    હવે શાશકો જાગે તો સારું
    🙏

  6. snehal said,

    May 12, 2021 @ 3:05 AM

    કોમન મેનના દિલ ને વ્યક્તિ કરિ આપ્યુ.
    વન્દન ….

  7. આરતીસોની said,

    May 12, 2021 @ 3:06 AM

    સટીક હૂંકાર કર્યો રાજકારણીઓને.. મને તો ભાઈ ખરેખર અત્યારના સમયમાં તમાચો મારતી આ કવિતા ખૂબ ખૂબ વખાણવા લાયક કહી શકાય.. પારુલ ખખ્ખરને સલામ છે.

  8. kishor Barot said,

    May 12, 2021 @ 3:18 AM

    કાશ, ગેંડાની ચામડી ધરાવના રાજકારણીઓના હદયને સ્પર્શે.
    કવિયત્રીને સો સો સલામ.

  9. Poonam said,

    May 12, 2021 @ 3:21 AM

    હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
    રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

    -પારુલ ખખ્ખર – satik, satya ne sataak, pan… praja pan javabadari nibhave 🙏🏻

  10. Sandhya Bhatt said,

    May 12, 2021 @ 3:33 AM

    પારુલબહેનની કલમે મશાલનું કામ કર્યું છે..જુવાળ ઊભો થયો છે.તીર્થેશભાઈએ બરાબર લખ્યું કે સરકાર પણ ઉથલાવી દે એવી તાકાત આ કવિતામાં છે..કવિ,કવિતા અને લયસ્તરો ખૂબ જિયો….

  11. પ્રજ્ઞા વશી said,

    May 12, 2021 @ 4:07 AM

    પ્રખર આગ ઝરતી કવિતા
    હિંમતને દાદ દેવી જ પડે , આવી નક્કર કવિતાની જ જરૂર છે. સલામ પારુલબેનને.

  12. આસિફખાન said,

    May 12, 2021 @ 4:17 AM

    વાહ
    સબ કુછ ચંગા ચંગા

    પારુલ ખખ્ખર ને સલામ

  13. Milan Sonagra said,

    May 12, 2021 @ 5:02 AM

    કાલથી આ કવિતા બધે વાંચુ છુ, બહુ જ ચોટદાર છે. પણ કેવી સ્થિતિ છે, આ કવિતાના વખાણ કરવા જેવી હાલત છે!
    પારુલ બહેની કલમની બહુ મોટી અસર થાય તો જ કદાચ કવિતાને એનું સાચું પુરસ્કાર મળશે.

  14. ચંદ્રશેખર પંડ્યા said,

    May 12, 2021 @ 5:16 AM

    દેશનું સુકાન સંભાળતી વ્યક્તિ માટે પ્રયોજાયેલ વિશેષણની ભાષા અભદ્ર નથી લાગતી?

  15. ચંદ્રશેખર પંડ્યા said,

    May 12, 2021 @ 5:20 AM

    દેશનું સુકાન સંભાળતી વ્યક્તિ માટે પ્રયોજાયેલ વિશેષણ અભદ્ર નથી લાગતું?

  16. DILIPKUMAR CHAVDA said,

    May 12, 2021 @ 6:35 AM

    જુસ્સા ભેર હકીકત દર્શાવતુ
    ઉઘાડે છોગ હાલનું સટિક ચિત્ર દર્શાવતું ગીત
    અભિનંદન કવિયત્રીને અને હિંમતને સલામ

  17. praheladbhai prajapati said,

    May 12, 2021 @ 6:38 AM

    KARONAA KAALNI KAARMI CHIS SAMI KAVITAA ,KARONAANU VARVU RUP
    SAMJAAVTIKAVITAA , SUNDAR , ALEKHAN

  18. Arpit Shukla said,

    May 12, 2021 @ 12:00 PM

    સાહેબની paid ચમચાગીરી કરતા એક “કિન્નરે” આજે ; પારુલ ખખકરજીની રચના સામે ભેળસેળિયું કાવ્ય આ રીતે પ્રસિદ્ધ કર્યું છે …
    રાણી, એક અવાજે ગિધડાં બોલ્યાં,
    ચોતરફ બસ મડદા ખડકાયા
    રાણી તમે તો ઝેરીલાં દ્વેષમાં
    બની ગયા અદ્દલ ઘોરખોદિયા

    રાણી તમારી કલમમાં ખૂટી માણસાઈ
    ને ઠેઠ આઠમા પાતાળે સલુકાઈ
    તો ય ન ખૂટી તમારી અકોણાઇ,
    બિલકુલ ન ખૂટી નફ્ફટાઈ
    સિંહણ થવાનાં ધખારામાં
    મરશિયાં તમે જોરથી ગાયાં

    રાણી, મહાવ્યાધિને પાપે મહાણનાં
    સળિયા સમૂળા ઓગળ્યા
    મોતતાંડવ વચાળે પણ
    રાજકારણે શીદને વળગ્યા!

    રાણી, તમારી તીખી કલમ
    ને બટકબોલી વેદના
    રાણી, તમારો એંઠવાડ
    આખી જમાત જોતી
    હોય છાતી તો આવી બોલો
    “કવયિત્રી નહીં, આ તો પૂતના”

    રાણી, એક અવાજે ગિધડાં બોલ્યાં…

    -કિન્નર આચાર્ય

  19. pragnajuvyas said,

    May 12, 2021 @ 12:30 PM

    હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
    રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
    કવયિત્રી પારુલ ખખ્ખરનો અભદ્ર ભાષામા ઇરાદો સત્તાને ઝાટકા સાથે જાગ્રત કરવાનો છે.અહીં અમેરીકામા પણ પ્રેસ , ટેલીવીઝન જેવા મિડીયામા આવા પ્રચાર થાય છે.
    તો બીજી તરફ અમેરીકામા કોવિડ દર્દીઓના મૃતદેહને ફ્રિજ ટ્રકમાં રાખ્યા હતા. હવે, લગભગ એક વર્ષ પછી, ઘણી લાશને સમાન ફ્રિજ ટ્રકમાં રાખવામાં આવી છે અને તેમને દફનાવવામાં આવ્યા નથી. એક સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે આશરે ૭૫0 જેટલા મૃતદેહો હજી પણ સંગ્રહિત છે . હજુ પણ ઘણી લાશોની દફનવિધિ બાકી છે.
    ત્યારેી સેટેલાઈટ ફોટોમાં દેખાયા પ્રમાણે ચીનમાં ૧૪,000 લાશો સળગાવી દેવાયાની શંકા .કેટલાક તો સારા ન થઇ શકે તેવાને જીવતા પણ સળગાવી દેવાયા.
    હવે કેટલાકે સ્વીકારેલી eco-friendlier ways મા હ્યુમન ડેડબોડી કંપોસ્ટીંગ alkaline hydrolysis વધુ સરળ લાગે છે. આ પ્રક્રિયામાં મૃતદેહોનો નાશ કરવા માટે લાશને પ્રવાહી ભરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્યુબમાં રાખવામાં આવે છે અને માત્ર ચાર કલાકની અંદર સંપૂર્ણ લાશ નાશ પામે છે અને બાકી રહેલુ ખાતર eco-friendlier હોય છે.

  20. Alpa Vasa said,

    May 12, 2021 @ 1:17 PM

    Salute Parulben

  21. Maheshchandra Naik said,

    May 12, 2021 @ 2:06 PM

    સરકારને જાગ્રત કરવાનો ભાવવાહી આક્રોશ,જવાલાશીલ શબ્દો અને એવો જ પ્રવર્તમાન સંજોગોમા પ્રકોપ
    સલામ કવિયત્રી પારુલબેન્……સરકાર જાગે તો સારુ….

  22. Bhavin Chhaya said,

    May 12, 2021 @ 3:10 PM

    એક કવિયત્રીશ્રીને અચાનક કોઇ શુરાતન ઉપડે છે અને હ્દયદ્રાવક કાવ્યને જન્મ આપે છે. કલ્લાકોમાં એ સુપરહીટ થઇ જાય છે. લેખકો, વામપંથીઓ, ચોક્કસ પ્રજાતિના પાયજામાધારીઓ વાહ વાહ કરીને તેને સિંહણનું બિરુદ આપે છે.

    પરંતુ એ સિહંણ પોતાની બોડમાંથી બહાર નીકળી છે? શું એ કવિયત્રીએ વુહાન,ઇટલી,બ્રાઝીલ કે યુએસના લાશોના ઢગલા જોયા છે? શું તેમને વિકસીત દેશોની સાપેક્ષમાં પર મિલિયન ડેથ રેશિયો ખબર છે ભારતનો? શું તેમને વિકસિત દેશોની માનવવસ્તી ભારત કરતાં પાંચ ગણી ઓછી છે એ ખબર છે? શું ત્યાંના રસીકરણના આંકડાઓ ખબર છે? ઇન્ટરનેટનો ઉપયોગ તેઓ આ કોઇપણ માહિતી માટે કરે છે? શું તેમની પાસે કોઇ એનાલિટીકલ સ્કીલસ્ છે?

    કેટલા સગા વહાલાં મિત્રો કે સાવ અજાણ્યાને એમણે કોઇ મદદ કરી છે? કરી હોય તો ઉત્તમ બાકી કાગળ ને પેન લઇ વોરિયર બનેલ સિંહણના જડબાં બોખાં ગણાય.

    હા અમને પુછવાનો હક છે કેમકે અમે સાવ અપરિચિત લોકો માટે ઓક્સીજન, ઇંજેક્શન, બેડ વગેરે માટે ફોનની બેટરી બે વખત ખતમ થઇ જાય તેટલી મહેનતો કરી છે, સિવિલની લાઈનમાં ઉભા છીએ, પોઝીટીવ દર્દીઓને કારમાં બેસાડી હોસ્પિટલે પહોંચાડ્યા છે. કોરોનામાં અવસાન પામેલા મ્રુતદેહો માટે લાકડાં ગોઠવ્યાં છે. ઉપરનું કંઇ પણ એમણે કર્યું હોય તો એમની બધી ભુલો નગણ્ય.

    ઘણાં અંગત સ્વજન અને અમને પોતાને સિવિલમાં ઉત્તમ સારવાર મળી છે, આ લખાય રહ્યું છે ત્યારે અંગત સગા સત્તર દિવસથી સરકારી રુગ્ણાલયમાં છે જેની લાઈન ઓફ ટ્રીટમેન્ટ ના વખાણ ખુદ વોકહાર્ડના સર્વેસર્વા તબીબે કરેલ છે. પ્રાઈવેટમાં દસ લાખે પહોંચી શક્યો હોય એવો આંકડો અહીં તદન મફ્ફત છે. દસ્તાવેજી પુરાવા સાક્ષાત હાજર છે, ગમ્મે તે ચમરબંધી ડોક્ટર ભુલ કાઢી આપે તો તેના ગુલામ.

    શું એમને ‘મહામારી’ શું એ ખબર છે? ભુતકાળની મહામારીઓ વિશે માહિતી છે એમને?

    આજે પણ જાહેર સ્થળો એ થતી ભીડ એમને દેખાય છે? રેસ્ટોરાંમાં પાર્સલ લેવા માટે થતી લાઈનોથી એ અજાણ છે? જાહેર બીઝનેસ હોવાથી રોજના ૨૫૦૦ કસ્ટમર અમારે ત્યાં આવે છે. જેમાંથી ૪૦ ટકાને માસ્ક પહેરવા સમજાવવા પડે છે. તો શું આ માટે પણ જવાબદાર દેશના બે જ વ્યકિત છે?

    સણસણાટી ફેલાવવી અને વાસ્તવિક્તાથી પરિચિત હોવું એ બંન્ને વચ્ચેનો ફરક ખબર છે એમને?

    તમારી પાસે કલમ હોય અને બે પાંચ લોકો વાંચતા હોય તો તમારી સામાજીક જવાબદારી હોય કે નહીં? ફેમેનિઝમની રોતલ લાગણીને કેન્દ્રમાં રાખી કંપારીઓ ફેલાવવી અને રોદણાં રોવાં સિંહણ નહીં પણ એક કિલોમીટર દુરથી સિંહની ત્રાડ સાંભળી થરથરી ઉઠતી બકરીનું કામ છે.

    કશું રચનાત્મક ન કરી શકે કે ગ્રાઉન્ડ પર ઉતરી કામ ન કરી શકે, અને કાગળ,મિડીયા કે યુ ટ્યુબ પર માત્ર નેગેટીવ, બિહામણા ચિત્રો ઉપસાવી સર્જનાત્મકતા નો આનંદ લેતા લેખકો ને કવિઓએ પોતાની કલમ બટકાવી નજીકના નાળામાં વહાવી દેવી જોઇએ.

  23. Himanshu Jasvantray Trivedi said,

    May 12, 2021 @ 3:15 PM

    SO very powerful and apt poem. What a poetess! A lioness.
    Secondly, what is ABHADRA in this!? Abhadra is ‘playing fiddle while Rome has been burning’ … Abhadra is absolving all and feed the peacocks and talk nonsense and organising rallies as if someone is not a Prime Minister of a nation but a ‘pracharak’ of a sickening organisation and abdicating all responsibilities. ABHADRA is declaring Central Vista project as an ‘essential service’!!! If that does not feel ABHADRA, let us discuss what is ‘Bhadra’ in a society.
    To Parulben. I had tears when I read this wonderful powerful expressions of yours. Tears of having so many dying around us and no one being able to do anything about it – feeling completely helpless, out of depth and to be honest, impotent to the situation, which has been originally a disease but COMPOUNDED and MULTIPLIED by utter human callousness and misgovernance. Couple of tears of Joy, as I felt that at least ‘we are still alive and thanks to Parulben to actually speak up and state that we are alive’…One wonders who is more dead, the actual victims of COVID-19 or those who have been blind to see what has been happening to us as a society and are now living but more dead than those dead. Lastly, the poem like this or the gross and very gory situations like those prevalent in India would have caused an outrage and would have overthrown Governments in any other place as such – in our times, what we are facing, this poem also, though it is disappointing to state, a piece of ARANYA-ROODAN. Hope what Umashankar Joshi ji wrote years ago, shall come true sooner … BHOOKHYA JANO NO JATHARAGNI JAAGSHE….KHANDER NI BHASMAKANI NA LAADSHE.

  24. preetam lakhlani said,

    May 12, 2021 @ 4:38 PM

    બેન પારુલે સુતી સરકાનના આંખ કાન ખોલી નાંખયા છે, કવયિત્રીએ કલમ દ્વારા લોકોની વાત સરકાના આંખ કાન સુઘી પહોચાડી છે તે ખરેખર બિરદાવા લાયક છે! બેન તુજે સલામ

  25. લલિત ત્રિવેદી said,

    May 13, 2021 @ 12:06 AM

    ખમ્મા ખમ્મા… પારુલ દે… ખમ્મા !!

  26. Mitanshu said,

    May 13, 2021 @ 12:59 AM

    રોવણહારા અને જમડાંટોળી નો અર્થ સમજાવી શકે કોઈ મને…

  27. nayan dave said,

    May 13, 2021 @ 3:05 AM

    Melo dramatic is a winner in India.
    મરશિયા ગાવા, લોકો ને રો વ રા વ વા ઉશ્કેરવા એ તો આપના શબ્દો આસાનિ થિ કરશે
    જાત અનુભવે કૈન્ક એવુ લખો કે લોકો સત કાર્ય્ કરવા પ્રેરાય
    આપ તો વિદુશિ શુ કહુ બાકિ ‘માનવિ નિ ભવઇ’ યાદ કરો સુરત નો પ્લેગ યાદ કરો મહા મારિ નો અર્થ સમજાશે

  28. કૌશિક પટેલ said,

    May 13, 2021 @ 3:14 AM

    એક યુગપ્રવર્તક રચના…
    પારુલબેનની બળવત્તર કલમને સો સો સલામ.

  29. preetam lakhlani said,

    May 13, 2021 @ 5:11 PM

    અમરેલીની સિંહણે તો પોતાની વૉલ પરથી એ કવિતા હટાવી નહીં પણ અન્ય ઘણા મિત્રોને હટાવી લેવાની ફરજ પડી એ ગુજરાતી સાહિત્યની સૌથી મોટી કમનસીબ ઘટના લેખી શકાય. ભાગ્યે જ કોઈ નામી સાહિત્યકાર અને કવિઓ આ યુગપ્રવર્તક રચના અને રચનાકારના ટેકામાં આગળ આવ્યા એ એનાથીય મોટી કમનસીબી….વિવેક્ભાઈ તમને પણ સલામ્

  30. Rajesh Panwala said,

    May 14, 2021 @ 2:20 PM

    An eye-opener poem. Job of poet is to show the truth to government. It has be taken in positive manner rather then mud sledging on poet’s intention.

    Bravo …..

  31. Preeti Purohit said,

    May 16, 2021 @ 2:12 AM

    શત શત નમન પારુલબેન આપનિ કલમને,
    ભીતર તમારી કેવો દાવાનલ ખળભળ્યઓ હશે આ લાગણીઓ શબ્દરુપે ઉભરાણી એની પહેલા…

  32. Preeti Purohit said,

    May 16, 2021 @ 2:18 AM

    શત શત નમન પારુલબેન આપનિ કલમને,
    ભીતર તમારી કેવો દાવાનલ ખળભળ્યઓ હશે આ લાગણીઓ શબ્દરુપે ઉભરાણી એની પહેલા… આપના અણીયારા શબ્દો ની જોઇતિ અસર રાજા ને થાય ને મોડૅ મોડે ય આ દેશ ની દયનીય હાલત વિશે એમની જવાબ્ દારી નુ ભાન થાય્…

  33. Ibrahim said,

    May 16, 2021 @ 12:54 PM

    Excellent summarization of key points emanating from this beautiful but hard-hitting poem can be found at the following link-

    http://urvishkothari-gujarati.blogspot.com/
    રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે

  34. Hemant Joshi said,

    May 17, 2021 @ 1:07 AM

    પરિસ્થિતિનું વાસ્તવિક વર્ણન.

  35. Bhavesh said,

    May 19, 2021 @ 11:06 PM

    Vah ben 🙌🙌🙌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment