સાહિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 3, 2021 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
આઠે પ્રહરનું રાવણું – સરવાળે શૂન્ય છે,
વિરાટ હો કે વામણું – સરવાળે શૂન્ય છે.
પાછળ છે સજ્જ લશ્કરો અંધારનાં અપાર
આ સૂર્ય જેવું તાપણું – સરવાળે શૂન્ય છે.
જીવન મળ્યું છે જીવવા તો મોજથી જીવો
થોડુંક હો કે હો ઘણું – સરવાળે શૂન્ય છે.
આ ઘરનો ઝળહળાટ છે ઊછીના તેજથી
થાતાં જ બંધ બારણું – સરવાળે શૂન્ય છે.
અજ્ઞાનમાં ડૂબું યા તરું જ્ઞાન-સાગરે
જગને ભણાવું યા ભણું – સરવાળે શૂન્ય છે.
પડછાયો મારો પણ કદી મારો નથી થયો
ખુદને ગણું કે અવગણું – સરવાળે શૂન્ય છે.
‘સાહિલ’ હું મર્મ આયખાનો જાણી શું કરું
સોહામણું – બિહામણું – સરવાળે શૂન્ય છે.
– સાહિલ
‘રાવણું’ એટલે ગરાસિયા અને ગામના આગેવાનોની મિજલસ; જ્ઞાતિજનોએ એકઠા મળીને તડાકા મારવા તે. પણ કવિ અહીં ગામની રેગ્યુલર પંચાતમંડળીની વાત નથી કરતા, એ તો આઠ પ્રહરના રાવણાંની વાત કરે છે. મતલબ ગામગપાટા કરવા જે ગામ અહીં ટોળે વળ્યું છે એ દિવસના આઠેય પ્રહરોનું બનેલું છે. દિવસ-રાત ભેગાં થઈનેય જીવન સરવાળે શૂન્ય જ છે એ વાત કવિએ કેવી અદભુત રીતે કહી છે! અને આ જ રીતે સરવાળે શૂન્ય હોવાની વાત કવિએ નાનાવિધ સંદર્ભોને સાંકળીને બાકીના બધા શેરોમાં પણ બેનમૂન રીતે કરી છે. પરિણામે સુવાંગ ગઝલ આસ્વાદ્ય બની છે.
Permalink
February 20, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.
સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.
દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.
ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.
આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.
બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.
જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.
– સાહિલ
મજબૂત ગઝલ. લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
July 10, 2020 at 1:53 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો
કદ કરતાં પણ વધારે વિસ્તાર હોય તો શું
પંખી ને ભાર લાગે ક્યારેય ના પીછાંનો
સમજો ન ઉન્નતિ સહુ ઊંચે જતી સ્થિતિને
અફસોસ મનમાં ચચરે-પલ્લું ઊંચે ગયાનો
થોડીક મ્હેરબાની મૌલાની જોઈએ બસ
વીંધે વમળને પળમાં અવતાર બદબુદાનો
આચાર પાળવાના કાં કાંટલાં જુદાં છે
બંદો છો તું ખુદાનો, બંદો છું હું ખુદાનો
આ રેતિયા નગરમાં છે કારભાર મારો
પાણી ઉપર પડેલા તડકાઓ વેચવાનો
હર જન્મમાં પ્રભુનું ઘર દૂર બે’ક ડગલાં
હર જન્મમાં હું સાહિલ વંશજ છું કાચબાનો.
– સાહિલ
મનનીય રચના…
Permalink
June 5, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
કુરાનનો વિષય છે એ ગીતાનો વિષય છે
શંકાનો વિષય ક્યાં છે આ શ્રદ્ધાનો વિષય છે
છો ફૂલ સમા તોય તમે ડંખ કાં મારો
મેં સાંભળ્યું છે – ડંખવું કાંટાનો વિષય છે
સંયોગ ને વિયોગ તો છે ધારણા મનની
મળવું અને ના મળવું તો ઇચ્છાનો વિષય છે
વર્ષોથી ભલે નામ નથી લીધું તમારું
પણ ભૂલી ગયો તમને એ અફવાનો વિષય છે
નૌકા ની સફર પર નથી નૌકાનો ઇજારો
તળિયે જવું કે કાંઠે – હલેસાનો વિષય છે
મનને કહો એ લઈ જશે મંઝિલ સુધી તમને
મારગ ભુલાવી દેવો તો નકશા નો વિષય છે
‘સાહિલ’ નહીં રાહત ફળની આશ કદાપિ
જુદાઈ નરી શાશ્વતી પીડાનો વિષય છે.
– સાહિલ
કેવી મજાની ગઝલ! બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…
Permalink
October 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ચાહતની પળ-વિપળનો ગજબ સાર નીકળ્યો,
નાનકડી કાંકરી નીચે ગિરનાર નીકળ્યો.
સઘળા ભરમનો ભાંગીને ભૂક્કો થઈ ગયો,
સૂરજની આગ-જડતીમાં અંધાર નીકળ્યો.
અવગણના કીધી જેમની મેં બાળકો ગણી,
એ બાળકોની બોલીમાં કિરતાર નીકળ્યો.
બે હાથ દ્વાર ભીડવા ઊંચા થયા અને,
પાંખો મળી તો આંખમાં સત્કાર નીકળ્યો.
સાથે ને સાથે તોય જાણે દૂર જોજનો,
પડછાયો મુજને ભેટવા લાચાર નીકળ્યો.
અવતાર એળે જાય છે એ જાણવા છતાં,
ના મન મહીંથી ચપટી અહંકાર નીકળ્યો.
કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.
-સાહિલ
સ-રસ રચના…
Permalink
July 14, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.
ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.
ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.
શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.
શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.
એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.
આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.
– સાહિલ
રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !
Permalink
December 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
પારદર્શક સમય થવા લાગે,
મૌન પણ ત્યારે બોલવા લાગે.
હામ જ્યારે હલેસાં થઈ જાયે,
તો તોફાનોય ખારવા લાગે.
જોઈ અણસાર જાણીતો ફળિયે,
ઉંબરો પ્હાડ લાગવા લાગે.
એ જ ચહેરા છે – આઈના પણ એ,
દૃશ્ય કાં તોય આગવા લાગે
એ મજાની વિષે શું વાત કરું
દર્દ જ્યારે સ્વયં દવા લાગે.
બિંબને ક્યાં છુપાવવા ‘સાહિલ’
ભીંત જો ભેદ ખોલવા લાગે.
– સાહિલ
કેવી મજાની ગઝલ !
Permalink
April 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.
શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.
આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.
સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.
થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
– સાહિલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ…
Permalink
September 10, 2011 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં
ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં
સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં
સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં
સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં
જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં
– સાહિલ
Permalink
December 3, 2007 at 10:42 PM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
ચિત્તથી જે બધું પરહરે,
નામ એનું જ માણસ ખરે.
નામ તારું લઈ ઊમટ્યાં,
પૂર ના એ હવે ઓસરે.
હાથ મૂક્યો છે એ હાથમાં,
જે ભવોભવના ભરણાં ભરે.
કાનજીપો હશે ત્યાં નર્યો,
મન મીરાંબાઈનું જે હરે.
હોય ના જો અપેક્ષા કશી,
ખોટથી જીવ શાને ડરે?
-સાહિલ
રાજકોટના કવિ સાહિલની ગાલગાના ત્રણ આવર્તનોમાં લખેલી આ ટૂંકી બહેરની ગઝલ પરંપરાની ગઝલોની નજીક લાગે છે. મને ખૂબ ગમી ગયેલ બીજો શેર બાદ કરતાં બધાં જ શેર ઈશ્વર યા ઈશ્વરનિષ્ઠ મૂલ્યોને સ્પર્શતા થયા છે. મીરાંબાઈવાળા શેરમાં કવિ નવો જ શબ્દ ‘કોઈન’ કરે છે-કાનજીપો. જેમ રાજીપો, ખાલીપો તેમ આ કાનજીપો. સરવાળે આખી ગઝલ ધનમૂલક થઈ છે…
Permalink