ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

સરવાળે શૂન્ય છે – સાહિલ

આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.

પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.

જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.

આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.

અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.

પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.

‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.

– સાહિલ

‘રાવણું’ એટલે ગરાસિયા અને ગામના આગેવાનોની મિજલસ; જ્ઞાતિજનોએ એકઠા મળીને તડાકા મારવા તે. પણ કવિ અહીં ગામની રેગ્યુલર પંચાતમંડળીની વાત નથી કરતા, એ તો આઠ પ્રહરના રાવણાંની વાત કરે છે. મતલબ ગામગપાટા કરવા જે ગામ અહીં ટોળે વળ્યું છે એ દિવસના આઠેય પ્રહરોનું બનેલું છે. દિવસ-રાત ભેગાં થઈનેય જીવન સરવાળે શૂન્ય જ છે એ વાત કવિએ કેવી અદભુત રીતે કહી છે! અને આ જ રીતે સરવાળે શૂન્ય હોવાની વાત કવિએ નાનાવિધ સંદર્ભોને સાંકળીને બાકીના બધા શેરોમાં પણ બેનમૂન રીતે કરી છે. પરિણામે સુવાંગ ગઝલ આસ્વાદ્ય બની છે.

9 Comments »

  1. Sandip Pujara said,

    June 3, 2021 @ 1:15 AM

    ખુબ સરસ ….

  2. Vicky Trivedi said,

    June 3, 2021 @ 2:36 AM

    ખૂબ સરસ ગઝલ છે. 💐

  3. Labhshankar Bharad said,

    June 3, 2021 @ 4:08 AM

    વાહ. ખૂબ સુંદર રચના. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ !

  4. Labhshankar Bharad said,

    June 3, 2021 @ 4:10 AM

    વાહ. ખૂબ સુંદર. શ્રી કૃષ્ણ !

  5. લલિત ત્રિવેદી said,

    June 3, 2021 @ 4:23 AM

    પ્રિય કવિ ની સુંદર ગઝલ

  6. Pravin Shah said,

    June 3, 2021 @ 5:10 AM

    વાહ ! ખૂબ સરસ ગઝલ !
    સરવાળે અમૂલ્ય ચ્હૅ !

  7. pragnajuvyas said,

    June 3, 2021 @ 10:00 AM

    કવિશ્રી સાહિલની સુંદર ગઝલ
    અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
    જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે
    વાહ
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  8. Maheshchandra Naik said,

    June 3, 2021 @ 2:15 PM

    સરસ ગઝલ અને એટલો જ સ- રસ આસ્વાદ….

  9. Rohit Kapadia said,

    June 9, 2021 @ 9:40 AM

    ‘રાવણું’ શબ્દનો અર્થ ખબર ન હતો પણ જ્યારે
    અર્થ ખબર પડી અને જે સંદર્ભમાં તેનો ઉપયોગ થયો છે.
    આફરીન થઈ જવાય. ખૂબ જ સુંદર રચના. ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment