ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

(હરિવર ઊતરી આવ્યા નભથી) – ભગવતીકુમાર શર્મા

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી વહેતાં આંસુ

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

– ભગવતીકુમાર શર્મા

ચોમાસુ સુવાંગ ખીલ્યું છે એવામાં ભગવતીકુમારનો આ મેઘમલ્હાર યાદ ન આવે તો જ નવાઈ. હરિ અને હરિપ્રસાદી સમો મેઘ અને સચરાચર સૃષ્ટિની ત્રિવેણીની આસપાસ કવિએ ગીતની મજાની ગૂંથણી કરી છે. આકાશથી વરસાદ નથી વરસતો, જાણે સાક્ષાત્ ઈશ્વર મેઘમલ્હાર ગાતા ગાતા ઊતરી આવ્યા છે, પરિણામે વરસાદના છાંટાનો સ્પર્શ પોતે જ હરિનો સાક્ષાત્કાર બની રહે છે. ચોમાસુ વાયરા જાણે હરિએ મારેલી ફૂંક છે, જે બળબળતી લૂને દૂર ઊડાડી જાય છે. ભીની માટીની ગંધ જાણે હરિના શ્વાસ જ જોઈ લ્યો! આખું ગીત આ જ રીતે હળવે હળવેથી ખોલીને માણવા જેવું છે… ચોમાસાની નાનામાં નાની પ્રાકૃતિક બીનાને કવિએ કેવી બખૂબી ઈશ્વર સાથે સાંકળી લીધી છે એ ચમત્કાર પોતે કાવ્યવૃષ્ટિમાં સરાબોળ ભીંજાવા જેવો છે…

6 Comments »

  1. ભરત શાહ said,

    July 3, 2021 @ 8:55 AM

    ચોમાસામાં ભીંજાતા ભીંજાતા કયારે હરિ ના રસાસ્વાદ માં ભીતર માં ભીંજાઈ જઈએ તેની જાણ સુધ્ધાં ના થઈ.
    સુંદર.

  2. ભરત શાહ said,

    July 3, 2021 @ 9:01 AM

    ચોમાસામાં ભીંજાતા ભીંજાતા કયારે હરિ ના રસાસ્વાદ માં ભીતર માં ભીંજાઈ જઈએ તેની જાણ સુધ્ધાં ના થઈ.
    સુંદર
    It is not duplicate nor taken from somewhere. This is my Mahluk vichar.

  3. ભરત શાહ said,

    July 3, 2021 @ 9:03 AM

    ચોમાસામાં ભીંજાતા ભીંજાતા કયારે હરિ ના રસાસ્વાદ માં ભીતર માં ભીંજાઈ જઈએ તેની જાણ સુધ્ધાં ના થઈ.
    સુંદર
    It is not duplicate nor taken from somewhere. This is my Maulik vichar.

  4. pragnajuvyas said,

    July 3, 2021 @ 10:27 AM

    આ સ્તુતિ ગીત સાંભળીએ ત્યારે પ્રતીતિ થાય છે કે, આવા શબ્દો પરાવાણીમાંથી જ નીપજે. આવી સ્તુતિ હૃદયના પૂર્ણ ભાવથી ગવાય તો જ તેને પ્રાર્થના કહેવાય. આ ગીત ગવાતું સાંભળી વેદકાળના બહુ પૂજ્ય દેવ – વરૂણનું આવાહન થતું આપણે અનુભવી શકીએ છીએ.
    અંતરની વાણીને ઉજાગર કરતા શબ્દો, ગરજતા અને વરસતા મેઘને અનુરૂપ સંગીત અને તેવા જ મિજાજથી સભર, ઝમકદાર સ્વર આ ગીતને ગુજરાતી સુગમ સંગીતનું એક અમૂલ્ય નજરાણું બનાવી દે છે.કાવ્યવૃષ્ટિમાં સરાબોળ ભીંજાયા
    આ ગીત અત્યંત સુંદર સ્વરરચનામાં નયના ભટ્ટ અને હરીશ ઉમરાવના મધુર કંઠે ગવાયેલું માણવાની ંમજા કાંઇ ઔર…
    ડૉ. વિવેકનો સ રસ આસ્વાદ

  5. Dr Heena Mehta said,

    July 4, 2021 @ 12:54 AM

    વાહ!!
    ખૂબ સુંદર પ્રાથના/ ગીત
    વરસાદ ની મૌસમ સાથે એકરૂપ બની કવિનું અંતર ભીંજાઈ ઞયુ !!

  6. Poonam said,

    July 4, 2021 @ 4:30 AM

    મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
    જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર
    – ભગવતીકુમાર શર્મા – Satya…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment